રાજકીય હોદ્દો ધરાવતા મહાનુભાવે પોતાના પુત્રની બર્થડે પાર્ટી ઊજવી કર્યો શિસ્ત ભંગ :
વડોદરા જિલ્લા ભાજપા મંત્રીએ પોતાના એફબી પર વીડિયો પોસ્ટ કર્યો :
વડોદરા જિલ્લામાં નીતિ નિયમોને નેવે મૂકી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જોકે બર્થડે સેલિબ્રેશન ભાજપમાં હોદ્દો ધરાવતા એક મહાનુભાવના પુત્રની હોઈ પોલીસ દાદા પણ આ મામલે કશું કરી શકે નહીં તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. જાહેરમાં કેક કટિંગ સાથે આતશબાજી કરવામાં આવી હતી. જો આ આતશબાજીને કારણે કોઈ આગ લાગવાની ઘટના બની હોત તો જવાબદાર કોણ ? તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે.
વડોદરા શહેરમાં અગાઉ ઘણી વખત જાહેરમાં બર્થડે સેલિબ્રેશન કરવામાં આવી હોવાના વીડિયો વાયરલ થયા હતા. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા ત્વરિત એક્શન લઈ જે તે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. ત્યારે, કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ વ્યક્તિ હોય અને તેના દ્વારા જ જાહેરમાં જો બર્થડે સેલિબ્રેશન કરવામાં આવે તો પોલીસ એને કાયદાના પાઠ ભણાવશે ખરી ? હાલ, વડોદરા જિલ્લામાં એક આવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ભાજપમાં હોદ્દો ધરાવતા એક પિતાએ પુત્રની બર્થડે જાહેરમાં મનાવી નીતિ નિયમોના ધજાગરા ઉડાવી દીધા છે. સોસાયટીના નાકે અને જાહેર માર્ગ પર ટેબલ પર એક નહિ પરંતુ 6 કેક મૂકી કાપવામાં આવી રહ્યા છે. અને તેની સાથે જ હાલમાં ટ્રેન્ડ એવી બ્લાસ્ટ ગનથી આતશબાજી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જ્યાં કેક કપાઈ રહ્યો છે તેની પાછળ આતશબાજી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ બર્થડે પાર્ટીને લઈ શુભેચ્છકો જાહેર રોડ પર ટોળે વળ્યાં છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે માત્ર શુભેચ્છકો જ હાજર છે પણ સોસાયટીમાંથી કોઈ નથી અને લોકોના મકાનો પણ બંધ છે. રાત્રી દરમિયાન આ ઉજવણી હોય લોકો આરામ ફરમાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આવા સમયે ફટાકડા અને આતશબાજીથી અન્ય લોકોને પણ મુશ્કેલી પડી હશે. પણ બોલે કોણ ? હાલ, આ વીડિયો વિજય ગોહિલે પોતાના ફેસબુક પર મુક્યો છે. અને તેમના ફેસબુકના પેજ પર તેઓ વડોદરા જિલ્લા ભાજપના મંત્રી તરીકે હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તેઓ ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય યુવા કિસાન સંઘના ઉપાધ્યક્ષ પણ હોવાનું પોતાના એફબી પર જણાવે છે. તેમજ કુબેરભંડારી ખાતે સિક્યુરિટી ઈન્ચાર્જ તરીકે કાર્યરત છે. એક તરફ શિસ્તને વરેલી પાર્ટી એટલે ભાજપ હોવાનું મનાય છે. ત્યારે ભાજપના જ જિલ્લા મંત્રીએ શિસ્તનો ભંગ કરતા ભાજપની છબી ખરડાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.