Vadodara

પરપ્રાંતિય કરિયાણાની દુકાન ચલાવતા વેપારીએ કુટુંબના કંકાશમા ઝેરી દવા ગટગટાવી લેતાં મોત

પરિવાર ભાડે રહે છે અને ત્રણ દીકરી એક દીકરો તથા પત્ની છે

ત્રણ દિવસ અગાઉ વતનમાં રહેતા કુટુંબમાં કોઇક બાબતે વિખવાદ થતાં પગલું ભર્યું

(પ્રતિનિધિ) વડોદરા તા. 11

માસા રોડ પાદરા ખાતે ભાડેથી રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારીએ કુટુંબના કંકાશમા આવેશમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર વિગત મુજબ, વડોદરા જિલ્લાના પાદરા ખાતે જંબુસર માસા રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક ભાડેથી રહેતા અને નાસ્તા તથા કરિયાણાની દુકાન ચલાવતા પરપ્રાંતિય શ્યામમૂર્તિ નારાયણ શર્મા નામના આશરે 40 વર્ષીય વેપારીએ ગત તા. 09મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરે કોઇક ઝેરી દવા ગટગટાવી જતાં બેશુદ્ધ થઈ ગયા હતા જેથી તેમને સૌ પ્રથમ જંબુસર ખાતે એસ.ડી.એચ. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ગત તા. 10મી જાન્યુઆરીના રોજ બપોરે પોણા ચાર વાગ્યાની આસપાસ 108એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એમ આઇ સી યુ મેડિસિન વિભાગના ડી -યુનિટ ખાતે મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મૃતકના પત્નીના જણાવ્યા અનુસાર પરિવાર અહીં ભાડેથી રહેતો હતો ઘરમાં ચાર બાળકો છે જેમાં ત્રણ દીકરીઓ તથા એક દીકરો છે.ત્રણ દિવસ પહેલાં શ્યામમૂર્તિના વતન (ઉત્તર પ્રદેશ) માં રહેતા પરિજનો સાથે ટેલિફોન પર કોઇક બાબતે ઝઘડો થયો હતો જેમાં તેઓને લાગી આવ્યું હતું અને ત્રણ દિવસ બાદ તેમણે આ પગલું ભર્યું હતું.સમગ્ર બનાવની જાણ પત્નીએ સાસરિયાઓને કરવા છતાં કોઇ મૃતદેહને લેવા કે જોવા આવ્યું ન હતું અને ફોન પણ ઉપાડતા ન હતા ત્યારે પોસ્ટમોર્ટમ સહિતની જરુરી કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ ને લઇ પત્ની અને નાના બાળકો વતન જવા માટે રવાના થયા હતા.

Most Popular

To Top