Vadodara

ખાધલી ગામે ચાલતા જતા યુવકને કારે અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

*

*કાળા રંગની થાર ગાડીના ચાલકે ચાલતા જતા વ્યક્તિને અડફેટે લેતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી*

*પ્રથમ સારવાર બોરસદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં કરાવી વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા*


(પ્રતિનિધિ) વડોદરા તા. 18


આણંદ જિલ્લાના ખાધલી ગામના વ્યક્તિ ગત તારીખ 16મી જાન્યુઆરીના રોજ ગામના રોડ પર ચાલતા જતા હતા. તે દરમિયાન એક ફોર વ્હીલર ચાલકે તેમને અડફેટમાં લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું ગત તા. 17મી જાન્યુઆરીના રોજ મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં આણંદ પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના ખાધલી ગામમાં આવેલા શિવાપુરા ફળિયામાં રહેતા કાંતિભાઇ ભાઇલાલભાઇ ઠાકોર નામના 40વર્ષીય વ્યક્તિ પોતાના પત્ની સાથે રહેતા હતા અને ખેત મજૂરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓને સંતાન ન હતું. કાંતિભાઇ ઠાકોર ગત તા. 16મી જાન્યુઆરીના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યાના સુમારે ખાધલી ગામે રોડ પરથી ચાલતા જતા હતા. તે દરમિયાન અચાનક એક પૂરપાટ ઝડપે આવેલા ફોર વ્હીલર ચાલકે (મહિન્દ્રા થાર ગાડી રજીસ્ટ્રેશન નંબર જીજે -23-સીજી-7477) કાંતિભાઇને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથે જ નાકમાંથી લોહી નિકળતું હતું.અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 મારફતે સૌ પ્રથમ બોરસદ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ગત તા. 16 જાન્યુઆરીના રોજ વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તા. 17 મી જાન્યુઆરીના રોજ સાડા છ વાગ્યે સર્જીકલ વિભાગના ડી યુનિટ ખાતે તેમનું મોત નિપજ્યું હતું.સમગ્ર ઘટનાની જાણ થતાં આણંદ પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top