Vadodara

વડોદરા : સિક્કા પર વિધિ દ્વારા પાંચ ગણા રૂપિયા કરી આપીશું તેમ કહી ટોળકીએ રૂ.30 હજાર પડાવ્યા

વિધિ કરીને ડબ્બો ખોલીને જોતા તેમાંથી ત્રણ નાળિયેર નીકળ્યા,

વડોદરા તારીખ 18
રાવપુરા અમદાવાદમાં રહેતા વૃદ્ધ અને તેમની બહેનપણીને ચાંદીના સિક્કા પડશે પાંચ ગણા રૂપિયા કરી આપવાનું કહીને 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ડભોઇ ખાતે બોલાવ્યા બાદ વિધિ કર્યા બાદ થેલામાંથી રૂપિયાના બંડલો એક સ્ટીલના ડબ્બામાં મૂકીને બંને મહિલાઓને આપ્યા હતા અને કહ્યું હતું કે આ ડબ્બો તમે ઘરે લઈને જાઓ બાકીના રૂપિયા અમે પાંચ દિવસ બાદ લઈને આવીશું. પરંતુ કોઈનો ફોન આવ્યો ન હતો કે રૂબરૂ પણ મળવા માટે કોઈ આવી ન હોય વૃદ્ધાએ જાતે ડબ્બો ખોલતા તેમાંથી ત્રણ નાળિયેર નીકળ્યા હતા. જેથી વૃદ્ધાએ ઠગ પાંચ જણાની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી અમદાવાદી પોળ કડવા શેરીમાં રહેતા જયોત્સનાબેન અશ્વિનભાઈ પંડયા ( ઉંવ.69) એ ફરિયાદ નોંધાવી છે કે ગત મે મહિનામાં મારા પતિ ગુજરી ગયા હતા તથા એક છોકરો હતો તે પણ એપ્રિલ મહિનામાં ગુજરી ગયો હતો. મેં ચાલક સાથે રીક્ષામાં બેસી મીનાબેનના ઘરે ગયા હતા અને મીનાબેનના છોકરા શીવમને અશોકભાઈ તથા રાજુભાઈએ જોયો હતો અને રાજુએ તેના મોબાઈલમાં મને અને મીનાબેનને એક છોકરીનો ફોટો બતાવી તેની કોપી પણ આપી હતી. મીનાબેન સાથે છોકરી જોવા જવા બાબતે વાતચીત કરી હતી. ત્યારે અશોકભાઈએ મીનાના ઘરમાં માતાજીના મંદીરમા એક ચાંદીનો માતાજીના ફોટાવાળો સીક્કો પડેલો હોય તેને હાથમા લઈ અમને કહયુ હતુ કે આ સિક્કા ઉપર તમને 10 ગણા પૈસા કરી આપીશ અને જો તમે દસ હજાર રૂપિયા આપો તો એક લાખ રૂપિયા કરી આપીશ. જો તમારે રૂપિયા જોઈતા હોય તો હું કરી આપીશ પણ તેના દસ ટકા તમારે મને આપવા પડશે.જેથી મે અને મીનાબેને હાલ અમારી પાસે વધારે નથી પણ 15 હજાર આપીશું તમે કાલે આવજો. જે બાદ બીજા દીવસે મીનાબેન મને તેમના રૂ.15 હજાર રોકડા આપીને ગયા હતા.ત્યારપછી મને આશરે પાંચેક વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો જેમાં તેઓએ કહ્યું હતું કે અશોકભાઇ સાથે એક ભાઇ આવે છે તેને પૈસા આપજો. જેથી હું મારા પૈસા તથા મીનાબેનના લઈને અમદાવાદી પોળના નાકે બાકડા ઉપર રાહ જોઇને બેઠા હતા. તે વખતે અશોકભાઈ તથા તેની સાથે એક છોકરોને બાઈક લઈને આવ્યા હતા અને તેઓએ 30 હજાર રૂપિયા અશોકભાઈની પાછળ બેઠેલા વ્યક્તિને આપી દેવા માટે કહ્યું હતું અને મે રૂ.30 હજાર અશોકભાઈની પાછળ બેસેલ યુવકને આપી દીધા હતા. જેથી મને જણાવ્યુ હતું કે પુજા કરવા સિક્કો સાથે લઈને ડભોઈ આવી જજો. જેથી હુ અને મીનાબેન બીજા દિવસે ડભોઈ બસસ્ટેન્ડ ઉતર્યા હતા ત્યાંથી અશોકભાઈ અને રાજુભાઇ રીક્ષામાં બેસાડી દશામાના મંદીર પાસે લઈ ગયા હતા. ત્યાં ઉતર્યા ત્યાથી ચાલતા અમે એક ઘરમાં ગયા હતા. ત્યા ઝબ્બો અને ધોતી પહેરેલો પૂજારી આવતા ચાંદીનો સિક્કો મીનાબેને તેમને આપ્યો હતો. પુજારીએ એક કાપડની ચેઈનવાળી થેલો, માતાજીની ચુંદડી અને સીકકો મૂક્યા બાદ તેના પર હળદર તથા ફૂલ નાખી અગરબતી ફેરવી મીનાબેનને ખાલી થેલામાં હાથ મુકાવ્યો હતો અને પુજા વિધી બાદ મીનાબેનને હાથ લઈ લેવા કહયુ હતું. પુજારી એક સ્ટીલનો ડબ્બો લાવ્યા હતા અને તેમાં થેલામાંથી રૂપિયાના બંડલો કાઢીને સ્ટીલના ડબ્બામાં મુકી ડબ્બાને લોક મારી મીનાબેનને આપ્યો હતો અને કહ્યું હતું કે આ ડબ્બો હમણા ઘરે લઈ જાવ અમે લોકો તમારા ઘરે બીજા પૈસા લઈને આવીશું ત્યારે ભાગ પાડીશુ. ત્યા સુધી ડબ્બાનું લોક બોલવુ નહી અમે જ્યારે કહીએ ત્યારે તમારે લોક ખોલવુ નહીં તેમ કહેતા અમે તેઓના પર વિશ્વાસ અને ભરોસો રાખ્યો હતો. બંને પરત અમારા ઘરે આવી ગયા હતા અને પાંચ દીવસ સુધી કોઈનો ફોન કે કોઈ રૂબરુ મળવા આવ્યુ ન હતું. જેથી મે તે પુજારીને ફોન કરી કસ્ટીલના ડબ્બાનુ લોક ખોલવા જણાવતા તેઓએ મને કોઈના કોઈ બહાના બતાવી લોક ખોલવા દેતા ન હતા. 10 ડિસેમ્બર ના રોજ મેં મારી જાતે ડબ્બાનુ લોક તોડતા તેમાંથી ત્રણ નાળીયેર નીકળ્યા હતા પરંતુ તેમાં કોઇ રૂપિયા ન હતા. આમ પુજારી સહિતના પાંચ ઠગોએ પાંચ ગણા રૂપિયા કરવાનું કહીને અમારી પાસેથી રૂપિયા 30 હજાર પડાવીને છેતરપિંડી આચરી છે. પોલીસ દ્વારા પાંચ જણાની ઠગ ટોળકીની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top