MSUમાં પોલીસે વિવિધ સ્થળની મુલાકાત લઈ માહિતી મેળવી :
ચંદનની વૃક્ષોની સંખ્યા,સુરક્ષા વ્યવસ્થા,સીસીટીવી કેમેરાની પરિસ્થિતિ તેમજ સિક્યુરિટી એજન્સીના પોઇન્ટ અંગે તપાસ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાંથી છાશવારે થતા ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો રોકવા વડોદરા શહેર પોલીસ તંત્ર હવે ખરેખર એક્શન મોડમાં આવી છે. જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ચંદનના વૃક્ષોની સંખ્યા, તેની સુરક્ષા તથા સીસીટીવી સહિતની વ્યવસ્થાનું વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચંદનના અનેક વૃક્ષો આવેલા છે. જેમાં કેટલાક સમયથી વડોદરાના વિરપ્પનોએ પુષ્પા સ્ટાઇલમાં ચંદનના વૃક્ષોની ચોરી કરવાના બનાવોમાં વધારો કર્યો છે. ત્યારે એમ.એસ. યુનિવર્સિટીની સુરક્ષા એજન્સી ચંદનના વૃક્ષોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નિવડી છે. જેને કારણે ચંદનના વૃક્ષોની ચોરી કરવાના બનાવો પર રોક લગાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર ફુલ એક્શન મોડમાં આવ્યું છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ તથા ઝોન વન ડીસીપી લીના કોઠિયાના આદેશથી ડીસીબી, પીસીબી, ફતેગંજ પોલીસ તથા સયાજીગંજ પોલીસ મથકના અધિકારીઓ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ચંદનની વૃક્ષોની સંખ્યા, તેની સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની પરિસ્થિતિ તેમજ સિક્યુરિટી એજન્સીના પોઇન્ટ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસની આ કામગીરી ખૂબ ઉત્તમ કહેવાય પરંતુ એમ.એસ. યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે સિક્યુરિટી એજન્સી માટે આ બાબત ખૂબ જ શરમજનક કહેવાય.