Business

ઉસ્તાદ ઝાકીર હુસૈન:સાક્ષાત શિવ સમા કલાકારની વિદાયથી પૃથ્વી પણ તાલચૂકી ગઈ

ગ 0.

યા વર્ષે, ડિસેમ્બરમાં મુંબઈના ષણ્મુખાનંદ હૉલમાં ઉસ્તાદ ઝાકીર હુસૈનને સાંભળ્યા ત્યારે સ્વપ્ને પણ કલ્પના નહોતી કે એક વર્ષ પછી આ ચમત્કાર નરી આંખે ફરીથી જોવાનો મોકો હાથમાંથી જતો રહેશે. ઝાકીર હુસૈનનું ન હોવું એટલે શું એ સમજી શકાય પણ એ લાગણીને અભિવ્યક્ત કરવી એટલે ધમાર જેવા સંકુલ તાલને ચપટીમાં કળી જવાની અશક્યતાઓ જેવું છે. ઝાકીર હુસૈનની શ્રધ્ધાંજલી 8 કૉલમની મર્યાદામાં બાંધવા બેસીએ તો ક્યાંક બે-તાલ થઇ જવાનો ડર રહે પણ આખરે તાલનું આવર્તન પુરું થાય અને સમ પર અંત આવે એ પણ અનિવાર્ય છે. આ કારણે જ ઉસ્તાદની સ્મરણાંજલીના આવર્તનને વિલંબિત, મધ્ય અને દ્રુતમાં ઉતારવાનો પ્રયાસ કરવો જ રહ્યો.
ઝાકીર હુસૈન – નામ કાને પડે એટલે સૌથી પહેલાં તો તેમના હવામાં લહેરાતા, ફેંકાતા, ઉછળતા વાળ યાદ આવે, સાથે તાજ મહેલ ચાયની‘વાહ ઉસ્તાદ’ વાળી જાહેરાત તો મનમાં એક વાર ઝબકી જ જાય, તેમની આંખોમાં એક ગજબની નિર્દોષતા હતી પણ સાથે એક આકર્ષણ, રોમાન્સ અને ગહેરાઈ પણ હતાં. તેમની આંગળીઓના જાદુને ચુંબન કરીને અમૃતપાન કર્યું હોવાનો આભાસ થતો હશે તેની મને ખાતરી છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના ફલક પર ઝાકીર હુસૈનનું હોવું એટલે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફલક પર સંગતના વાદ્ય તબલાની ઓળખનું બેઠું થવું. વારસામાં મળેલી કળાને એટલી વિસ્તારવી કે તેનું એક આગવું બ્રહ્માંડ રચાય એ રીતે ઝાકીર હુસૈને તબલાવાદનને માટે અલાયદું સ્થાન બનાવ્યું.
તબલાના વિશ્વમાં, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત વિશ્વમાં અને અન્ય પ્રકારના સંગીતની સાથે તાલ મેળવીને સાધેલા સંવાદને માટે ઝાકીર હુસૈનને જેટલી કુરનીશબજાવીએ એટલી ઓછી છે. અત્યાર સુધીના ઈતિહાસમાં તબલાવાદક, વિશેષજ્ઞો ઘણાં થઈ ચૂક્યાં છે, ઝાકીર હુસૈનનાં પિતાજી ઉસ્તાદ અલ્લા રખાકુરેશી પણ એવો જ એક ચહેરો હતાં પણ છતાં ય ઝાકીર હુસૈને તબલાવાદનમાં જે પ્રસ્તુતીઓ કરી, જે પ્રયોગો કર્યા, જે પ્રકારની રચનાઓ કરી તેના જેવું, તેની સમાંતર કહી શકાય એવું તો કંઇ ક્યારેય થયું નથી અને થશે નહીં. સદ્નસીબે ઉસ્તાદ ઝાકીર હુસૈનના કામનું દસ્તાવેજીકરણ સારી પેઠે થયું છે પણ તેમના દ્રષ્ટિકોણને, તેમના કામની પહોંચને સમજવા માટેની ગહેરાઈ લાવવાની જહેમત તેમના ચાહકો, રસિકો અને સંગીતજ્ઞોએ કરવી રહી.
પંડિત રવિ શંકર, જ્યોર્જ હેરિસન, વૅન મોરિસન, જ્હોન મૅકલૉક્લિન, ફારોઆસેન્ડર્સ, મિકી હાર્ટ જેવા કલાકારોની સાથે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી ચૂકેલા ઝાકીર હુસૈને ભારતમાં એક કિશોરવયના કલાકાર તરીકે પ્રચલિત થવાથી શરૂઆત કરી. એ સફરનો હાઇ પોઇન્ટ હતો 2024 ફેબ્રુઆરીમાં જ્યારે તેમને એક જ રાતમાં ત્રણ ગ્રેમી એવોર્ડ્ઝ મળ્યા – કોઇપણ ભારતીય કલાકારને મળેલું આ પહેલવહેલું ગ્રેમી સન્માન હતું. ઝાકીર હુસૈનની શાસ્ત્રીય સંગીતની દુનિયામાં કલાકાર તરીકેની શરૂઆત કોઇ યોજનાનો હિસ્સો નહોતી. તેમના પિતાજીની તબિયત ઠીક નહોતી અને પંડિત રવિ શંકર સાથે વિદેશના કાર્યક્રમોમાં તેમણે પોતાના દીકરાને લઇ જવા કર્યું અને પછી જે સિલસિલો શરૂ થયો તેમાંથી નવા રસ્તા, નવા મંચ અને નવા આયામો સર્જાતા રહ્યા. તેમણે અલી અકબર ખાન, શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા જેવા વાદ્ય ઉસ્તાદો સાથે પણ સતત કામ કર્યું. વિદેશમાં સ્થાયી થઇ ત્યાં યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન, સિએટલમાં અને બાદમાં સાન ફ્રાન્સિસ્કોમાં સંગીત શીખવવા સ્થાયી થયેલા ઝાકીર હુસૈને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના કલાકારોની સંગત કરીને અફલાતૂન પ્રોજેક્ટ્સ પાર પાડ્યા. આ સાથે પંડિત રવિ શંકર સાથેના તેમના કાર્યક્રમો પણ સતત ચાલુ રહ્યા. પશ્ચિમ અને પૂર્વ બંન્ને દિશાઓમાં ઝાકીર હુસૈનના તબલાનો નાદ પહોંચતો રહ્યો, સર્જાતો રહ્યો.
ઉસ્તાદ અલ્લા રખાનું મૂળ લાહોર, ત્યાંથી તે દિલ્હી આવ્યા અને પછી મુંબઈ. મહારાષ્ટ્રમાં દિલ્હી, અજરડા અને ફારુખાબાદ ઘરાનાની તબલા પરંપરા પ્રચલિત હતી. ઉસ્તાદ અલ્લા રખાએ તબલાનો નવો શબ્દકોષ, નવી ભાષા દર્શકો સામે રજૂ કરી, તાલનો એક નવો દૃષ્ટિકોણ રચાયો. એ સમયે ઓળખ મેળવવી, સ્થાન ખડું કરવું સરળ નહોતું પણ તે પોતાની કળાની લીટી લાંબી કરતા રહ્યા. દીકરા ઝાકીરે પણ એ જ વાટ પકડી અને સંગતના વાદ્ય નેઅલાયદી ઓળખ અપાવી. તેમણે પિતા પાસેથી વારસામાં મળેલા પંજાબ ઘરાના ઉપરાંત અન્ય ઘરાનાની વાદન છટાને પણ પોતાના સર્જનોમાં ઉતારી. તેમણે મંચ પર તબલાવાદનમાં કરેલા પ્રયોગો તેમની પ્રતિભાનો ભાગ બનતા ગયા. શાસ્ત્રીય સંગીતનું વિશ્વમાં ઘરાનાઓ અને પરંપરાની વાડાબંધી બહુ કઠોર હોય છે. પણ તબલા પર પાણીના રેલાની માફક ફરતી ઝાકીર હુસૈનનીઆંગળીઓ અને હથેળીની થાપે આ મર્યાદાઓ તોડી. તબલા વાદનની પરંપરાઓની વાડ વચ્ચેથી ઝાકીર હુસૈનના તબલાનો નાદ પોતાનો માર્ગ એ રીતે કરતો ગયો જાણે કોઈ નદી સાગરમાં ભળવા પોતાનો રસ્તો શોધી લેતી હોય. તેમના આ પ્રકારના કામને કારણે ભારતીય શાસ્ત્રીય સંગીત વિશ્વમાં લોકોએ તબલા વાદનને અલાયદી પ્રસ્તુતી તરીકે માણવાનો રસ કેળવ્યો. પંરપરા બદલવા માટે ઘોંઘાટ કે દેકારા નહીં પણ સાતત્યપૂર્ણ તાલબદ્ધ પ્રયોગ કરનારા ઉસ્તાદનો આપણે જેટલો પાડ માનીએ એટલો ઓછો છે. સંગીતના વિવિધ સ્રોતના પ્રભાવને પોતાના સંગીતમાં ભેળવવાની ઝાકીર હુસૈનની હિંમત અને સર્જનાત્મકતાને મોકળાશ સાંપડી કારણકે તેમણે U.S.A. જઇને સ્થાયી થઇ ત્યાં ઘણું કામ કર્યું. જો તે ભારતમાં જ રહ્યા હોત તો વિદેશના જાઝ અને રોક સંગીતને આપણા શાસ્ત્રીય સંગીત સાથે ભળતું જોવાનું આપણે ચૂકી ગયા હોત. વળી ભારતમાં કદાચ વાડાબંધીનો બોજ તેમના વાદન પર આવી જાય એવી શક્યતાઓ પણ ખડી થઇ હોત.
