Vadodara

શહેરના પાણીગેટ વિસ્તારમાંથી શંકાસ્પદ ચીઝનો જથ્થો ફૂડ સેફ્ટી વિભાગે જપ્ત કર્યો


31મી ડીસેમ્બર અને લોકોના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી અનેક જગ્યા એ ખાદ્ય પદાર્થોનું ચેકીંગ હાથ ધરાયું

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાએ 31મી ડીસેમ્બર અને લોકોના સ્વાસ્થ્ય ને ધ્યાન માં રાખી અનેક જગ્યા એ ખાદ્ય પદાર્થોનું ચેકીંગ હાથ ધરાયું હતું. શહેરના પાણીગેટ વિસ્તારમાંથી શંકાસ્પદ ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે ચીઝના નમુના સેમ્પલિંગ સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાલિકાનું આરોગ્ય વિભાગ સમયાંતરે ખાદ્ય પદાર્થોના નમુના લેવાનું અને શંકાસ્પદ જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી કરતું હોય છે. દરમિયાન ગઈકાલે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરોને ચોક્કસ માહિતી મળી હતી. તેના આધારે પાણીગેટ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પાલિકાના કમિશનરની સૂચના અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે પાણીગેટ વિસ્તારમાં જે જગ્યાની બાતમી મળી હતી ત્યાં જઈ તપાસ કરતા અહીં શંકાસ્પદ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી ચિઝનો જથ્થો જપ્ત કરવા સાથે કેટલોક જથ્થો તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. સરકારી લેબોરેટરીના રિપોર્ટના આધારે હવે જથ્થો રાખનાર વેપારી કે અન્ય વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અખાદ્ય ચીઝ, બટર, પનીર સહિતના પદાર્થોનું ખુલ્લેઆમ અને બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે તેવા અવારનવાર આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ કોર્પોરેશન પાસે ફૂડ ઇન્સ્પેક્ટર ઓછા હોવાથી અસરકારક તપાસ થઈ શકતી નથી.

Most Popular

To Top