SURAT

કેન્દ્રીય બજેટ 2021 પર સુરતના અગ્રણીઓના અલગ અલગ મત, જાણો કોણે શું કહ્યું

નાણાંમંત્રીએ બજેટ દ્વારા માળખાકીય સવલતો, સ્વાસ્થ્ય તથા શિક્ષણ માટે ખૂબ સુંદર વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી છે. પરંતુ બજેટની મુલવણી કરતી વખતે એ બાબત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે બજેટમાં રજૂ થયેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું અમલીકરણ મહદ અંશે આ બજેટ દ્વારા પ્રસ્તાવિત અનિશ્ચિત નાણાકીય સ્ત્રોત ઉપર આધાર રાખે છે. દા.ત. સરકારી મિલકતો વેચીને નાણાં ઊભાં કરવા. બે બેંકો તથા એક જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરી સરકારી નાણાં ઉપજાવવા, જાહેર ખાનગી ભાગીદારી દ્વારા નાણાં ઊભાં કરી પ્રોજેક્ટ કરવા વગેરે.

આ સંજોગોમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ત્યારે જ અમલમાં મૂકી શકાશે, જ્યારે ધારેલા સમયે અને ધારેલી માત્રામાં ઉપર જણાવેલ રીતે નાણાકીય સ્ત્રોતો ઊભા થઈ શકે. જો આમ ન બને તો બજેટ દ્વારા પ્રસ્તાવિત ઘણી વિકાસલક્ષી યોજનાઓ કાગળ ઉપર રહી જશે અને બેરોજગારીનો ગંભીર પ્રશ્ન વધુ ગંભીર અને વિકરાળ બનશે. હકીકતમાં મૂડીરોકાણ, ઉત્પાદન અને પરિણામસ્વરૂપ રોજગારી સર્જનને ઉત્તેજન આપે તેવાં સીધાં પગલાંની બજેટમાં સ્પષ્ટ ગેરહાજરી જણાય છે. નાણાંપ્રધાને આર્થિક મંદી, ઘટતા જતા જીડીપી ગ્રોથ રેટ, મોંઘવારી અને બેરોજગારીને સંભાવનાઓ પર છોડી દઈને મોટું જોખમ લીધું છે.

બજેટ દ્વારા અંદાજિત ખાધ કુલ જીડીપીના 6.8 % અંદાજવામાં આવી છે. સામાન્ય રીતે 2.5%થી 3 %ની ઉપરની ખાધ ફુગાવામાં પરિણમતી હોય છે. તે ધ્યાને લેતાં આટલી મોટી અંદાજિત ખાધ (જે હકીકતમાં વધવાની પૂરી શક્યતાઓ છે) હાલની મોંઘવારીની સમસ્યાને વકરાવશે. ચિંતાજનક બાબત એ છે કે, ઘણી ચીજવસ્તુઓનાં ઉત્પાદન ઉપર એગ્રીકલ્ચર ઇન્ફાસ્ટ્રક્યર એન્ડ ડેવલપમેન્ટ સેસ નામનો નવો સેસ લગાવી દેવામાં આવ્યો છે. જે અસહ્ય ભાવવધારાનું કારણ બની શકે છે. આ સેસના કારણે આજથી જ પેટ્રોલ તથા ડીઝલમાં લિટરે અનુક્રમે રૂ.2.5 તથા રૂ.4નો વધારો થઈ ગયો છે. જો કે, હાલ તરત સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને ભાવવધારો સરભર કરી આપ્યો છે. પરંતુ કાયમ સરકાર આવું કરશે તેવી આશા રાખી શકાય નહીં.

ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની કામગીરી ફેસલેસ કરવાની જોગવાઈ ન્યાય પદ્ધતિને અવળી અસર કરશે એમાં બેમત નથી. પ્રથમ નજરે વિવિધ વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત તેમજ પ્રત્યક્ષ કરવેરામાં વધારો ન દેખાતો હોવાને કારણે સેન્સેક્સમાં મોટો ઉછાળો આવ્યો છે. પરંતુ બજેટની દરખાસ્તો આવો વધારો કરવા માટે સક્ષમ જણાતી નથી. આમપણ છેલ્લા ઘણા સમયથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને કારણે દેશના આર્થિક વિકાસના પ્રમાણમાં સેન્સેક્સમાં અપ્રમાણસર વધારો થઇ રહ્યો છે. સમગ્રપણે એવું કહી શકાય કે નાણાંમંત્રી બજેટ દ્વારા મૂળ આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવાની તક ચૂકી ગયાં છે.

વિવિંગ ઉદ્યોગને રાહત આપતું બજેટ: આશિષ ગુજરાતી

ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ કેન્દ્રીય અંદાજપત્રને આવકારતાં જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગ માટે આવકાર્ય બજેટ છે. નાયલોન ચિપ્સ, ફાયબર અને યાર્ન તથા કેપરોલેક્ટમ એટલે કે રો-મટિરિયલ પરની ડ્યૂટી 7.5 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવી છે. સરકારનો સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવાનો અભિગમ સ્પષ્ટ થયો છે. અત્યાર સુધી ઈમ્પોર્ટેડ રો મટિરિયલ પર ઊંચી ડ્યૂટી હોવાના લીધે સ્થાનિક સ્તરે ફેબ્રિક્સના ઉત્પાદનની કોસ્ટ વધી જતી હતી. જેના લીધે બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીન જેવા દેશો સામે સ્પર્ધા કરવામાં સ્થાનિક ઉદ્યોગકારોને તકલીફ થતી હતી, પરંતુ હવે જ્યારે યાર્નના રો મટિરિયલ પર જ કસ્ટમ ડ્યૂટી ઘટી રહી છે, ત્યારે સ્પીનર્સ દ્વારા યાર્નના ભાવઘટાડાનો લાભ વિવર્સને પાસ ઓન કરવામાં આવે તેવી ખાતરી રાખી શકાય. યાર્ન સસ્તુ થવાથી ગ્રે અને ફેબ્રિક્સ સસ્તું થશે. જેના પગલે નિકાસમાં પણ ફાયદો થશે. આ ઉપરાંત એમએસએમઈ માટે 15,700 કરોડનું ફંડ જાહેર કરાયું તેનાથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને લાભ થશે.

જિયો અને ટેક્નિકલ ટેક્સ્ટાઇલ માટેની ઊભી થયેલી તકો સુરતે ઉપાડવી જોઈએ: ભરત ગાંધી

ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધીએ તો સુરતના કાપડ ઉદ્યોગકારો માટે વિશાળ તકો ઊભી થઈ હોવાની લાગણી પ્રકટ કરતાં કહ્યું કે, સરકાર દ્વારા દેશભરમાં 8000 કિ.મી.ના રસ્તા ટેક્નિકલ ટેક્સટાઈલની મદદથી નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો લાભ સુરતના ઉદ્યોગકારો ઉઠાવી શકે છે. હાલમાં સુરતમાં 2, વાપીમાં 1, કોસંબામાં 1, પાનોલીમાં 1, ઉમરગામમાં 1 યુનિટ છે, જેઓ ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. સિલ્ક પર ડ્યૂટી 2.5 ટકા લાદવામાં આવી તે થોડી અસર કરશે, પરંતુ સારી બાબતો આવકાર્ય છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરતા એક્સપોર્ટમાં કિંમત વધશે: ગિરધરગોપાલ મુંદડા

કેન્દ્ર સરકારે બજેટમાં આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો છે. જેના પગલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો થશે. જેનો લાભ આંતરરાષ્ટ્રીય બજારમાં મળશે. કેન્દ્ર સરકારની પીએલઆઇ સ્કીમથી વિદેશી કંપનીઓ દેશમાં આવશે. ઉપરાંત મેગા ક્લસ્ટરની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે રોજગારીનું સર્જન થશે. ચેમ્બર દ્વારા સુરતમાં સચિન જીઆઇડીસી પાસે જગ્યા શોધવામાં આવી રહી છે.

કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાંથી ઉગારી આર્થિક ગતિ-વિકાસનું ગુલાબી ચિત્ર રજૂ કરતું અંદાજપત્ર: સીએ મિતિષ મોદી

સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલું બજેટ આમ આદમી માટે, ખાસ કરીને કોવિડ-૧૯ની અવળી અસરોને સહન કર્યા પછી પણ કોઇ દેખીતી રાહતો ન આવતાં ખૂબ જ નિરાશાજનક નિવડ્યું છે. બે દિવસ અગાઉ “ઇકોનોમિક સરવે” રજૂ કરતાં “વી” શેપ ઇકોનોમિક રિકવરીના અંદાજો જણાવતાં નાણાંમંત્રીએ વૈશ્વિક મહામંદીમાંથી દેશને ઉગારવા માટે અને અર્થતંત્રની ગાડીને પાટા પર ચઢાવવા દેશના ધંધાદારીઓ, નાના ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોને આશા જગાડી હતી. પરંતુ તે ઠગારી નિવડી છે. જો કે, સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ દરમિયાન જ આપણી સરકાર “આત્મનિર્ભર ભારત” અભિયાન હેઠળ ચાર તબક્કામાં દેશના નાના મોટા તમામ ઉદ્યોગો, ખેતી ક્ષેત્ર અને સેવા ક્ષેત્રને ટકાવી રાખવા માટે માળખાકીય સુધારાઓનાં પગલાં લીધાં છે. જે સરાહનીય છે. પરંતુ મોંઘવારીના ભારણ વચ્ચે અને બેરોજગારીના બોજ વચ્ચે જીવતી આમ જનતાને તાત્કાલિક રાહત આપનારી એવી કોઇ દરખાસ્ત જણાતી નથી. આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ, વીજળી અને ઇન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રે ફાળવણી કરતી દરખાસ્તો હોવા છતાં આમ આદમીને ઇન્કમ ટેક્સનું ભારણ ઓછું કરતી કોઇ દરખારત આવી નથી. ફિસ્કલ ડેફિસિટને પહોંચી વળવા નાણાંમંત્રીએ ડિઇન્વેસ્ટમેન્ટનો સહારો લીધો જણાય છે. જો કે, ડિજિટલ ઇન્ડિયાના ખ્યાલને મજબૂત કરી વધુ ને વધુ પારદર્શકતા અને ભ્રષ્ટાચારને ડામવાના પગલાંરૂપે ઇન્કમટેક્સ કાયદા હેઠળ જે રીતે ફેસલેસ એસેસમેન્ટ અને અપીલને લગતી નવી જોગવાઈઓની જેમ “ ફેસલેસ એપેલેટ ટ્રીબ્યુનલ”ની દરખાસ્ત કરેલી છે. જે નવા માળખાગત સુધારાના ભાગરૂપે આવકારદાયક પગલું ગણી શકાય. તે જ પ્રમાણે ‘‘સેટલમેન્ટ કમિશનને જાકારો અને તેને સ્થાને “ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી”ની જોગવાઇ લગાવવાની દરખાસ્ત છે. ડિવિડન્ડ પર ટીડીએસની મુક્તિ, ચેરિટેબલ ટ્રસ્ટો કે શિક્ષણ અને આરોગ્ય પ્રવૃત્તિ કરે છે, તેમની કરમુક્તિ આવક મર્યાદા રૂ.૧ કરોડથી વધારીને રૂ.૫ કરોડ, ઓડિટની ટર્ન ઓવરની મર્યાદા રૂ.૫ કરોડથી વધારીને રૂ.૧૦ કરોડ કરવાની દરખાસ્ત રાહતરૂપ સાબિત થશે.

