વોર્ડ 10-11માં સ્ટ્રીટ લાઈટના ધાંધિયા સર્જાતા વિસ્તારના લોકોનો વિરોધ :
વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવા ચીમકી ઉચ્ચારી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 10-11ના વિસ્તારોમાં છેલ્લા ચાર મહિનાથી સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળ્યો છે.ફરિયાદોનું નિરાકરણ નહિ થતા વિસ્તારના લોકોએ રાત્રે વોર્ડ નંબર 12 ની કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ કર્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગની વધુ એક વખત બેદરકારી જોવા મળી છે. ઘણી વખત દિવસે લાઈટો ચાલુ રહી જતી હોય છે તો કેટલાક વિસ્તારોમાં તો રાત્રિ દરમિયાન લાઈટો જ શરૂ થતી નથી. જેના કારણે અંધારું હોવાથી કેટલાય વાહન ચાલકો નાના મોટા અકસ્માતમાં ભોગ બનતા હોય છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 10 અને 11 ના વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી સ્ટ્રેટ લાઈટ વિભાગની નબળી કામગીરી જોવા મળી છે. વિસ્તારના લોકો દ્વારા ઘણી ફરિયાદો કરવામાં આવી પણ આજ દિન સુધી તેનો કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી વારંવાર કર્મચારીઓ તેમજ અધિકારીઓને પણ રજૂઆત કરવા છતાં કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. જેથી અધિકારીઓની આ નબળી કામગીરીને ઉજાગર કરવા માટે ગતરાત્રિએ વિસ્તારના આગેવાન અસફાક મલેકની આગેવાનીમાં લોકોએ વોર્ડ નંબર 12 ની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. જોકે ત્યાં ફરજ પર હાજર અધિકારી ન હોય ખુરશીને ચપ્પલ નો હાર પહેરાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આશિયાના નગર, મેગ્નમ પ્લાઝા સહિતના ઘણા બધા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટ વિભાગની નબળી કામગીરી જોવા મળી છે. જેના કારણે આ માર્ગો પર રાત્રી દરમિયાન અંધારપટ છવાઈ જાય છે અને વાહનો ના અકસ્માત થાય છે. ત્યારે જો વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો આનાથી પણ આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી દ્વારા ઉચ્ચારવામાં આવી છે