યુવતીના ફોટા અને વીડિયોના મોર્ફ કરીને અશ્લીલ કર્યાં , ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા માટે ફેક આઇડી પણ બનાવ્યું , યુવતીને બદનામ કરનાર વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરા શહેરમા રહેતી યુવતીના ફોટા અને વીડિયોને મોર્ફ કરી બીભત્સ બનાવી દીધા હતા. ત્યારબાદ ફેક સોશિયલ મીડિયા આઇડી બનાવીને તેના પર યુવતીના બીભત્સ ફોટા અને વીડિયો વાઇરલ કરીને તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. જેની જાણ યુવતીને થતા તેણીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં રહેતી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે મે ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો છે અને મારુ કોઈ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પણ નથી. ગત 26 ઓક્ટોબરના રોજ મારા પિતાએ મને જાણાવ્યું હતું કે, આપણી પાડોશમાં રહેતા ભાઇએ તારા ફોટા અને વિડીયોના સ્ક્રીન શોટ મને મોકલ્યા અને મને જણાવ્યું હતું કે તમારી છોકરીના બીભત્સ ફોટો અને વિડીયો કોઇ શખ્સ દ્વારા સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા છે. જેથી મે મારા પપ્પાને મને આના વિશે કંઇ જાણકારી નથી તેમ જણાવ્યું હતું. જેથી મારા પપ્પાએ મારા ભાઈને આ બાબતે વાત કરતા મારા ભાઈએ પાડોશીઓના ફોનમાં સોશિયલ મીડિયા એકાઉન્ટની ચકાસણી કરી હતી. દરમિયાન એક આઇડી મળી હતી જેમાં મારા મોર્ફ કરેલા બીભત્સ ફોટા અને વિડીયો મુકેલા હતા અને આ એકાઉન્ટ પબ્લીક રાખી અમારા આસપાસમાં રહેતા પાડોશીઓને ફોલો કરી અમારી સમાજમાં બદનામી થાય એ રીતે મારા ફોટા અને વીડિયો વાયરલ કર્યા હતા. આ શખ્સે ફેક આઇડી બનાવીને 26 અકટોબર સુધી આઈ.ડી.નો ઉપયોગ કરી મારા ફોટો કોઈ પણ રીતે મેળવી લીધા બાદ મારી જાણ બહાર ફોટોને મોર્ફ કરી ન્યુડ ફોટો તેમજ વિડીયો બનાવી ફેક આઇડી પર મારી પરવાનગી વગર પર વાયરલ કરી સમાજમાં મારી બદનામી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ફેક સોશિયલ મીડિયા આઈ.ડી.નો ઉપયોગ કરનાર વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.