વેપારીઓ માટે કોઈ રાહત નથી: પ્રમોદ ભગત

સીએઆઇટીના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, નાણાંમંત્રીએ બજેટમાં વેપારીઓને ટેક્સમાં કોઇ રાહત આપી નથી. જે વેપારીઓ ડિઝિટલથી પેમેન્ટ કરશે તેની ઓડિટ લિમિટ પાંચ કરોડથી વધારી 10 કરોડ કરવાનો નિર્ણય આવકારદાયક છે. રિએસેસમેન્ટની મર્યાદા છ વર્ષની 3 વર્ષ કરવાનું પગલું આવકાર્ય છે. ઉપરાંત સ્ટીલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની દરેક ટ્રેડમાં ભાવવધારો થયો છે, તેના પર અંકુશ આવશે. જીએસટીના જટિલ પ્રશ્નો સરળ કરવા માટે બજેટમાં કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

જીએસટીના સુધારાવધારા આવકાર્ય છે: પ્રશાંત શાહ

સુરત ટેક્સ બાર એસોસિએશનના પ્રશાંત શાહે જણાવ્યું હતું કે, બજેટમાં જીએસટીને લગતા સુધારાવધારા ખૂબ આવકાર્ય છે. ઓડિટના કેસોમાં સીએ અને પ્રોફેશનલ્સને બદલે સેલ્ફ સર્ટિફિકેશન બેઝિક મુજબ કરવાની જોગવાઇ કરી છે. નવી જોગવાઇ પ્રમાણે હવે માત્ર જીએસટીઆર 2એ અને જીએસટીઆર-2બીમાં દેખાય એટલી જ ક્રેડિટ મળવાપાત્ર રહેશે. નેટ કેશ લાયબિલિટી પર વ્યાજ લાગશે તેવો સુધારો કલમ 50માં કર્યો છે. માલ વહન દરમિયાન પેનલ્ટી લેવા અંગેનો નિર્ણય ઓવરરાઇડિંગ ઇફેક્ટથી દૂર કરાયો છે. ક્લબ સહિતની મેમ્બરશિપ પર જીએસટી લાગુ પડતો હતો. તેના પર હવે ટેક્સ લાગુ પડ્યો છે. એકંદરે હકારાત્મક બજેટ છે. 1991માં મનમોહન સિંહે રજૂ કરેલા બજેટ પછીનું સૌથી સારું બજેટ છે.

અર્થતંત્રની ગાડીને પાટા પર ચડાવતું બજેટ: સીએ રૂપિન પચ્ચીગર

ચેમ્બરના માજી પ્રમુખ સીએ રૂપિન પચ્ચીગરે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં 27.01 લાખ કરોડની વિવિધ યોજનાઓના પાંચ મીની બજેટ નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરી એ વખતે અર્થતંત્રને બેઠુ કરવા પ્રયત્ન કર્યા હતા. આજના બજેટ થકી નાણાંમંત્રીએ અર્થતંત્રની ગાડીએ પાટા ઉપર મૂકવાનો સફળ પ્રયત્ન કર્યો છે. બજેટમાં કોરોનાને લીધે હેલ્થ સેક્ટરને વધ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 64180 કરોડ સ્વાસ્થ્ય માટે, વેક્સિન માટે 35000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરત સહિતના ટેક્સટાઇલ સેક્ટરને મોટી રાહતો જાહેર કરી છે. ત્રણ વર્ષમાં સાત ટેક્સટાઇલ મેગા પાર્ક બનશે. તે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1,18,230 કરોડ રેલવે ઇન્ફ્રા માટે 1,10,055 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એફડીઆઇની રકમ 49 ટકાથી વધારી 74 ટકા કરી છે.

