હોટેલની રૂમમાંથી 6 લલના સાથે ગ્રાહકો મળી આવ્યા, સંચાલકો ફરાર
પ્રતિનિધિ વડોદરા તા.11
વારસીયા રીંગ રોડ પર આવેલા શ્રીજી બાલાજી વિન્ડ ટાવર-બીમાં આવેલી એચ કે હોટલમાં બહારથી પરપ્રાંતિય મહિલાઓ અને યુવતીઓ બોલાવીને કુંટણખાનું ચલાવવામાં આવતું હતું. વારસીયા પોલીસે રેડ કરતા અલગ અલગ રૂમોમાંથી લલનાઓ સાથે ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાઇ હતી. પોલીસને 6 લલનાઓ મળી આવી હતી. એક ગ્રાહક દીઠ 2500થી 3000 હજાર વસૂલવામાં આવ્યા હતા. પોલીસે મેનેજર અને સંચાલક સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા તથા હોટલની આડમાં કુંટણખાના ધમધમતા હોય છે. જેમાં પોલીસ વિભાગ અવારનવાર સપાટો બોલાવી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરે છે. ત્યારે વારસીયા રિંગ રોડ પર આવેલા બેન્કર હાર્ટ ઇન્સ્ટીટ્યુટની બાજુમાં શ્રીજી બાલાજી વિન્ડ ટાવરની- બીમાં આવેલી એચ કે વિલા હોટલમાં કુંટણખાનુ ધમધમે છે તેવી બાતમી વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એમ વસાવાને મળી હતી. જેના આધારે વારસીયા પોલીસની ટીમે બાતમી મુજબના એચ કે હોટલમાં રેડ કરી હતી અને હોટલના રૂમ નંબર 502 તથા 701માંથી લલનાઓ સાથે ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાઇ ગયા હતા. ત્યારબાદ હોટલના અલગ અલગ રૂમોમાં તપાસ કરતા ત્યાંથી પણ પરપ્રાંતિય મહિલાઓ મળી આવી હતી. જેથી મહિલાઓની પુછપરછ કરતા મનિષ જગદીશ ઠક્કર, રોનક તથા મેનેજર રમેશ પટેલ દ્વારા હોટલમાં પરપ્રાંતિય મહિલાઓને બહારથી બોલાવીને દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા હતા. જેથી યુવતીઓ અને મહિલાઓને હોટલમાં રોકીને ગ્રાહકો દીઠ રૂ. 2500થી 3000 હજાર વસૂલ કરતા હતા. ત્યારબાદ યુવતીએ તેમના રૂપિયા આપીને બાકીને રૂપિયાનું કમિશન મારતા હતા. પોલીસે ઝડપી પાડેલા જિતેન્દ્રસિંગ મહેન્દ્રસિંગ ઝિયોન્ટ (રહે. માણેજા) તથા સુરજસિંગ સુરજીતસિંગ કાંબોર (રહે. વાઘોડિયા ડભોઇ રિંગ રોડ) પાસેથી ત્રણ મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે મિનેષ જગદીશ ઠક્કર, રોનક તથા રમેશ પટેલ (મેનેજર)ને વોન્ટડે જાહેર કરી તમામ વિરુદ્ધ ધી ઇમમોરલ ટ્રાફિકિંગ એક્ટ 1956 હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે.
ફેબ હોટેલ્સ સાથે મળીને ઓનલાઈન બુકિંગ કેન્સલ કરી કૌભાંડ
હરણી વિસ્તારમાં રહેતા યુવકે ફેબ હોટલ્સ દ્વારા ઓનલાઇન બુકિંગ કરાવ્યુ હતું
બુકિંગ કરેલા રૂપિયા પણ પરત આપવામાં આવ્યા નહિ
ફેબ હોટેલ્સ નામની ઓનલાઈન રૂમ બૂક કરતી કંપની સાથે મળીને આ હોટલ દ્વારા બુકિંગ કેન્સલ કરી કૌભાંડ આચરવામાં આવતું હોવાની પણ માહિતી મળી રહી છે.
હરણી વિસ્તારમાં રહેતા યુવકનો લગ્ન હોય તેણે ફેબ હોટલ્સ દ્વારા વારસીયા રિંગ રોડ પર આવેલી એચ કે હોટલમાં એક મહિના પહેલા 10 જેટલા રૂમ બુક કરાવ્યા હતા. હોટલ દ્વારા આ બુકિંગ માટે કન્ફર્મેશન પણ આપી દેવામાં આવ્યું હતું. યુવક લગ્ન કરી પરત આવ્યો હતો અને તેમના સંબંધીઓ સાથે એચ કે હોટલ પર ગયો હતો. ત્યારે હોટલવાળા દ્વારા કહેવાયું હતું કે અહીં કોઈ બુકિંગ થયું નથી. ફેબ હોટેલ્સ દ્વારા પણ ટેક્નિકલ ખામી હોવાથી બુકિંગ થયું નથી એમ કહી હાથ ઊંચા કરી દેવાયા હતા. રિફંડ આપવા માટે પણ એચ કે હોટલ અને ફેબ હોટલ બંને દ્વારા ઇનકાર કરી દેવાયો હતો. અડધી રાતે ગ્રાહકે અન્ય હોટેલ બુક કરવી પડી હતી.
હોટલ બુકિંગ કરાવવા માટે ઓનલાઇન ફેબ હોટલ કામગીરી કરી રહી છે. જેમાં ફેબ હોટલ્સ સાથે વડોદરા શહેરની અનેક હોટલ દ્વારા ટાઇઅપ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાહકો ફેબ હોટલમાં ઓનલાઇન રૂમ બુક કરાવે છે ત્યારબાદ તેના સંચાલકો અલગ અલગ હોટલમાં રૂમના બુકિંગનું કન્ફર્મેશ આપતા હોય છે. ફેબ હોટલ દ્વારા ઓનલાઇન હોટલના રૂમ કરવાના બહાને ફ્રોડ કરતી હોય છે. તાજેતરમાં એક પરિવારે એક મહિના પહેલા ફેબ હોટલ્સ દ્વારા વારસીયા રિંગ રોડ પર આવેલા એચ એક હોટલમાં 10 રૂમમાં બુક કરાવ્યા હતા. પરંતુ આ હોટલના સંચાલકો, ફેબ હોટેલ્સ અને તથા મળતિયા દ્વારા પરિવાર સાથે ઠગાઇ કરવામાં આવી છે. પરિવાર જાન લઇને પરત આવ્યો હતો. ત્યારે 30 જેટલા લોકો હોટલ પર આવીને ઉભા રહી ગયા હતા પરંતુ હોટલના સંચાલકો દ્વારા તેમના મેનેજર દ્વારા બુકિંગ કરાવ્યું હોવા છતાં તેમને રૂમ આપ્યા ન હતા અને મોડી રાત્રીના સમયે 30થી 35 લોકોને પરત કાઢવામાં આવ્યા હતા. આથી એચ કે અને ફેબ હોટેલ્સ દ્વારા છેતરપિંડી થઇ હોવાથી તેની સામે ફરિયાદ દાખલ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.