વડોદરા તારીખ 17
વ્યાજખોરના ત્રાસથી હોલસેલમાં ફ્રુટનો ધંધો કરતા વેપારીએ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચકચારી કેસમાં નામચીન કલ્પેશ કાછિયાનું નામ બહાર આવ્યું હતું. કુખ્યાત કલ્પેશ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ દ્વારા તેને પકડવા માટે મુંબઈ સુધીનો ફેરો પણ લગાવ્યો હતો હજી પોલીસ તેને શોધી શકી નથી. આ દરમિયાન કલ્પેશ કાછિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટ દ્વારા નામંજૂર કરવામા આવ્યા હતા. પીસીબીની ટીમે 17 ડિસેમ્બરે રાત્રિના સમયે દમણથી કાછિયાને દબોચી લીધો હતો તેને વડોદરા લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના વારસીયા વિનાયક રેસિડેન્સીમાં રહેતા નરેશ કેસરીચંદ નેનાની રજામહેલ રોડના સંતોષ ઉર્ફે અકુ બાબુભાઈ ભાવસાર પાસેથી રૂ.47 લાખ વ્યાજ પર લીધા હતાં. આ રૂ.47 લાખની સામે નરેશે પોણા બે કરોડ જેટલી રકમ પરત વ્યાજખોરને ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં ગેરકાયદે નાના ધીરધાર નો ધંધો કરતા સંતોષ ઉર્ફે અકુએ રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી અને તેને તથા પરિવારને રૂપિયા નહીં આપે તો નુકસાન પહોંચાડવા માટેની પણ ધમકીયો વારંવાર આપતો હતો. દરમિયાન તેની દુકાન પર આવીને વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી કરતા તેના ત્રાસથી કંટાળીને વેપારીએ દુકાનમાં જઈને વ્યાજખોર ની સામે જ ફિનાઇલ પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા વ્યાજખોર ની ધરપકડ કરી લઈને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. ત્યારે કેસમાં ગેંગસ્ટર અને માથાભારે એવા કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતું. જેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાતા કાછિયો મુંબઈ તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમ મુંબઈ ખાતે તેને પકડવા રવાના કરાઈ હતી પરંતુ હાથમાં આવ્યો ન હતો. દરમિયાન માથાભારે કલ્પેશ કાછિયાએ પોલીસ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. અગાઉ પોલીસે કલ્પેશના નામચિન મિત્રના બિલ ચાપડના ફાર્મ હાઉસ પર પણ તપાસ કરી હતી. આ ઉપરાંત પોલીસ કલ્પેશના કોલ ડિટેઇલ પણ તપાસ કરી રહી છે. તે કોની સાથે વધુ સંપર્કમાં હતો. કોના સંપર્કમાં રહીને તે પોલીસ પકડથી બચવા માટે નાસતો ફરતો હતો. આ તમામ પાસા પર પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન પીસીબીની ટીમને કલ્પેશ કાછિયો દમણ તરફ હોવાનું લોકેશન મળતા ટીમ 17 ડિસેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે ત્યાં પહોંચી કલ્પેશ કાછિયાને દબોચી લીધો હતો. તેને વડોદરા લાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.