છેલ્લાં 100 વર્ષમાં ન વિચારેલા બજેટની રજૂઆત નાણાંમંત્રીએ કરી: જનક પચ્ચીગર

ટેક્સ કન્સલ્ન્ટન્ટ જનક પચ્ચીગરે જણાવ્યું હતું કે, નાણાંમંત્રીએ ઇન્કમટેક્સના કાયદામાં સ્લેબને છેડછાડ કર્યા વગર ખૂબ અગત્યના સુધારા કર્યા છે. ટેક્સ ઓડિટની લિમીટ એક કરોડથી વધારી પાંચ કરોડ કરી છે. મોટી સંખ્યામાં વેપારીઓને ટેક્સ ઓડિટમાંથી મુક્તિ મળશે. જે કરદાતાની ટેક્સેબલ પચાસ લાખ અને ડિસ્પુટેડ આવક દસ લાખ હશે તેવા કરદાતાઓ માટે કરદાતાઓ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી બનાવવાનું નક્કી કર્યું છે. એનઆરઆઇ કરદાતાઓને ડબલ ટેક્સેસનમાંથી મુક્ત કરવા સરકારે ખાસ સુધારાઓ કર્યા છે.

ખેતી, ખેડૂત અને ગામડાંને પ્રાધાન્ય આપતું બજેટ: જયેશ દેલાડ

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ અને સહકારી આગેવાન જયેશ એન પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે, નાણાંમંત્રીએ ખેડૂત, ખેતી અને ગામડાંને પ્રાધાન્ય આપતું બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષે ધિરાણ માટે 15 લાખ કરોડની જોગવાઇ કરી હતી. જે આ વખતે વધારીને 16.50 લાખ કરોડ કરી છે. અનાજ ખરીદી માટે 75 હજાર કરોડની ફાળવણી એમએસપી પ્રમાણે ઘઉંની ખરીદી માટે કરી છે. જ્યારે ડાંગર માટે 1 લાખ કરોડની જોગવાઇ કરી છે. આઝાદી પછી પ્રથમવાર 345 હેક્ટર જમીનમાં ઘઉંની ખેતી થઇ છે. સૌથી મહત્ત્વનો નિર્ણય આયાતી કપાસ પરની કસ્ટમ ડ્યૂટી વધારીને 10 ટકા કરી છે. તેને લીધે આયાતી કપાસ મોંઘું થશે અને સ્થાનિક ખેડૂતોને તેનો લાભ થશે.

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નવી તકો ઊભું કરનારું બજેટ: મયૂર ગોળવાલા

વિવર્સ અગ્રણી અને ફિઆના માજી ડિરેક્ટર મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે, મેગા ટેક્સટાઇલ પાર્કની જોગવાઇથી આ સેક્ટરમાં રોજગારી વધશે. નાયલોન યાર્નની ચેન પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાના નિર્ણયથી વિવર્સ અને સ્પીનર્સ બંનેને લાભ થશે. ટેક્સટાઇલ કામદારોને રાહત દરે લેબર હાઉસિંગ મળી શકશે. એફડીવાય પર બેઝિક કસ્ટમ ડ્યૂટી યથાવત રાખવાની માંગ સ્વીકારવામાં આવી છે. ઉદ્યોગની અન્ય માંગણીઓ કેન્દ્રની નવી ટેક્સટાઇલ પોલિસીમાં પૂર્ણ થશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપતું બજેટ: અનિલ કે. શાહ

ટેક્સ કન્સલ્ટન્ટ અનિલ કે.શાહે જણાવ્યું હતું કે, કોવિડ-19ની સ્થિતિમાં નાણાંમંત્રીએ ખૂબ જ સમતોલ અર્થતંત્રને વેગ આપનારું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરનારું બજેટ રજૂ કર્યું છે. જે આત્મનિર્ભર ભારતના સપનાંને સાકાર કરતું છે. ઇન્કમટેક્સ અને જીએસટીમાં ઓડિટ મર્યાદા વધારવાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધારો થશે. બજેટમાં ઇન્કમટેક્સમાં રિ-ઓપનિંગની જોગવાઇ, ડિવિડન્ડ અંગેની એડ્વાન્સ ટેક્સની જોગવાઇ આવકાર્ય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top