800 પરિવારો દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે :
CSIR રિપોર્ટ મુજબ કામગીરી કરવા સ્થાનિકોએ માંગણી કરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરાના વાસણા જંકશન પર બની રહેલા ઓવરબ્રિજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.તેવામાં શુક્રવારે વધુ એક વખત સ્થાનિકોએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્થાનિક રહીશોએ CSIR રિપોર્ટ મુજબ કામગીરી કરવા માંગણી કરી છે.આ પહેલા 800 જેટલા રહીશોની સહિ સાથેનું આવેદનપત્ર મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવ્યું છે.જો બ્રિજ બનશે તો વોટર લોગીન સહિતની સમસ્યાઓ ઊભી થશે.
શહેરના વાસણા રોડ ડિ માર્ટ જંક્શન પર બનનાર ફ્લાય ઓવર બ્રિજના વિરોધમાં સ્થાનિકો છેક સુધી લડી લેવા માટે હજુ પણ મક્કમ છે. સ્થળ ઉપર વિરોધ પ્રદર્શન કર્યા બાદ પોસ્ટર વોર પણ ફાટી નીકળ્યું હતું. છતાં પાલિકા બ્રિજ બનાવવા માટે મક્કમ છે, આજે પુનઃ એકવાર સ્થાનિક લોકોએ પાલિકા વિરુદ્ધ પોષ્ટરો સાથે બ્રિજ બનાવવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક લોકોએ પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.સ્થાનિક પરિક્ષીત દવેએ જણાવ્યું કે, વાસણા જંકશન ઉપર બ્રિજ બનાવાય તેટલી જગ્યા નથી. હાલમાં પણ આ જગ્યા ઉપર ટ્રાફિક સમસ્યા નથી. સી.એસ. આઇ. રિપોર્ટમા જે માપ આપવામાં આવ્યું છે. તે માપ મુજબ આ બ્રિજ બનતો નથી. બ્રિજની પહોળાઇ ઓછી છે. પહોળાઇ વધારી શકાય તેમ નથી. જો આ બ્રિજ બનશે તો ગોત્રી હરીનગર બ્રિજ જેવી હાલત થશે. ટ્રાફિક ઘટવાને બદલે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનશે. અધિકારીઓ પણ આ બાબતથી વાકેફ છે. છતાં, પાલિકા દ્વારા આ બ્રિજ બનાવવા માટે કેમ જીદ કરી રહ્યું છે. તે સમજાતું નથી. પરંતુ, અમે કોઇ પણ હાલતમાં બ્રિજ બનવા દઇશુ નહીં.સ્થાનિક દિપલભાઇએ જણાવ્યું હતું કે, આ રોડ ઉપર બ્રિજ બની શકે તેવી જગ્યા નથી. બીએસઆઇના રિપોર્ટનુ તંત્ર ઉલ્લંઘન કરી રહ્યું છે. બ્રિજ નીચે પાર્કિંગની પણ જગ્યા રહેશે નહીં. સર્વિસ રોડ પણ બનશે નહીં. હાલ આ રોડ ઉપર કોઇ પણ પ્રકારનો ટ્રાફિક થતો નથી. બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યા વધારે થશે. અમે રાજ્યના મુખ્યમંત્રીને 800 પરિવારની સહીઓ સાથે બ્રિજનો વિરોધ નોંધાવ્યો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી અને સિટી એન્જિનીયરને પણ બ્રિજ બનાવવા સાથે લેખિત રજૂઆત કરી છે. છતાં તંત્ર બ્રિજ બનાવવાની જીદ કરી રહ્યું છે. પરંતુ અમે પણ છેક સુધી લડી લઇશુ.બિરેનભાઇએ જણાવ્યું હતું કે, આ રોડ 24 મીટરનો છે, તો હાલની સ્થિતીએ આ રોડ 24 મીટરનો નથી. 24 મીટરના રોડ પર બ્રિજ બનાવવો યોગ્ય નથી. કારણકે નીચે સર્વિસ અને પાર્કિંગની જગ્યા નહીં મળે. જે સંકળામણ વધારશે, સ્થાનિક લોકો માટે સમસ્યા હળવી થવાની જગ્યાએ તેમની મુશ્કેલીમાં વધારો થશે. સાથે જ અવર-જવર કરતા લોકો માટે પણ મુશ્કેલી સર્જાશે. અર્બન પ્લાનીંગની વાત કરીએ તો મોટા પ્રમાણમાં સારાઇ (લાર્જર ગુડ) જોવામાં આવે છે. તે હિસાબથી યોગ્ય ટ્રાફિક અવજ-જવર અનુસાર જ બ્રિજ બનાવાય છે, જે અહિંયા નથી. ભવિષ્યમાં પણ શક્યતાઓ ઓછી છે. જે જરૂરિયાતને આગળ ધરીને તેઓ આ બ્રિજ બનાવી રહ્યા છે. તે આજની સ્થિતીએ નથી. લોકો પાસે જવા માટે વૈકલ્પિક રસ્તાઓ હોવાના કારણે અહિંયા ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય.