વડોદરા તારીખ 28
વડોદરા નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં દારૂનું કટીંગ ચાલતું હતું. તે વેળા જ સ્ટેટ મોનેટરિંગ સેલ ની ટીમે દરોડો પાડયો હતો. ત્યારે બુટલેગર સહિતના મળતીઆએ એસએમસીના કર્મચારીઓ પર હુમલો કરવા સાથે આડેધડ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે એસએમસીના પીએસઆઇએ સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. હુમલામાં એસએમસીના કેટલાક કર્મચારીઓ પણ ઘવાયા છે. હરણી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગર જુબેર દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો.
વડોદરા શહેર જિલ્લામા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં પણ 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો બહારથી મંગાવવામાં આવતો હોય છે. જેના પર સતત વોચ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાખવામાં આવી હતી. વડોદરા નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં બુટલેગર જુબેર દ્વારા વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવ્યો હતો અને દારૂનું કટીંગ કરી રહ્યા હતા તે દરમિયાન એસએમસીની ટીમે રેડ કરી હતી. તેથી બુટલેગર સહિતના મળતીયાઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ત્યારબાદ આ બુટલેગર સહિતના તેના સાગરીતોએ ટીમ પર હુમલો કર્યો હતો અને આડેધડ પથ્થર મારો કરતા એસએમસીના કર્મચારીઓ ઘવાયા હતા. રેડ કરવા માટે આવેલા એસએમસીના પી.એસ.આઇ.એ સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એસએમસી દ્વારા રૂપિયા 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયેલા કેટલા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર કેટલાક શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોય પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલો હરણી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
