Vadodara

વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીની સરહદી જિલ્લામાં પોસ્ટિંગ માટે જોરદાર દોડધામ !



ગાંધીનગર સુધી લોબી અને રાજકીય સંપર્કો વડે સરહદી જિલ્લામાં પોસ્ટીંગ માટે પ્રયાસ, પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ


શહેરના એક પ્રભાવી પોલીસ અધિકારી રાજ્યના સરહદી જિલ્લામાં સ્થાન મેળવવા માટે ગાંધીનગર સુધી જોરદાર ધમપછાડા કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આવનારા દિવસોમાં રાજ્યમાં કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીનો દોર શરૂ થવાનો છે, અને તે પૂર્વે આ અધિકારી પોસ્ટિંગ મેળવવા માટે તલપાપડ બન્યા છે.

રાજ્યમાં કેટલાક સરહદી જિલ્લાઓમાં પોસ્ટિંગ મેળવવા પોલીસ અધિકારીઓ માટે વિશેષ મહત્ત્વ હોય છે. આવી જગ્યાઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ, આંતરરાજ્ય સરહદોની નજીક હોવાના લીધે સલામતીની જવાબદારીઓ અને વિવિધ વેપારી પ્રવૃત્તિઓની વિશિષ્ટ પરિસ્થિતિઓ હોય છે. મોટાભાગે, આવા જિલ્લાઓમાં પોસ્ટિંગ માટે અધિકારીઓની દોડધામ જોવા મળતી હોય છે.

પોલીસ બેડામાં થઈ રહેલા ગણગણાટ મુજબ, વડોદરાના આ ઉચ્ચ પોલીસ અધિકારી ગુજરાતના એક મહત્વના સરહદી જિલ્લામાં પોસ્ટિંગ મેળવવા માટે ઊંચા રાજકીય અને બ્યુરોક્રેટિક સ્તરે સંપર્કો સાધી રહ્યા છે. તેઓ પોતાની બદલીને મંજૂરી અપાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે અને ગાંધીનગર સુધી તેમની પ્રબળ લોબી પણ ચાલી રહી છે.

આગામી દિવસોમાં રાજ્યમાં પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ થવાની શક્યતાઓ છે. કેટલાક જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓની જગ્યાઓ ખાલી થવાના અનુમાન છે, અને તેના કારણે વિવિધ અધિકારીઓએ પોતાની મનપસંદ પોસ્ટિંગ મેળવવા માટે પ્રયાસો તેજ કર્યા છે.

આવી સ્થિતિમાં, સરકાર અને પોલીસ વિભાગ શું નિર્ણય લે છે, અને આ ઉચ્ચ પોલીસ અધિકારીને સરહદી જિલ્લામાં સ્થાન મળે છે કે નહીં તેને લઈને હાલ પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

Most Popular

To Top