Vadodara

આઇટીના યુગમાં યુવાનો ઇનોવેશન સાથે તૈયાર રહે: સુધીર મહેતા


ચારૂસેટ કેમ્પસના રજત જયંતી પર્વ નિમિત્તે
14મા પદવીદાન સમારંભમાં કુલ 2725 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત: 

39 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અને 37 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી પ્રદાન
 
મુખ્ય અતિથિ તરીકે વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા દ્વારા દિક્ષાંત પ્રવચન
 
 
ચાંગા: સન 2000માં સ્થાપિત ચારૂસેટ કેમ્પસની રજત જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ, ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ ત્રણ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવિષ્ટ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 14મો પદવીદાન સમારંભ 4 જાન્યુઆરી, 2025ના રોજ શનિવારે ચારૂસેટ કેમ્પસમાં યોજાયો હતો. આ મારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વિખ્યાત ઉદ્યોગપતિ અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન  સુધીર મહેતાએ દિક્ષાંત પ્રવચન આપ્યું હતું. અધ્યક્ષસ્થાને ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. 


આ પદવીદાન સમારોહમાં કુલ 1069 વિદ્યાર્થિનીઓ અને 1656 વિદ્યાર્થીઓ સહિત કુલ 2725 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 39 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા  જેમાં 24 વિદ્યાર્થિનીઓ અને 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. જ્યારે 14 વિદ્યાર્થિનીઓ અને 23 વિદ્યાર્થીઓ સહિત કુલ 37 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.   ચારૂસેટની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 158, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 380, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 254, ફેકલ્ટી ઓફ  સાયન્સના 235,  ફેકલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 576, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1122 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી  જેમાં અંડર ગ્રેજયુએટ 2103, પોસ્ટ ગ્રેજયુએટ 547, પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા 42 અને પી. એચ. ડી. 37 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે ચારૂસેટના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અને અત્યાર સુધીમાં કુલ 13 પદવીદાન સમારંભમાં  400 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે ત્યારે 14મા પદવીદાન સમારંભમાં પણ શુદ્ધ સુવર્ણના ચંદ્રકો આપવામાં આવ્યા હતા જેમાં 39 ગોલ્ડમેડલ અર્થે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મુખ્ય અતિથિ  સુધીર મહેતા,  ચારૂસેટ અને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ  સુરેન્દ્રભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.  વી. ઉપાધ્યાય, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, પદાધિકારીઓ  તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો જોડાયા હતા.  આ ભવ્ય શોભાયાત્રાનું શામિયાણાના મુખ્ય મંચ ખાતે સમાપન થયું હતું. 
પ્રારંભમાં  પરંપરા મુજબ ઈશ્વર આરાધના કરવામાં આવી હતી. ત્યાર બાદ ચારુસેટ યુનીવર્સીટી એન્થમ રજૂ થયું હતું.
પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાયે મહાનુભાવો તથા આમંત્રિત સર્વેને આવકાર્યા હતા અને મુખ્ય મહેમાન શ્રી સુધીર મહેતાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ ચારુસેટમાં વર્ષ દરમિયાન  શિક્ષણ, સંશોધન અને નવીનકરણની પ્રવૃતિઓ અને હાંસલ કરેલી સિદ્ધિઓની માહિતી આપી હતી. આ પછી મહાનુભાવોના હસ્તે  દીપ પ્રાગટ્યવિધિ કરવામાં આવી હતી.
અધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા પદવીદાન સમારોહને ખુલ્લો મુકતા વિવિધ ફેકલ્ટીઓના ડીને વિદ્યાર્થીઓને પદવીઓ આપવા માટે પ્રસ્તુત કર્યા હતા જેનો ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા સ્વીકાર કરાતાં વિદ્યાર્થીઓને પદવીઓ અર્પણ કરવાની મંજૂરી પ્રાપ્ત થઇ હતી.   
પરંપરાના ભાગરૂપે રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલની આગેવાની હેઠળ પદવીધારક વિદ્યાર્થીઓ તેઓના  મૂલ્યો, જ્ઞાન, અને કૌશલ્યો થકી રાષ્ટ્ર અને સશક્ત સમાજના નિર્માણ માટે બહુમૂલ્ય યોગદાન આપે એ હેતુથી ‘ઓથ સેરેમની’ યોજાઈ હતી.
મુખ્ય મહેમાન  સુધીર મહેતાએ દિક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું કે 2009 માં શરૂઆત થઈ ત્યારથી ચારુસેટે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ચારુસેટે સીમાચિહ્નો હાંસલ કર્યા છે. જે તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સંશોધન ક્ષમતાઓને દર્શાવે છે.
એક દેશ તરીકે આપણે મોબાઇલ ટેલિફોનથી હાઇ-સ્પીડ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવીનતાઓ સુધી પ્રગતિ કરી છે. આપણે  સ્માર્ટ ક્લાસરૂમમાંથી વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં … કાર્ડ પેમેન્ટથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી.… ઑફલાઇનથી ઑનલાઇન ટ્રાન્ઝેક્શન સુધી આવ્યા છીએ…
