યુનિવર્સિટીના સત્તાધીશોના આવા પ્રશાસનને લઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાડે જઈ રહ્યું હોવાના આક્ષેપ :
અગાઉ પણ સ્પષ્ટતા કરી છે જ કે ડિસેમ્બર મહિનામાં ચોક્કસપણે કોન્વોકેશન યોજાશે : પ્રો.હિતેશ રાવીયા
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કોન્વેકશન ક્યારે યોજાશે. જેને લઈ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે તારીખ જાહેર નહીં થતા વધુ એક વખત અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરી રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો.
વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોન્વોકેશનને અસમંજસ્ત સર્જાયું છે. વિદ્યાર્થીઓને તેમની ડીગ્રી હજી પણ નહીં મળતા વિદેશમાં વધુ અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. યુનિવર્સિટીના કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે કોઈ આવવા તૈયાર નથી. જેના કારણે કોન્વોકેશનની તારીખ જાહેર કરવામાં આવતી નથી. અગાઉ પણ ઘણી વખત વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી વહેલી તકે કોન્વેકશનના કાર્યક્રમની તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જોકે આજ દિન સુધી કોન્વોકેશનની તારીખ જાહેર કરવામાં નહીં આવતા ફરી એક વખત એબીવીપીના વિદ્યાર્થી અગ્રણીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન સાથે રામધૂન કરી ઉગ્ર વિરોધ કર્યો હતો અને વહેલી તકે હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે આવદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે કોન્વોકેશનની તારીખ વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે. પરંતુ યુનિવર્સિટી દ્વારા તારીખ જાહેર નથી કરી. એને ધ્યાનમાં રાખીને આજે એબીવીપીના સૌ કાર્યકર્તાઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જ્યાં સુધી કોન્વોકેશનની તારીખ જાહેર નહીં થાય ત્યાં સુધી કાર્યકર્તાઓ ધરણા પ્રદર્શન કરશે. ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશોના આવા પ્રશાસનને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખાડે જઈ રહ્યું છે, તેમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓને લાગતા તે જ કારણથી આજે આ વિરોધ કરવામાં આવ્યો છે. અને કોન્વોકેશનની તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
પી.આર.ઓ પ્રો.હિતેશ રાવિયાએ જણાવ્યું હતું કે, આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ કોન્વોકેશનની તારીખ બાબતે આવ્યા હતા. પરંતુ આપણે ગયા અઠવાડિયામાં પણ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, ડિસેમ્બરના અંત સુધીમાં કોન્વોકેશન ચોક્કસપણે યોજાઈ જવાનું છે. હાલમાં પરિસ્થિતિ એ છે કે, જે કોન્વોકેશનમાં આપણે મુખ્ય મહેમાન તરીકે જેને બોલાવવાના હોય તેમની સાથે વાતચીત થઈ રહી છે, અને જ્યાં સુધી એમનું ઓફિસિયલ કન્ફર્મેશન ન આવે ત્યાં સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી શકાય નહીં. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે, તેની સ્પષ્ટતા રજીસ્ટર ઓફિસ દ્વારા પણ કરવામાં આવી છે કે ડિસેમ્બર મહિનામાં જ કોન્વોકેશન ચોક્કસ પણે યોજાઈ જશે અને એટલું જ નહીં જે ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ છે અલગ અલગ ફેકલ્ટીના તેમને અત્યારથી યુનિવર્સિટી દ્વારા લેખિતમાં ઈમેલ દ્વારા અને ફોન દ્વારા જાણ પણ કરી દેવામાં આવી છે કે તમારો કોન્વોકેશન જે છે 24-25 તારીખની આસપાસ યોજાવાનો છે. એટલે જે બહારગામના વિદ્યાર્થીઓ છે એમને પહેલેથી જ ડિસેમ્બર મહિનામાં કોન્વોકેશન થવાનું છે. તેવું યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જાણ કરી દેવામાં આવી છે. પરંતુ આજે મુખ્ય મહેમાનની જે બાબત છે એ સ્પષ્ટ થતા જ યુનિવર્સિટી દ્વારા તેની ચોક્કસ જાહેરાત કરવામાં આવશે.