આણંદ શહેરની મધ્યમાં બોરસદ ચોકડી પર સરકારી જમીન પર વરસોથી બંધાયેલી ઝુપડપટ્ટી હટાવાઇ
મંદીર સહિતના બાંધકામ ન તોડવા સ્થાનિકોએ પથ્થરમારો કરતાં પોલીસે અટકાત કરી
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સવારથી જ વહીવટી તંત્રની સાત જેટલી ટીમે કામગીરી કરી
(પ્રતિનિધિ) આણંદ તા.14
આણંદ શહેરની મધ્યમાં જ બોરસદ ચોકડી પર સરકારી પડતર જમીનમાં છેલ્લા બે દાયકા ઉપરાંતથી અનેક પરિવારે દબાણ કરી દીધું હતું. આ દબાણ દુર કરવા વહીવટી તંત્ર દ્વારા કેટલાક સમયથી પ્રયત્ન હાથ ધરવામાં આવ્યાં હતાં. જે સંદર્ભે નોટીસ સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી. પરંતુ દબાણકારો મચક આપતાં નહતાં. આખરે શનિવારના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર સાત ટીમ સાથે વ્હેલી સવારે જ પહોંચી ગયું હતું અને દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. આશરે રૂ.100 કરોડ ઉપરાંતની 20 હજાર ચોરસ મીટર વિસ્તાર પર જેસીબી અને બુલડોઝર ફરી વળ્યો હતો. જોકે, મંદિર હટાવતા સમયે પથ્થરમારો પણ થયો હતો. પરંતુ પોલીસે હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ સંભાળી લીધી હતી.
આણંદ શહેરના વિકાસ સાથે દબાણોની સમસ્યા પણ વકરી રહી છે. ખાસ કરીને સરકારી જમીન પર આડેધડ બનેલી ઝુપડપટ્ટી શિરદર્દ બની ગઇ હતી. નગરપાલિકાનું દબાણો પ્રત્યે માયકાંગલુ વર્તનથી આ બદી વધુ ફુલીફાલી હતી. આ સંદર્ભે છેલ્લા કેટલાક સમયથી કલેક્ટર પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં તંત્રએ કામગીરી શરૂ કરી છે. શહેરની ટુંકી ગલી પર દબાણ હટાવ્યા બાદ બોરસદ ચોકડી પર આવેલી આશરે 20 હજાર સ્કેવર મીટર સરકારી પડતર જમીન પર બનેલા નાના – મોટા ત્રણ સોથી વધુ મકાન તોડી પાડવા નોટીસ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી ચાલતી કાર્યવાહીમાં આખરે શનિવારે તંત્રએ મશીનરી કામે લગાવી હતી. આણંદ શહેરના 50થી વધુ પોલીસ જવાનો, નગરપાલિકાના સાધનો, વહીવટી તંત્રના અધિકારીઓ સહિતનો રસાલો વ્હેલી સવારે બોરસદ ચોકડી પર પહોંચી ગયો હતો અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેના માટે સોજિત્રાથી આણંદ તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં જેસીબી કામે લગાડવામાં આવી હતી. સવારના 10 વાગ્યા સુધીમાં મોટા ભાગનું દબાણ દુર કરાયું હતું. પરંતુ જેમ દિવસ ચડતો ગયો તેમ દબાણકારોએ ભેગા થઇ કામગીરી રોકવા કોશિષ કરી હતી. જોકે, હાજર પોલીસ અધિકારી અને જવાનોએ તુરંત સ્થિતિ થાળે પાડવા અટકાયતી પગલાં ભર્યાં હતાં. આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી 17 જેટલી વ્યક્તિની અટક કરી હતી. જ્યારે સો વ્યક્તિના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. આણંદ શહેરમાં દિવસભર આ દબાણ હટાવવાની કામગીરી ચર્ચામાં રહી હતી. લોકો બોરસદ ચોકડીના બ્રિજ પર ચડી દબાણ હટાવવાની કામગીરી નિહાળતા જોવા મળ્યા હતાં. આ કામગીરીમાં કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ડો. મયુર પરમાર, ગ્રામ્ય મામલતદાર અનિલ પટેલ, શહેર મામલતદાર ચાર્મી રાવલ, ચીફ ઓફિસર એસ.કે. ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક એન.જે. પંચાલ, સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અશોક રાવલ સહિત માર્ગ મકાન વિભાગના ઇજનેર પણ હાજર રહ્યાં હતાં.