પીડિત પરિવારોને વળતર અને ભવિષ્ય માટેના પગલાં લેવાયા છે
વડોદરામાં બનેલી હરણી બોટકાંડ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી અને તેની અસર હજી પણ લોકોના મનમાં તાજી છે.
સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, “જે તે સમયે જે નાણાકીય સહાય કરવાની હતી તે કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં જે પણ કર્મચારી અને અધિકારીની ભૂલ હતી તેમની સામે યોગ્ય પગલાં લેવાયા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “હાઇકોર્ટ દ્વારા પણ પીડિત પરિવારોને વળતર મળે તે માટે કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. જે પણ કોન્ટ્રાક્ટરો જવાબદાર હતા, તેમની સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.”
મ્યુનિસિપલ કમિશનરે સુરક્ષા અંગેની નવી વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા કહ્યું કે, શહેરની વચ્ચે આવેલા તળાવો માટે ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા છે. તમામ તળાવો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગાર્ડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારો અને મહોત્સવો દરમ્યાન મહત્તમ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે.
હરણી બોટકાંડ દુર્ઘટનાની ભયાનક યાદોને ઓસરી જવા માટે હવે શહેરમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. જોકે, આ પગલાંઓ ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના અટકાવવાની દિશામાં કેટલા અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહેશે.