ભરચક એવા સુલતાનપુરા વિસ્તારની દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં, ગોરવા વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો ને ઘરમાં ચોરોએ ખેલ પાડ્યો, પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવતા તસ્કરો
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ચંદ્રવદન પુનમભાઇ પટેલ ધનોરા ગામ પાસેની રીલાયન્સ કંપનીમાં નોકરી કરે છે. ગત 12 ડિસેમ્બરે તેમના નાના ભાઈ ચંપકભાઈ પટેલ (રહે.ગોકુલધામ સોસાયટી, સમા વડોદરા)ના પુત્ર તીર્થના લગ્નનો પ્રસંગ હતો. હાલોલ ખાતે જાન લઈને જવાનુ હતું. જેથી ચંદ્રવદનભાઇ તેમના મકાનના મુખ્ય દરવાજાને તાળુ મારી પરિવાર સાથે હાલોલ ખાતે ગયા હતા. લગ્નમાંથી હાલોલથી 13 ડિસેમ્બરના રોજ રાત્રીના તેમના ભાઈ ઘરે રોકાયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું લાખોની મતાની સાફસુફી કરીને પલાયન થઇ ગયા હતા. દરમિયાન બીજા દિવસ સવારે તેમના મકાનમા રહેતા ડાહ્યાભાઈએ ચંદ્રવદનભાઇને ફોન કરીને ચોરી થઇ હોવાની જાણ કરી હતી. જેથી તેઓ પત્ની સાથે તાત્કાલિક પરત ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં જઇને તપાસ કરતા ઘરવખરી અસ્તવ્યસ્ત થઇ ગઈ હતી. બેડરૂમમા રાખેલી તીજોરીમાં તપાસ કરતા સોના ચાંદીની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી તેઓએ સોના-ચાંદીના દાગીના મળી રૂ.1.91 લાખની મતાની ચોરી કરી થઈ હોવાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસ દ્વારા તસ્કરોનું પગેરુ મેળવવાની તજવીજ શરૂ કરાઇ છે. જ્યારે બીજા બનાવમાં ભરચક સુલતાનપુરા વિસ્તારમાં આવેલી ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં 23 ડિસેમ્બરે રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને શટરનું તાળુ તોડીને દુકાનમાં ઘુસ્યા હતા. તસ્કરોએ કેમેરામાં કેદ ન થાય તેના માટે સીસીટીવી પર સ્પ્રે લગાવી દીધો હતો ત્યારબાદ ગલ્લામાંથી રોકડા રૂપિયા 15 હજારની ચોરી કરી હતી. જોકે હજુ સુધી દુકાનમાંથી અન્ય કોઇ સામાનની ચોરી થઇ છે કે નહી તેની સત્તાવાર માહીતી મળી નથી. વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.