Vadodara

વડોદરા : ઉત્તરાયણની પૂર્વે જ એસએમસીની તરસાલીમાં રેડ, વિદેશી દારૂ સાથે 4 આરોપી ઝડપાયાં

પ્રતિનિધિ વડોદરા તા.13

મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન દારૂની રેલમછેલ કરવાનો તરસાલીના બૂટલેગરનો પ્લાન પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી ફ્લોપ કરી નાખ્યો છે. 14થી15 વિદેશી દારૂની પેટી, બે કાર અને ત્રણ ટુ વ્હીલર મળી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ચાર લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે.

ઉત્તરાયણના  તહેવાર દરમિયાન દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને તેનો સ્ટોક કરી લેતા હોય છે. ત્યારે બુટલેગર દારૂનો જથ્થો મંગાવીને તરસાલી વિસ્તારમાં રાખ્યો છે. તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે એસએમસીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં સ્થળ પરથી ચાર જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમને સાથે રાખીને ગાડીમાં તપાસ કરતા 15 પેટી ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો, બ્રેઝા કાર, બેથી ત્રણ ટુ વ્હીલર સહિતના લાખોનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તરસાલી વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું. જેના પર એસએમસીની ટીમે રેડ કરી હતી પરંતુ મકરપુરા પોલીસ જાણે ઉંઘતી ઝડપાઇ હતી. એસએમસી દ્વારા વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.

31 ડિસેમ્બર પહેલા પણ દરજીપુરા પાસે દારૂના કટિંગ પર એસએમસીની ટીમે રેડ કરી હતી

 તાજેતરમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગર જુબેર મેમણ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર દમણ તરફથી મંગાવ્યું હતું. જેનું દરજીપુરા પાસે ટ્રાન્સપોર્ટ કંપનીની બાજુમાં પાર્કિંગમાં કન્ટેનર મુકીને તેમાંથી કટિંગ કરવામાં આવતુ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી. ત્યારે બુટેલગર સહિતના સાગરીતોએ એસએમસીની ટીમ પર હુમલો તથા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી પીઆઇ દ્વારા પોતાની ટીમના સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી દારૂ અને કન્ટેનર સહિત રૂ. 62.88 લાખનો મુદ્દામાલ કબજે કરી હરણી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top