Editorial

કોઇ ટેકનોલોજી કંપની ભારતના વિશાળ બજારની ઉપેક્ષા કરી શકે તેમ નથી

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઇન્ટરનેટનો, તેમાં પણ ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ ખૂબ વધ્યો છે. ભારતમાં ઇન્ટરનેટ સેવાઓ હવે ખૂબ સસ્તા દરે ઉ૫લબ્ધ થવા માંડી છે.  વિશ્વભરમાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર સામાન્ય માણસના જીવન સાથે હવે એટલી ગાઢ રીતે જોડાઇ ગયા છે કે  તેમને હવે જુદા કરવા મુશ્કેલ છે. ભારતના વિશાળ બજારને જોતા વિશ્વભરની  વિવિધ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ, મોબાઇલ ઉત્પાદક કંપનીઓ, ટેકનોલોજી કંપનીઓ, સોશ્યલ મીડિયા કંપનીઓ ભારતના બજારમાં રસ લઇ રહી છે, તેઓ ભારતની ઉપેક્ષા કરી શકે તેમ  જ નથી. હવે વિશ્વમાં આજકાલ કૃત્રિમ બુદ્ધિમતા કે એઆઇની બોલબાલા વધવા માંડી છે ત્યારે ભારતમાં એઆઇના ક્ષેત્રમાં રોકાણ કરવા માટે પણ કંપનીઓ રસ બતાવવા માંડી છે.

ક્લાઉડ  કોમ્પ્યુટિંગનુ઼ં ચલણ વધતા તે માટે પણ કંપનીઓ ભારતમાં રસ બતાવવા માંડી છે. હાલમાં વિશ્વની અગ્રણી ટેક કંપની માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા ભારત આવી ગયા. એક વર્ષ  કરતા ઓછા સમયમાં આ તેમની ભારતની બીજી મુલાકાત હતી. તેમણે પોતાની મુલાકાત દરમ્યાન એક અગત્યની જાહેરાત કરી કે માઇક્રોસોફ્ટ ભારતમાં તેની ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓના વિકાસ માટે ૩ અબજ ડોલર (લગભગ રૂ. ૨૫૭૦૦ કરોડ)નું રોકાણ કરશે. દેખીતી રીતે ભારતમાં કંપનીને ધંધાની વિશાળ તકો જોઇને તેઓ આ  જાહેરાતો કરે છે.

માઇક્રોસોફ્ટના વડા ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન સાથે પણ તેમણે મુલાકાત કરી. બેંગલોરમાં  તેમણે ભારતના ટેક મહારથીઓ સાથે કોન્ફરન્સ પણ કરી. આ  ટેક જાયન્ટ કંપની ભારતમાં ૨૦૩૦ સુધીમાં એક કરોડ જેટલા લોકોને એઆઇની કુશળતાઓની તાલીમ પણ આપશે એમ નડેલાએ અહીં સ્ટાર્ટઅપ સ્થાપકો અને ટેકનોલોજી કંપનીઓના  એક્ઝિક્યુટિવોની હાજરીવાળી એક કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું.

નડેલા એ જેમણે ભારતની મુલાકાત લીધી હોય તેવા ટેકનોલોજી મહારથીઓમાં હાલમાં છેલ્લામાં છેલ્લા છે, જે  ૧.૪ અબજ લોકોની વસ્તી ધરાવતો ભારત દેશ એક એઆઇ બેટલફ્રન્ટ તરીકે ઉભરી રહ્યો છે. આ પહેલા ચીપ નિર્માતા એનવિડિયાના વડા જેન્સેન હુઆંગ, એએમડીના લીઆ સુ અને  મેટાના ચીફ એઆઇ સાયન્ટિસ્ટ યાન લીકુન તાજેતરના મહિનાઓમાં ભારતની મુલાકાતે આવી ગયા છે, જે ભારતમાં લાખો પ્રોગ્રામરો વસે છે અને મોટી ટેકનોલોજી પ્રોવાઇડર કંપનીઓ જેવી  કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ(ટીસીએસ), ઇન્ફોસિસ અને વિપ્રો આવેલી છે.

ભારતની અતિ વિશાળ વસ્તીમાં ગરીબ અને અશિક્ષીત કે અલ્પ શિક્ષિતોનું પ્રમાણ ભલે મોટું હોય, પરંતુ તે સાથે જ આઇટી સાથે એક યા બીજી રીતે સંકળાયેલો વર્ગ પણ ઘોણો મોટો છે અને આ બાબત જ વિવિધ આઇટી મેજર અને ટેક કંપનીઓને ભારત તરફ ખેંચી લાવે છે. માઇક્રોસોફ્ટ તેની ક્લાઉડ કોમ્પ્યુટિંગ સેવાઓ અઝુરના બ્રાન્ડ નેમ હેઠળ પુરી પાડે છે. તેની પાસે ૬૦ કરતા વધુ અઝુર રિજયનો છે જે ૩૦૦ કરતા વધુ ડેટા સેન્ટરો ધરાવે છે. આ કંપનીઓ ભારતના લોકોને લાભની વાત કરે છે અને તેમની વાત ખોટી પણ નથી, પરંતુ ભારતમાં તેમને પોતાનો ધંધો વિકસાવવાની વિશાળ તકો છે જે બાબત નકારી શકાય તેમ નથી.

છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં અનેક ટેક કંપનીઓ મોટુ રોકાણ કરી ચુકી છે અને હજી રોકાણો આવી રહ્યા છે. ભારતમાં રિલાયન્સની જીઓ કંપનીએ ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ ક્ષેત્રનો માહોલ જ બદલી નાખ્યો છે અને હવે અનેક કંપનીઓ આ જીઓ સાથે પણ ભાગીદારી કરી રહી છે. ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ વધવાની સાથે ક્લાઉડ ડેટા સ્ટોરેજ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એઆઇ વગેરે ક્ષેત્રોમાં અઢળક તકો ખુલી રહી છે અને ભારતમાં આ બધાનું જે વિશાળ બજાર સર્જાયું છે તેની ઉપેક્ષા કોઇ ટેક કંપની કરી શકે તેમ નથી.

Most Popular

To Top