Editorial

કોરોના બાદ યુગાન્ડાનો દર્દીને ધ્રુજારી કરાવતો ‘ડિંગા ડિંગા’ રોગ ફેલાવાનો ભય, ભારત સરકાર એલર્ટ રહે

કોરોનાની મહામારીએ આખી દુનિયાને ધ્રુજાવી દીધી હતી. લાખો લોકો કોરોનાનો ભોગ બની ગયા અને હજુ પણ ક્યાંક કોરોના દેખાતો જ રહે છે. કોરોનાનો ડર હજુ પણ લોકોમાં છે અને કોરોનાનું હાલમાં ટેસ્ટિંગ નથી થતું પરંતુ કોરોનાની મહામારી સદંતર નાબૂદ થવા પામી નથી. કોરોનાની આ મહામારીથી માંડ જગત બહાર આવ્યું છે ત્યાં દુનિયામાં હવે નવી બીમારીએ ઉપાડો લેવાનું શરૂ કર્યું છે.

આફ્રિકન દેશ યુગાન્ડમાં રહસ્યમય રોગ ‘ડિંગા ડિંગા’ સેંકડો લોકોને અસર કરી રહ્યો છે. જે રીતે આ રોગ ફેલાઈ રહ્યો છે તેણે ફરી વિશ્વમાં નવી મહામારીની આશંકા ઊભી કરી છે. આ રોગ મુખ્યત્વે મહિલાઓ અને છોકરીઓમાં જ જોવા મળી રહ્યો છે. તેના વિચિત્ર લક્ષણો પણ આઘાત જન્માવે તેવા છે. આફ્રિકન દેશોમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગમાં હજુ સુધી કોઈનું મોત થયું નથી પરંતુ ગમે ત્યારે આ રોગ જીવલેણ બની જાય તેવી સંભાવના જોવાઈ રહી છે.

આ રોગનું નામ ‘ડિંગા ડિંગા’ એટલા માટે પડ્યું છે કે જે વ્યક્તિ આ રોગનો ભોગ બને છે તે જાણે નાચતો હોય તેવી રીતે હલનચલન કરે છે. કારણ કે આ રોગ થતાં જ દર્દીના શરીરમાં અનિયંત્રિત ધ્રુજારી શરૂ થઈ જાય છે. આ ધ્રુજારીનું પ્રમાણે એટલું બધું હોય છે કે તેના કારણે દર્દી ચાલી શકતો નથી. યુગાન્ડમાં આ રોગના 300થી વધુ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે અને દર્દીઓનો પ્રવાહ ચાલુ જ છે. આ રોગમાં દર્દીઓને એટલી નબળાઈ લાગે છે કે તેઓ ચાલી શકતા નથી. ઊભા રહેવાનો પ્રયાસ કરે તો ધ્રુજારી બેકાબુ બની જાય છે. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જ દર્દી તેમાં સાજો થઈ શકે છે. કેટલીક વખત દર્દીને લકવા જેવા લક્ષણો પણ આ રોગમાં દેખાય છે.

આ રોગમાં દર્દીને ખૂબ જ તાવ આવે છે અને નબળાઈ થઈ જવાને કારણે ચાલવામાં મુશ્કેલી લાગે છે. યુગાન્ડાના આરોગ્ય અધિકારીઓ આ રોગનું સાચું કારણ જાણી શક્યા નથી. આ રોગના નમૂના યુગાન્ડના આરોગ્ય મંત્રાલયમાં મોકલવામાં આવ્યા છે અને તેની તપાસ પણ ચાલુ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે આ રોગ કેટલાક બેકટેરિયા કે પછી વાઈરલ ચેપને કારણે ફેલાઈ રહ્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

એન્ટિબાયોટિક્સથી આ રોગની સારવાર કરી શકાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં ચીકનગુનિયા રોગ થાય છે તેવો આ રોગ માનવામાં આવે છે. ચીકનગુનિયામાં પણ દર્દીને સાંધાઓ એટલા દુખે છે કે તે સરખી રીતે ચાલી શકતો નથી. જોકે, આ રોગમાં દર્દીને ધ્રુજારી આવે છે. જે ચીકનગુનિયામાં આવતી નથી. જેથી આરોગ્ય અધિકારીઓ આ રોગને નવો રોગ માની રહ્યા છે.

હાલમાં આ રોગમાં કોઈ મોત નહી હોવાથી એટલી ગભરાવાની જરૂરીયાત નથી પરંતુ તકેદારી જરૂરી છે. કારણ કે આ રોગને કારણે દર્દીની હાલત ખરાબ થઈ જાય છે. ચાલી શકવાથી માંડીને ઊભા રહેવું દર્દી માટે મુશ્કેલ બની જાય છે. ભારતમાં હજુ સુધી આ રોગના દર્દીઓ દેખાયા નથી પરંતુ તકેદારી જરૂરી છે. આફ્રિકન દેશ આમ પણ નવા નવા રોગો માટે જાણીતા છે. આ સંજોગોમાં ભારતમાં આ રોગ ફેલાવાનું શરૂ થશે તો મોટી સમસ્યા સર્જાય તેમ છે. ભારત સરકાર આ મામલે તકેદારી રાખે તે જરૂરી છે. સાથે સાથે લોકો પણ એલર્ટ રહે. નહીં તો કોરોનાની જેમ આ મહામારી પણ શરૂ થઈ જશે તે નક્કી છે.

Most Popular

To Top