Vadodara

વડોદરાના નવા ભાજપ કાર્યાલયમાં 24 કલાકમાં જ તક્તી બદલાઈ ગઇ

નમો કમલમના લોકાર્પણની તકતીમાં ભાજપના હોદ્દેદારોના નામ ન હોવાથી વિવાદ થયો હતો

વિરોધ ઉગ્ર બનતા 24 કલાકમાં જ તકતી હટાવી દેવામાં આવી


વડોદરા શહેર ભાજપના નેતાઓ, હોદ્દેદારો-પદાધિકારીઓમાં છેલ્લા ઘણા સમયથી વૈમનસ્ય જોવા મળી રહ્યું છે. ભાજપમાં ભાંજગડ એવી છે કે એકબીજાના ટાટિયા ખેંચવામાં નેતાઓ કોઈ કસર બાકી રાખતા નથી. તાજેતરમાં શહેરના નમો કમલમ્ કાર્યાલયનું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. નમો કમલમ્ કાર્યાલયના તકતીનું પાટિલના હસ્તે અનાવરણ કરાયું હતું. તકતીમાં શહેરના મેયર, સાંસદ, ધારાસભ્ય, પક્ષના પ્રભારીના નામ નહોતા. આથી વિવાદ વધુ વકર્યો હતો. અને છેક દિલ્હી ભાજપના હાઈકમાન્ડ સુધી ફરિયાદ પહોંચી હતી. અંતે પાટિલની સુચનાથી કાર્યાલયના અનાવરણ કરેલી તકતી હટાવી દેવામાં આવી હતી.

વડોદરા શહેરમાં ભાજપના નવા નિર્માણાધીન કાર્યાલયની તકતીનું કેન્દ્રના કેબિનેટ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે આ તકતીમાં સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના જ નામનો ઉલ્લેખ હતો. આ સિવાય સાંસદ, મેયર, ધારાસભ્યો અને પ્રભારીનાં નામનો ઉલ્લેખ ન હોવાથી વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતાં અંતે 24 કલાકમાં જ આ તકતીને ત્યાંથી હટાવી લેવાઈ છે. પ્રદેશના નેતાઓની નારાજગીના કારણે અને પ્રદેશ પ્રમુખની સૂચનાના પગલે તકતી બદલવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
આ પહેલા વડોદરા શહેરના કારેલીબાગમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયની તકતી અનાવરણના કાર્યક્રમ પૂર્વે તાત્કાલિક ધોરણે શહેર સંગઠનની ટીમે વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પાલિકાના માત્ર 5 પદાધિકારી, 5 ધારાસભ્યો તથા માનીતાઓને જ આમંત્રણ અપાતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કાર્યક્રમથી પ્રજાના પ્રતિનિધિ એવા 69 કોર્પોરેટરો પણ અજાણ હતા. કારણ કે પક્ષના કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યુ નહોતું.

Most Popular

To Top