આજે આપણે એવા નિર્ણાયક મોડ પર ઉભા છીએ જ્યાં માનવ જીવન પહેલા કરતા વધુ ટેકનોલોજી સાથે જોડાયેલું છે. ટેકનિકલ પ્રગતિ દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહી છે. તે આપણે દુનિયા સાથે જે રીતે જીવીએ છીએ, કાર્ય કરીએ છીએ અને આદાન પ્રદાન કરીએ છીએ તે નક્કી કરે છે. આ સાયન્ટીફીક એન્ડ ટેકનોલોજીકલ ઇનોવેશન્સ સમાજના દરેક પાસાઓમાં ક્રાંતિ લાવી રહી છે. તેઓ આપણી જરૂરિયાતોના ઉકેલો શોધવામાં જે રીતે મદદ કરી રહ્યા છે જે આપણે  ક્યારેય કલ્પના કરી ન હતી. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડૉક્ટરોને રોગોનું વધુ સચોટ નિદાન કરવામાં મદદ કરી રહ્યું છે. તે આબોહવા પરિવર્તનની અસરોની આગાહી કરવા અને તેને ઘટાડવા માટે કલાઈમેટ મોડેલિંગમાં પણ મદદ કરી રહ્યું છે. સરકારો અને કાયદા અમલીકરણ એજન્સીઓ પણ જન કલ્યાણના પગલાં, દેખરેખ અને ગુનાઓની તપાસ માટે વિવિધ નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ઇનોવેશન અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની ઇકોસિસ્ટમને આગળ વધારવાના આપણી સરકારના તાજેતરના પ્રયાસો નોંધપાત્ર છે.
વિશ્વ વ્યવસ્થા બદલાઈ રહી છે. અને ભારતને ગ્લોબલ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. આગામી 25 વર્ષ નિર્ણાયક બનવાના છે. ભારત માટે અને તમારા બધા માટે, ભાવિ લીડર્સ માટે . તમે અહીં જે શિક્ષણ 
તમે અહીં જે શિક્ષણ મેળવ્યું છે તે તમે જ્યાં જશો ત્યાં સકારાત્મક તફાવત લાવવાની ક્ષમતાથી સજ્જ કરશે.  આ તમને સોંપવામાં આવેલી જવાબદારી છે. તમારે આ જવાબદારી સ્વીકારવી જોઈએ અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ “2047 સુધીમાં વિકસીત ભારત” ની પહેલમાં યોગદાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તેમણે પદવીધારકોને કહ્યું કે જ્યારે તમે તમારા જીવનના આગલા તબક્કામાં પ્રવેશ કરો છો ત્યારે હું તમને બે બાબતો ધ્યાનમાં લેવા વિનંતી કરું છું.  પ્રથમ ટકાઉ ભવિષ્યમાં ફાળો આપે તેવી નવી તકો શોધો અને  બીજું તમારે તમારા જીવનમાં પરોપકાર કરવાની મનોવૃત્તિ રાખવી જોઈએ.
દિક્ષાંત પ્રવચન બાદ મુખ્ય મંચ પરથી જ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ડિગ્રી અને ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી શ્રી સુરેન્દ્રભાઈ પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સફળ કારકિર્દી ઘડવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે સુધીરભાઈ Giving back to the Society માં દૃઢપણે માને છે. Health, Education અને Environmentની પ્રવૃત્તિઓમાં તેમણે મોટાપાયે ડોનેશન ફાળવ્યું છે. ચારુસેટ હોસ્પિટલ માટે તેમણે રૂ. 1 કરોડનું માતબર દાન આપ્યું છે.
તેમણે કહ્યું કે આજે 37 પીએચ.ડી. સ્કોલર્સ ચારુસેટમાંથી સ્નાતક થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 316 રિસર્ચ સ્કોલર્સએ ચારુસેટમાંથી પીએચડી પૂર્ણ કર્યું છે. 375 વધુ સ્કોલર્સ પીએચડી કરી રહ્યા છે. ચારુસેટ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોમાં માને છે. જેનો હેતુ ગૌરવપૂર્ણ સ્નાતકો; જોબ ક્રિએટર્સ અને ઈનોવેટર્સનું સર્જન કરવાનો છે. તેથી Creativity, Problem Solving અને  Innovation  જેવા ગ્લોબલ કોર્સ ઓફર કરવામાં આવે છે. કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સ્ટાર્ટઅપ અને નવીન વસ્તુઓ બનાવવાનું ધ્યેય છે.
તેમણે પદવીધારકોને કહ્યું કે આજના ગતિશીલ વિશ્વમાં વૈશ્વિક પ્રવાહો અને પડકારોને સમજવા તમારી પાસે જ્ઞાન અને કૌશલ્યો હોવા આવશ્યક છે. તમારા જ્ઞાન, કૌશલ્યો, અને આવડતો થકી તમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન 2047 – ફ્યુચર રેડી ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકો છો. નિર્ભયતા અને ઉત્સાહ સાથે તમારી જવાબદારીઓ નિભાવો. સફળતા કે નિષ્ફળતાની ચિંતા કર્યા વગર તમારું કર્મ કરતા રહો.  શિસ્તમાં રહો, સમયનું યોગ્ય રીતે આયોજન કરો અને તમારા લક્ષ્યો પ્રત્યે અડગ રહો. પડકારોને ધીરજ અને હિંમતથી સ્વીકારો કારણ કે સતત પ્રયાસો અને દ્રઢતા જ સફળતાનો આધાર છે. તમે દુનિયામાં જે બદલાવ લાવવા માગો છો, તે બદલાવ સૌપ્રથમ તમારામાં  લાવો. દરેક દિવસે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો, તમારા કૌશલ્યોને વિકસાવો અને રાષ્ટ્રની નિર્માણપ્રક્રિયામાં યોગદાન આપો. તમારો સકારાત્મક દૃષ્ટિકોણ અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે અને સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે.
અંતમાં આભારવિધિ રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલે  કરી હતી. ત્યાર બાદ રાષ્ટ્રગાન રજૂ થયું હતું. 
સમારોહમાં દ્વિતીય તબક્કામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે વાલીઓ અને અધ્યાપકોની હાજરીમાં પદવીઓ એનાયત કરવામાં આવી હતી. 

Most Popular

To Top