નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા ખાતે આગામી નાણાંકીય વર્ષ સને 2025-26 માટેના અંદાજપત્ર રજુ કરવા અંગે સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ અંદાજપત્રમાં શાળાઓના શિક્ષકો, પેન્શનર અને શાળા/બાલવાડીઓના ખર્ચની ગ્રાન્ટની સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ બાબતે નાણાંકીય આયોજનની ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આગામી સમિતિ કક્ષાના રમતોત્સવ અને બાળમેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી. આગામી સમિતિ કક્ષાનો રમતોત્સવ તા.26-27-28 ડીસેમ્બર-2024ના રોજ યોજાશે જ્યારે બાળમેળા સંદર્ભે આગામી સમયમાં બોર્ડની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે. આગામી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી રોકડ ઇનામની સાથે-સાથે ટ્રેક, ટી-શર્ટ અને કેપ આપવામાં આવશે.
સમગ્ર બોર્ડ દ્વારા આગામી બજેટમાં સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય અંને ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે વિશેષ આયોજનો કરવા સંદર્ભે અંદાજપત્રમાં વિવિધ સદરોમાં વધારો કરવા માટે સૂચન કરવામાં આવ્યા. દર વર્ષે માત્ર બાલવાટીકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી. જેમા ફેરફાર કરી આગામી સમયમાં બાલવાટીકાની સાથે સાથે ધોરણ-5ના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપવામાં આવે તેવુ નક્કી કરવામાં આવ્યું. આધુનિક સુવિધાઓ ઉપરાંત શાળા મકાનના રીપેરીંગ અને કલરકામને પ્રાધાન્ય આપમાં બાબતે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગણવેશ, બુટ-મોજા તેમજ સ્માર્ટ ક્લાસની સંખ્યામાં વધારો કરવામાં આવશે એવી રજૂઆત કરવામાં આવી હતી. સમિતિ સંચાલિત બાલવાડીઓ અપગ્રેટ કરી સ્માર્ટ બાલવાડીની સંખ્યા પણ વધારવામાં આવે તેવુ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.
વધુમાં, વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને શારિરીક ક્ષમતાના વિકાસ માટે શાળાઓમાં સુવિધાઓ ઉભી કરવામાં આવે તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું ધોરણ: 10 નું ઉચ્ચ પરીણામ આવે તે માટે વિશેષ તાલિમનુ સૂચન કરવામાં આવ્યુ હતું.
આ તમામ બાબતોને ધ્યાને લઇ આજ રોજ રજૂ થયેલ અંદાજપત્રમાં નીચે મુજબના સદરમાં ગત અંદાજપત્ર કરતા વધારો કરવામાં આવેલ છે. જેમા અનુક્રમે,
• શાળા રીપેરીંગ અને સાધન-સામાગ્રીની ખરીદીમાં રૂ.50 લાખનો વધારો.
• સ્વચ્છતાના સાધનોની ખરીદીમાં રૂ. 10 લાખનો વધારો.
• વાલી સંપર્ક સંદર્ભેના આયોજનમાં રૂ.
3 લાખનો વધારો.
• સ્કાઉટ ગાઇડના સાધનોની ખરીદીમાં રૂ.5 લાખનો વધારો.
• સમિતિના બાળકો માટે નોટબુક અને ચોપડાની ખરીદીમાં રૂ. 20 લાખનો વધારો.
• માધ્યમિક શાળાઓની નિભાવણી અને સુવિધાઓમાં રૂ.25લાખનો વધારો.
• વિદ્યાર્થીઓના શાળામાં થયેલ અકસ્માત ખર્ચમાં રૂ.50 હજારનો વધારો.
• સમિતિના બાળકો માટે કોમ્પ્યુટર શિક્ષણ અને બાહ્ય પરીક્ષાની તાલીમ ખર્ચમાં રૂ. 1લાખનો વધારો.
આમ સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલ કુલ : 258,00,00,000/-રૂપિયાના અંદાજપત્રમાં કુલ : 1,14,50,000/- રૂપિયાના વધારા સાથેનું કુલ : 259,14,50,000/-રૂપિયાનું સને : 2025-26નું અંદાજપત્ર સર્વાનુમતે બુધવારે મંજૂર કરવામાં આવેલ છે. જેને કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી અર્થે ભલામણ કરવામાં આવશે.