આરોપી સામે અમદાવાદમા -03, વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના -03, બોડેલી પોલીસ સ્ટેશનના -01તથા મુંબઇ તિલકનગરના -01 એમ કુલ 08ગુનાઓ આચર્યા હતા
આરોપી વાડી વિસ્તારમાં આવેલા સુલતાન પુરા ખાતેથી ઝડપાયો

(પ્રતિનિધિ) વડોદરા તા. 19
સોશિયલ મીડિયા પર ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરી ફોર વ્હીલર ભાડે મેળવી તે વાહનોને પોતાના આર્થિક લાભ માટે બારોબાર ગિરવે મૂકી વાહન માલિકો સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરવાના ગુનાઓમાં પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીને વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સુલતાન પુરા ખાતેથી વાડી પોલીસ સ્ટેશન ઝોન -2ની ટીમે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વાડી વિસ્તારમાં આવેલા સુલતાનપુરા સ્થિત મીરા એવન્યુના મકાન નંબર જી/એફ -2મા રહેતો મોહંમદ ઉવેશ મોહસીનભાઇ શેખ પોતાના સાગરીતો સાથે મળીને સોશિયલ મિડિયાના ઝુમ એપ્લીકેશન દ્વારા ફોર વ્હીલર બુક કરી ફોર વ્હીલર ભાડેથી મેળવીને બારોબાર ગીરવે મુકવાના ગુનાઓ કરી વાહન માલિકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો તેને ટેકનિકલ અને હ્યૂમન સોર્સના આધારે
વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન -2ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાડી વિસ્તારમાં આવેલા સુલતાનપુરાથી ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મોહમંદ ઉવેશ મોહસીનભાઇ શેખ સામે અગાઉ અમદાવાદ શહેરના ખોખા, ચાંદખેડા, પાલડી પોલીસ સ્ટેશનના કુલ 03 તેમજ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના 03 ગુનામા તથા છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનના -01તથા મુંબઈના તીલકનગર પોલીસ સ્ટેશનના-01 મળી કુલ 08 ગુનામાં પકડાયેલ છે
