ગેસની લાઈન બદલવાની કામગીરીને કારણે 45 જેટલા મકાનોમાં ગેસ પુરવઠો બંધ કરાયો :
કામગીરી પૂર્ણ થતા જ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે : અધિકારી
વડોદરા મહાનગર પાલિકાના ગેસ વિભાગ દ્વારા શહેરના ગોરવા વિસ્તારના માળી મહોલ્લામાં છેલ્લા 4 દિવસથી ગેસની લાઈન બદલવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અહીં વસવાટ કરતા આશરે 45 જેટલા મકાનોમાં ગેસ પુરવઠો બંધ કરવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ત્યારે, રસોઇ બનાવવા પડી રહેલી મુશ્કેલી પડતા લોકો દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરી ગેસ પુરવઠો ચાલુ કરવા માંગણી કરી હતી.
વડોદરા ગેસ કંપની દ્વારા વિવિધ વિસ્તારોમાં નવી ગેસ લાઇન તેમજ જૂની થઈ ગયેલી પાઇપ લાઇનો બદલવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા માળી મહોલ્લા તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં જૂની થઈ ગયેલી ગેસની લાઈનો બદલવાનું કામ છેલ્લા કેટલાક ચાર દિવસથી ચાલી રહ્યું છે. જેના કારણે અનેક મકાનોમાં ગેસ પુરવઠો ન મળતાં મુશ્કેલીમા મુકાઇ ગયા છે. સ્થાનિક રહીશો દ્વારા વડોદરા ગેસ ઓફિસમાં વહેલી તકે ગેસ કનેક્શન ચાલુ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે. જોકે , તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ ગેસ પુરવઠો ચાલુ કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ ચોક્કસ કેટલા દિવસ ગેસ પુરવઠો બંધ રહેશે તે જણાવવામાં ન આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
ગેસ પુરવઠો બંધ રહેતાં 45 જેટલા મકાનોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સ્થાનિક તુલસીબેન, પ્રકાશભાઇ માળીએ જણાવ્યું હતું કે, માળી મહોલ્લામાં છેલ્લા ચાર દિવસથી ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવતા ગામડા જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. લોકો પાસે રાંધણ ગેસ કે કેરોસીનની અન્ય વ્યવસ્થા નહીં હોવાથી ચૂલા બનાવી લાકડાથી ચા – પાણી તેમજ રસોઇ બનાવવાની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ શિયાળો ચાલી રહ્યો હોવા છતાં, લોકોને ઠંડા પાણીથી નાહવાનો વખત આવ્યો છે. વહેલી તકે ગેસ પુરવઠો ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. વડોદરા ગેસ વિભાગના અધિકારી સ્વપ્નીલ દેસાઇએ જણાવ્યું હતું કે, ગેસ લાઇન બદલવામાં આવી રહી છે. કામ પૂરું થવા આવ્યું છે, કામગીરી પૂર્ણ થતા જ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.