તેમના સ્ક્રીન સાથેના સબંધને પણ આપણે મમળાવવો જોઇએ. ‘અરે હુઝુર વાહ તાજ બોલીએ’ વાળી જે જાહેરાતે તેમના ચહેરાની ચાહનાને ચિરંતન કરી દીધી એ જાહેરાત માટે તે U.S.A.થી પોતાના ખર્ચે આવ્યા હતા કારણકે તાજ મહેલ પૃષ્ઠભૂમિમાં હોય એ વિચાર માત્રએ તેમને રોમાંચિત કર્યા હતા. શૂટિંગ જોવા ભેગા થયેલા લોકોને તેમણે કહેલું કે પોતે મિથુન ચક્રવર્તીના નાના ભાઈ છે અને અભિનેતા અહીં શૂટ કરવા આવવાના છે. સ્ક્રીન પર તેઓ જેમ્સ આઇવરીના બ્રિટીશ હિસ્ટોરિકલ રોમાન્સ હીટ અને ડસ્ટમાં દેખાયા હતા તો સાઇ પરાંજપેની સાઝમાં તેમણે અભિનય કર્યો હતો. આ ઉપરાંત ધી પરફેક્ટમર્ડર, મિસ બેટ્ટીઝચિલ્ડ્રન, થંન્ડુવિટાએનએન્નાઈ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. ઝાકીર એન્ડ હિઝ ફ્રેન્ડ્ઝ ડોક્યુમેન્ટરીમાં પણ તેમણે પોતાની વાત માંડી તો છેલ્લે દેવ પડેલની ફિલ્મ મંકીમેનમાં તેમણે કેમિયો કર્યો હતો. તેમણે ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું જેમાં વાનપ્રસ્થાન, ધી લાસ્ટડાન્સ, સત્યમ શિવમ સુંદરમ, ધી મિસ્ટિકમેસ્યુર, મિસ્ટર એન્ડ મિસિઝ ઐયર, પરઝાનિયા, મન્ટો અને મંકીમેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફ્રાન્સિસફોર્ડ કોપોલાનીએ પોકેલિપ્સનાઉ, બર્નાર્ડો બેર્ટોલુચીની લિટલબુદ્ધામાં તેમણે સંગીત આપ્યું હતું.
જો તમે એમ માનતા હો કે ઉસ્તાદની સતત વાહવાહી જ થઇ છે તો તે પણ ખોટું છે કારણકે ઝાકીર હુસૈન પર બેતાલી ટીકાઓનો વરસાદ પણ વરસ્યો હતો. જે મામલે તેમના ખોબલેખોબલે વખાણ થાય છે તે જ પ્રયોગો અને મોકળાશ, તેમની તકનિક અને તબલાને આપેલા નવા તાલ કોષ અંગે તેમને હંમેશા પ્રશસ્તિ નહોતી મળતી. ટીકાઓથી રોકાય એ ઝાકીર હુસૈન નહોતા જ અને માટે જ તેમણે સતત નવાની દિશામાં પગલાં માંડવાનું ચાલુ જ રાખ્યું અને આખરે ટીકાઓ અધવચ્ચે કોઇ અધ કચરા તાલની માફક ખાલી પર જ અટકી ગઇ.
કલાકાર પિતાના યુવાન દીકરાની ઓળખ વૈશ્વિક આઇકોન સુધી પહોંચી. તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવ્યા પછી તેમના કાનમાં પિતાએ તબલાના બોલ કહ્યા હતા કારણકે એ જ તેમને માટે પ્રાર્થના હતી એ વાત આપણે બધાં જ જાણીએ છીએ. વારસામાં જે મળે તેનું વૈશ્વિક વટવૃક્ષ બનાવવાની ક્ષમતા કેવી રીતે કેળવાય તે ઉસ્તાદની જિંદગી પરથી શીખી શકાય. બાર વર્ષની વયે પહેલીવાર કોન્સર્ટમાં ભાગ લેનાર ઝાકીર પોતાના સ્કૂલના વર્ગ ચાલુ થાય તે પહેલાં મદરસામાં કુરાન પણ વાંચતા અને રોમન કેથલિક ચર્ચમાં હિમ્સ પણ ગાતા, વળી ઘર નજીકના મસ્જિદમાંથી સંભળાતી સૂફી કવ્વાલી પણ તેમણે માણી છે. તેમના ઉછેરમાં તેમને મળેલી વૈવિધ્યતામાં માત્ર કલાના સ્વરૂપો હતા, સંગીત હતું, તાલ હતા અને માટે જ તેમનું આસમાન મોકળાશ શ્વસતું હતું.
ઝાકીર હુસૈને સંગીતની પરંપરાના બધા જ તાલ શીખ્યા એટલું જ નહીં નવાનું સર્જન પણ કર્યું. ઝાકીરહુસૈન પોતે કદાચ ત્રિતાલ જેવા હતા એમ કહી શકાય કારણકે તે પણ ત્રિતાલની માફક સરળ, સમજી શકાય એવા હોવા છતાંય અનંત સંભાવનાઓ અને સર્જનોમાં મહાલતા રહેતા. સલામ ઝાકીર સાહેબ. આ વિશ્વમાં જન્મ લેવા બદલ અને સંગીતના વિશ્વને શાશ્વત ભેટ આપવા બદલ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

Most Popular

To Top