Editorial

અબજપતિઓની સંખ્યા વધે તેમાં ખુશ થવા જેવું નથી

વિશ્વના અબજપતિઓ અંગે હાલ એક અહેવાલે જણાવ્યું હતું કે ચીનમાં અબજપતિઓની સંખ્યા ઘટી ગઇ છે અને તેમની કુલ મિલકતો પણ ઘટી ગઇ છે. જ્યારે ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં અબજપતિઓની સંખ્યા વધી છે. ભારતમાં નરેન્દ્ર મોદીના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં અબજપતિઓની સંખ્યા બે ગણી થઇ ગઇ છે અને તેમની ભેગી મિલકતો ત્રણ ગણી થઇ ગઇ છે એટલે કે ધનવાનો વધુ ધનવાન બન્યા છે. દેશમાં અબજપતિઓની કુલ સંખ્યાની દષ્ટિએ વિશ્વભરમાં ભારતનું સ્થાન ત્રીજું થઇ ગયું છે. ચીનમાં આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અબજપતિઓની સંખ્યા ઘટી ગઇ છે, ભારતમાં પણ આર્થિક મુશ્કેલીઓ તો છે જ, પરંતુ આમ છતાં ભારતમાં અબજપતિઓની સંખ્યા
વધી છે.

એક અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં ભારતમાં અબજપતિઓની સંખ્યા બમણા કરતા વધુ થઇને ૧૮પ થઇ છે. યુબીએસના અહેવાલ પ્રમાણે અબજપતિઓની સંખ્યા બે ગણી થવાની સાથે તેમની કુલ મિલકતો તો દસ વર્ષમાં વધીને ત્રણ ગણી થઇ છે જે ૯૦પ અબજ ડોલર જેટલી થઇ ગઇ છે! આ સાથે જ અબજપતિઓની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે આવી ગયું છે.

અત્રે નોંધનીય છે કે અહીં અબજપતિ તેમને ગણવામાં આવ્યા છે જેમની પાસે એક અબજ ડોલર(રૂપિયા નહી) કે તેથી વધુ રકમ હોય. વળી, ગત નાણાકીય વર્ષમાં ભારતના અબજપતિઓની મિલકતમાં ૪૨ ટકા જેટલો ઉછાળો આવ્યો છે અને અબજપતિઓની સંખ્યામાં ૩૨નો વધારો થયો છે, જે બાબત ચીન કરતા વિપરીત છે જ્યાં અબજપતિઓની મિલકત ઘટી છે, અને વળી અબજપતિઓની કુલ મિલકતો પણ ઘટી છે. જો કે આમ છતાં ચીન અબજપતિઓની સંખ્યાની દષ્ટિએ બીજા ક્રમે છે.

અમેરિકામાં હાલમાં અબજપતિઓની સંખ્યા ૮૩૫ અને ચીનમાં ૪૨૭ છે. ભારતમાં અબજપતિઓની સંખ્યા વધીને ૧૮પ થઇ છે, જ્યારે સામ્યવાદી એવા ચીનમાં અબજપતિઓની સંખ્યા ઘટી હોવા છતાં તે ૪૨૭ છે જે એક નવાઇ જેવી બાબત તો ખરી જ. એક સમયે આવક અને મિલકતોની સમાનતાના આધાર પર જેની રચના થઇ હતી તે સામ્યવાદમાં માનતા ચીને બાદમાં સામ્યવાદના ચુસ્ત સ્વરૂપને ફગાવી દેવું પડ્યુ઼ અને પરિણામે ત્યાં ધનપતિઓ અસ્તિત્વમાં આવવા માંડ્યા અને છેવટે ત્યાં અબજપતિઓની એક મોટી કલબ રચાઇ ગઇ, જ્યારે મોટ સંખ્યામાં ત્યાં ગરીબીમાં સબડતા લોકો પણ છે, જે સામ્યવાદી દેશમાં એક મોટી વિચિત્ર સ્થિતિ છે પણ તેની ચર્ચા હાલ અહીં નથી.

વિશ્વભરમાં અબજપતિઓની મિલકતો ૨૦૧પથી ૨૦૨૪ વચ્ચે ૧૨૧ ટકા વધી છે. વિશ્વમાં અબજપતિઓની સંખ્યા આ સમયગાળામાં ૧૭પ૭ પરથી વધીને ૨૬૮૨ થઇ છે, જે વર્ષ ૨૦૨૧માં ૨૬૮૬ની ટોચ પર હતી,  જેના પછી તેમાં મામૂલી ઘટાડો થયો છે. જોઇ શકાય છે કે વિશ્વમાં અબજપતિઓ અને તેમની મિલકતોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વધારો થયો છે. જો કે ૨૦૨૦ પછ અબજપતઓની મિલકતોમાં વાર્ષિક માત્ર એક ટકાના દરે જ વધારો થયો છે જેની સામે ૨૦૧૫થી ૨૦૨૦ વચ્ચે તેમની મિલકતોમાં વરસે ૧૦ ટકાના દરે વધારો થયો હતો. ૨૦૨૦ પછી કોરોનાના રોગચાળાને કારણે તેમની મિલકતોમાં વધારાની ઝડપ કદાચ ઘટી હશે પણ આમ છતાં તેમની મિલકતો તો અઢળક જ રહી છે.

ચીનના અબજપતિઓની મિલકતોમાં ૨૦૨૦ની ઉંચાઇએથી ૧૬ ટકા જેટલો ઘટાડો થયો છે પણ અન્ય પ્રદેશો જેવા કે અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ, આફ્રિકા અને એશિયાના ભાગો, ખાસ કરીને ભારતમાં અબજપતિઓની મિલકતો વધી છે. આમાં પણ ટેક બિલિયનરોની મિલકતો ખૂબ વધી છે. ૨૦૧પથી તેમની મિલકતો ત્રણ ગણી થઇને ૪.૨ ટ્રિલિયન ડોલર થઇ ગઇ છે જે એઆઇ, સાયબરસિક્યુરિટી, નાણાકીય ટેકનોલોજી અને રોબોટિકસમાં થયેલા વધારાને ખાસ આભારી છે. ઔદ્યોગિક અબજપતિઓની સંપત્તિમાં પણ નોંધાપાત્ર વધારો જોવા મળ્યો છે. અબજપતિઓની મિલકતો વધતી ગઇ છે જ્યારે ઘણા બધા સામાન્ય લોકોની સ્થિતિ બગડતી ગઇ છે. આથી અબજપતિઓની સંખ્યા અને મિલકતો વધે તેનાથી બહુ ખુશ થવા જેવું નથી.

Most Popular

To Top