સમિતિની બેઠક બાદ સંઘને સંતોષ નહીં થતા હડતાળ પર ઊતરવાનું એલાન
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 570 કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આજરોજ સમિતિની બેઠક મળી હતી, જેમાં ચર્ચા-વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા તા.16થી ભૂખ હડતાળ પર ઊતરવાનું એલાન આપ્યું છે.
પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે ભૂખ હડતાળ પર બેઠા પછી જ્યાં સુધી માગણીનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ઊભા થઈશું નહીં.
કોર્પોરેશનમાં સમિતિની બેઠક બાદ નીચે એકત્રિત કર્મચારીઓને જણાવાયું હતું કે, કોર્ટ ચુકાદા બાદ સંઘના અને કોર્પોરેશનના વકીલોને બોલાવીને આ મુદ્દે હવે કઈ રીતે આગળ વધી શકીે તે અંગે નિર્ણય કરીએ પરંતુ સંઘે કોઈ મચક આપી નહીં અને અગાઉ ભૂખ હડતાળનો જે નિર્ણય જાહેર કર્યો હતો તે ચાલુ રાખવા ઘોષણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 1977 થી આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે. 570 કર્મચારીઓને કાયમી કરવાના છે. તેમાંથી હાલ 115 હાજર છે. 70 થી 80 કર્મચારી મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત છે.
આ ઉપરાંત શિક્ષણ સમિતિના બાળમેળાનો પણ બહિષ્કાર કરાશે અને તેને લગતી કામગીરી નહીં કરાય.