બોડેલીના યુવાન સાથે મોટી આર્થિક ઠગાઈ!
****
ઘેલપુરના લગ્ન વાંચ્છું યુવાનને યુવતીનો માત્ર ફોટો બતાવી પરણાવવાની લાલચ આપી રોકડા ₹ 4.50 લાખ અને એક તોલાની સોનાની ચેઇન પડાવી ગઠીયા પલાયન
બેન બનેવીની યુવાનની લગ્નની ચર્ચા સાંભળી ગઠીયા ઘેલપુર પહોંચ્યા
****
સાત મહિના પહેલા બનેલી ઘટનાની નોંધાઇ પોલીસ ફરિયાદ
****
બોડેલી તાલુકાના ઘેલપુર ગામના યુવાન સાથે વડોદરાના બે શખ્સોએ માત્ર યુવતીનો ફોટો બતાવી તેની સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી, 4.50 લાખ રૂપિયા રોકડા અને એક તોલાની સોનાની ચેન છેતરપિંડી કરી પડાવી લઈ જતા સાત મહિના પહેલા બનેલી આ ઘટનાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવવાની ઘેલપુર નવી વસાહતના પ્રવિણસિંહ ઈશ્વરસિંહ ઠાકોર (ઉ.વ.૩૧ ધંધો ખેતી) એ બોડેલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગત પ્રમાણે, મે 2024ના કોઈક દિવસે તેમના બનેવી ઘરે આવીને જણાવ્યુ હતું કે બે ત્રણ દિવસમાં વડોદરાથી રાજુ નામનો માણસ તમારા ઘરે તમારા લગ્નની વાત માટે આવવાનો છે. તે પ્રમાણે પ્રવીણના ઘરે રાજુ તથા તેની સાથેનો માણસ બપોરના આશરે બારેક વાગ્યાની આજુબાજુ આવ્યા હતા. તે વખતે ફરિયાદી તથા તેમની મમ્મી તથા કાકી સવિતાબેન મહેન્દ્રસિંહ ઠાકોર ઘરે હાજર હતા અને પ્રવીણે ફોનથી બનેવી રણજીતસિંહને વડોદરાથી બે જણા ઘર જોવા આવ્યા છે તેવી વાત કરતા થોડીવારમાં તેના બનેવી રણજીતસિંહ અમરિસંહ પરમાર ઘરે આવી ગયા હતા. તેમના ઘરે આવેલા માણસોમાં એકનું નામ રાજુ હતુ બીજાનું નામ પ્રવિણને યાદ નથી. જેમાંથી રાજુ નામના માણસે પ્રવીણને છોકરીનો ફોટો બતાવી કહ્યું હતું કે આ છોકરી છે જેની સાથે તારે સગાઈ કરવાની છે. તમારે પસંદ આવે તો કરવાનું અને જો ના પસંદ આવે તો સગાઈ નહિ કરવાનું .ત્યારે પ્રવીણે પૂછ્યું કે છોકરી કયાં છે ત્યારે રાજુ નામના માણસે કહ્યું કે,છોકરીની મમ્મી દવાખાને દાખલ છે એટલે ત્યાં છે અને ઓપરેશન થઈ જશે પછી આવશે. છોકરીનો ફોટો જોતાં પ્રવીણને છોકરી પસંદ આવી હતી.. જેથી આ રાજુ તથા તેની સાથેનો માણસ કહેલ કે, તમને છોકરી પસંદ આવી ગયેલ છે તો છોકરીના લગ્નના ખર્ચ પેટે એક સોનાની ચેન અને રોકડા રૂપિયા ૪,૫૦,૦૦૦/- આપવા પડશે તેમ કહેતા યુવાને તેના પાસેની સોનાની ચેન એક તોલા વજનની તથા ખેતીકામની ઉપજમાંથી બચાવીને રાખેલ રોકડ રૂપિયા ૪,૫૦,૦૦૦/- તેમને આપ્યા હતા. ત્યાર બાદ તેઓની સાથે પ્રવીણ તથા તેના બનેવી તથા સપ્ટેમ્બર -૨૦૨૪ સુધી અવાર નવાર વાતચીત કરતા હતા. તે દરમ્યાન પણ છોકરી જોડે સગાઈ કરી લગ્ન કરી આપવાની વાત કરતા હતા. પરંતુ આજદિન સુધી આ રાજુ તથા તેની સાથેનો અજાણ્યો માણસ યુવાનની સગાઈ કે લગ્ન કરી આપેલ નથી.
યુવાનનો વિશ્વાસ જીતવા યુવતી સાથે લગ્ન કરાવવા બાબતે સ્ટેમ્પ પેપર અને રજીસ્ટર લખાણ લખી આપવાની પણ લાલચ આપી હતી
છોકરી જોડે સગાઈ કરી લગ્ન કરાવી આપવાની લાલચ આપી જો તમને અમારી ઉપર ભરોસો અને વિશ્વાસ ન હોય તો તમોને સ્ટેમ્પ પેપર કે રજીસ્ટર ઉપર લખાણ કરવુ હોય તો પણ કરી
આપીશુ તેવો પાક્કો વિશ્વાસ અને ભરોસો વ્યક્ત કર્યો હતો. જેથી તેમની ઉપર પ્રવીણે વિશ્વાસ અને ભરોસો રાખી કોઈ લખાણ લીધેલ નહિ તે પછી તેઓ જતાં રહયા હતા.
બોડેલીમાં લગ્નની લાલચ આપી કરાયેલી છેતરપિંડીના ગુનાને વડોદરા પોલીસે ડિટેક્ટ કર્યો: સોનાની ચેન મળી આવી
બોડેલીના ઘેલપુર ગામના પ્રવિણસિંહ ઠાકોર ને યુવતી નો માત્ર ફોટો બતાવીને તેની સાથે લગ્ન કરાવી આપવાની લોભ લાલચ આપી કરાયેલી છેતરપિંડીનો ગુનો આચરનાર ગેંગ વડોદરામાં એકના દસ કરી આપવાની ટોળકી જ હોવાનું વડોદરા ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું હતું. આ સાથે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. છ આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરા ખાતે કુલ 8.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મુદ્દા માલ માં એક સોનાની ચેન બોડેલીમાં નોંધાયેલા ગુના સંદર્ભે હોવાથી વાત ખૂલી છે.
ઠગ ટોળકીનો એક જ મંત્ર: વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણુ ભરો!?
વડોદરામાં ઝડપાયેલી ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી તાંત્રિક વિધિ કરી એકના ડબલ થી લઈ 10 ગણા સુધી કરી આપવાના તેવી રહી છે. પરંતુ બોડેલીના ગુનામાં યુવતીનો માત્ર ફોટો બતાવી લગ્નની લાલચ આપી લગ્ન ઈચ્છુક યુવક પાસેથી મસ મોટી રકમ પડાવી લેવાની નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ જોતા વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો એ ઉક્તિ પ્રમાણે માત્ર ઠગાઈ કરવા માટે ટેવાયેલી આ ટોળકીની લાલચુ લોકોને ફસાવવા અલગ અલગ તરકીબો અપનાવી હોવાનું જણાઈ રહ્યું છે.
પરણવાની લાલચ આપી વડોદરાના બે ઠગે બોડેલીના યુવાનને લુટી લીધો
By
Posted on