વડોદરામાં પોલીસની હાજરીમાં જ દારૂની બોટલો ઉઠાવી જતા તકવાદી દારૂડિયા
વડોદરા શહેરના ઝોન બે માં આવતા છ પોલીસ મથકમાં ચાર વર્ષ દરમિયાન દારૂ પકડવામાં આવ્યો હતો, જે દારૂના નાશ વખતે કેટલાક લોકો પોલીસની હાજરીમાં દારૂની બોટલો ભરી ભરીને લઈ ગયા હતા.
વડોદરા શહેરના ઝોન બે માં આવતા રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, આટલાદરા તેમજ જેપી રોડ પોલીસ સ્ટેશન મથકમાં 2020 થી 2024 સુધીમા વિદેશી દારૂનો જથ્થો વિપુલ જથ્થો પકડવામાં આવ્યો હતો. જેમાં રાવપુરામાં 4.42 લાખ, નવાપુરામાં 9.30 લાખ, જેપી રોડ પોલીસ મથકમાં 18.44 લાખ, ગોત્રીમાં 23.21 લાખ, આકોટામાં 72 હજાર અને અટલાદરા પોલીસે દસ લાખનો દારૂ પકડી પાડ્યો હતો. આ 67 લાખની કિંમતના દારૂના નાશ નાશ માટે કોર્ટની પરવાનગી લેવામાં આવી હતી. જેના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન બેના ડીસીપી અભય સોનીની દેખરેખમાં દારૂનો નાશ ચીખોદરા જૂથ પંચાયતમાં આવેલા ભલીયા પુરા ગામની ગોચર જમીનમાં કરવામાં આવ્યો હતો. જ્યાં દારૂ પર બુલડોઝર ફરી વળ્યું હતું.
પરંતુ દારૂના નાશ પૂર્વે કેટલાક દારૂડિયા પણ પહોંચી ગયા હતા. જેમાં કેટલાક તો દારૂ લાવનારા મજુર પણ હતા. પરંતુ આટલો મોટો દારૂનો જથ્થો જોતા કેટલાકના લોકોના મોઢામાં પાણી પણ આવી ગયું હતું અને પોલીસની નજર હટતા જ કેટલાક તો દારૂની બોટલો પેન્ટમાં અને કેટલાક તો બેગમાં ભરીને લઈ ગયા હતા. પોલીસ નજર સામે જ દારૂ બેગમાં ભરીને કે પેન્ટમાં સંતાડીને લઈ જતા હોય અને પોલીસ તમાશો જોતી રહી હોય એમ દેખાઈ રહ્યું હતું.
આ દારૂ ચાર વર્ષ જૂનો હતો. ઝેરી હતો અને જો આ દારૂ કોઈ પીવે અને એની જોડે કોઈ અજુગતું બને તેની જવાબદારી કોની રહેશે? પોલીસની હાજરીમાં જ જો આવી રીતના દારૂડિયાઓ ખુલ્લા મેદાનમાં પણ દારૂ લઈને રફુચક્કર થતા હોય તો પોલીસના કામો પર પણ સવાલો ઊભા થયા છે.