કતલ માટે લવાયેલા દસ ગૌવંશને બચાવી લેવામાં આવ્યા
(પ્રતિનિધિ) આણંદ તા.19
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમે રવિવારના રોજ ભાલેજ ગામમાં દરોડો પાડી ગૌવંશ કતલનું કૌભાંડ પકડી પાડ્યું હતું. આ અંગે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ શખ્સ ફરાર થઇ ગયાં હતાં. આ કાર્યવાહીમાં દસ જેટલા ગૌવંશને બચાવી તેમને પેટલાદ પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, ભાલેજ ગામમાં રહેતા કાદર મહંમદ કુરેશી, ઇસાક સિદ્દીક કુરેશી તથા તેમના મળતીયા ભેગા મળી ભાલેજ કુરેશી મહોલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌવંશ કતલ કરી ગૌમાંસનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમી આધારે એલસીબીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.એમ. પાવરા સહિતની ટીમ બનાવી રવિવારના રોજ દરોડો પાડ્યો હતો. આ દરોડાના પગલે નાસભાગ મચી હતી. જોકે, ચાર શખ્સને પકડી પાડ્યાં હતાં. આ શખ્સનોની પુછપરછ કરતાં તે કાદર ઉર્ફે કાદરહાજી મહંમદ કુરેશી, જીલાની રબ્બાની કુરેશી, મુસ્તુફા રસુલ કુરેશી અને સકિલ સિકંદર કુરેશી (રહે. તમામ ભાલેજ) હોવાનું જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં એલસીબીએ સ્થળ પરથી 885 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, સ્થળ પરથી દસ ગૌવંશને બચાવી લેવામાં સફળતા મળી હતી.
આ અંગે પકડાયેલા શખ્સોની પુછપરછ કરતાં વધુ પાંચ નામ બહાર આવ્યાં હતાં. જેમાં ઇસાક સિદ્દીક કુરેશી, મુસ્તકીમ ઉર્ફે બાટલી મહેબુબ કુરેશી, મહેબુબ અબ્દુલ કુરેશી, રસુલ કમાલ શેખ અને હસન ઉર્ફે ભાઈ ઉર્ફે કઠલાલી મુસ્તુફા કુરેશીનો સમાવેશ થાય છે. આ અંગે ભાલેજ પોલીસે તમામ શખ્સ સામે ગુનો નોંધી કુલ રૂ.4.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.