લૂંટ વિથ મર્ડરની ઘટનાથી અરેરાટી
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 16
કપડવંજના મોડાસા લાડવેલ રોડ પર મલકાણા ગામ પાસેની હોટલ પર ગઈકાલે વહેલી સવારના સમયે લૂંટ વિથ મર્ડરની ઘટના ઉજાગર થઈ છે. હોટલ પર રાતના બંધ બોડીની કન્ટેનર ટ્રક લઈ રોકાયેલ ચાલકની હત્યા કરી લૂંટારૂઓ અંદર ભરેલા 2.85 લાખની કિંમતના સીલીંગ ફેન લુંટી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના પગલે પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ દિલ્હીથી બંધ બોડીની કન્ટેનર ટ્રક નંબર એચ.આર. 55 એસ. 1647માં સીલીંગ ફેનનો જથ્થો ભરી ચાલક દેવેન્દ્રસિંહ નિરંજનસિંહ (રહે. દિલ્હી) મુંબઈ ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો. કન્ટેનર ટ્રક ગઈકાલે વહેલી સવારના મોડાસા-લાડવેલ રોડ પર આવેલા મલકાણા ગામ પાસે પહોંચતા ચાલક ત્યાં આવેલ એક હોટલ પર કન્ટેનર ટ્રક લઈને ગયો હતો. આ સમયે ત્યાં કોઈ વાહન લઈને લૂંટારૂ ગેંગ ઘસી આવી હતી અને લૂંટારું ગેંગે કન્ટેનર ચાલક દેવેન્દ્રસિંહને બંધક બનાવ્યો હતો. આ દરમિયાન પ્રતિકાર કરનાર ટ્રક ચાલક દેવેન્દ્રસિંહની લુટારુ ગેંગે હત્યા કરી નાખી હતી. બાદમાં લૂંટારૂ ગેંગ બંધ બોડીની કન્ટેનર ટ્રકની પાછળના ભાગે ભરેલ અંદાજીત રૂપિયા
2.85 લાખની કિંમતના સીલીંગ ફેનની લુંટ કરી સાથે લાવેલા વાહનમાં ભરી ફરાર થઈ ગઈ હતી . દરમિયાન આ ચકચારી લૂંટ વિથ મર્ડરના બનાવની જાણના પગલે જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા તેમજ એલસીબી પીઆઇ કેવલ વેકરીયા અને ટીમ તથા એસ ઓ જી પોલીસ ટીમ ત્યાં દોડી ગઈ હતી. આ ઉપરાંત એફ. એસ. એલ. અને ડોગ્સ સ્કવોર્ડ પણ ત્યાં દોડી આવી હતી. આ મામલે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે આ અંગે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. તો વળી, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા આ ચકચારી લૂંટ વિથ મર્ડરના બનાવની ગંભીરતા ધ્યાને લઈ પોલીસની વિવિધ સાત ટીમોની રચના કરવામાં આવી છે. સાથે પોલીસની વિવિધ ટીમો દ્વારા આ ચકચારી ગુનાને અંજામ આપનાર લુટારુ ગેંગની ધરપકડ કરવા માટે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હોવાનો જાણવા મળ્યું છે.