યુવક છેલ્લા છ મહિનાથી જરોદ નજીક ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે ફરજ બજાવતો હતો
*મૃતક યુવકના પરિવારમાં પત્ની, ત્રણ બાળકો બે ભાઇ તથા માતા પિતા છે*
(પ્રતિનિધિ) વડોદરા તા. 02
વડોદરા તાલુકાના જરોદ ચોકડી પાસે ગત તા. 23મી ડિસેમ્બરના રોજ સાંજે એક યુવક કંપનીમાથી ફરજ બજાવી ચાલતા પોતાના રૂમ તરફ જવા નિકળ્યો હતો તે દરમિયાન અજાણ્યા ફોર વ્હીલર ચાલકે યુવકને અડફેટે લેતાં તેનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત નિપજ્યું હતું. જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રામકરન ફકરી ગામનો અંતકુમાર સિકન્દર પાસવાન નામનો 30 વર્ષીય યુવક છેલ્લા છ મહિનાથી જરોદ નજીક ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે ફરજ બજાવતો હતો. ગત તા. 23મી ડિસેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં કંપનીમાંથી છૂટીને પોતાના રૂમ તરફ જવા માટે જરોદ ચોકડીથી પગપાળા પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક કાર ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી યુવકને અડફેટે લેતાં યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેથી બનાવને પગલે લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સ મારફતે જરોદના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રીફર કરી એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગત તા. 02જી જાન્યુઆરી ના રોજ સવા એક કલાકે SICU સર્જરી એ -યુનિટમા મરણ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
યુવકને ત્રણ બાળકો છે જેમાં એક પાંચ વર્ષ, બીજું બાળક ત્રણ વર્ષ તથા એક બાળક છ માસનું હોવાનું જાણવા મળ્યું છે મૃતક યુવક ત્રણ ભાઇઓમાં સૌથી મોટો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો જરોદ પોલીસે કારને કબજે લઇ જરુરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.