મિલકત વેચી રહ્યા હોય તો તે એફિલેશનનો ભાગ હોવા અંતર્ગત 30 દિવસમાં ખુલાસો કરવાની તાકીદ :
રમેશભાઈ દેસાઈ અથવા ઝબ્બર રીયલ્ટી એલએલપી સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું સીબીએસસીને માલુમ પડ્યું :
( પ્રતિનિધિ )વડોદરા, તા.11
વડોદરા શહેરના અટલાદરા વિસ્તાર સ્થિત વુડા કોલોની પાસે આવેલી ટ્રી હાઉસ સ્કૂલના શાળા સંચાલકોએ તંત્રને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ કે એગ્રીમેન્ટ કરવાની તજવીજ હાથધરી છે. જે બાબત સીબીએસસી બોર્ડને ધ્યાને આવતા તંત્રએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી અને 30 દિવસમાં જવાબ રજૂ કરવાની સૂચના આપી છે.
અટલાદરા વિસ્તારની વુડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ હાઈ સ્કૂલના સંચાલકોને સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને નોટિસ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આપની શાળા અમારી સાથે એક એફિલેશન અંતર્ગત જોડાયેલી છે. જેમાં શાળા સંચાલકોએ વિવિધ કાયદા અને પેટા કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે. શાળાએ તારીખ 1 એપ્રિલ 2022થી તારીખ 31 માર્ચ 2017 સુધી એફિલેસન નંબર 430259 અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને એવી બાબત ધ્યાનમાં આવી છે કે, ટ્રી હાઉસ હાઈ સ્કુલ દ્વારા શાળાની મિલકત વેચવાનો કે તે સંબધિત એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રમેશભાઈ દેસાઈ અથવા ઝબ્બર રીયલ્ટી એલએલપી સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું સીબીએસસીને માલુમ પડ્યું છે. જેથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળા સંચાલકોને આ મામલે નોટિસ ફટકાડી છે અને તેઓએ શાળા જો હકીકતે શાળાની કોઈ મિલકત વેચવાની પ્રક્રિયા કરી હોય તો તેમાં સરકારી વિભાગ સાથે થયેલ કરારનો ભંગ થઈ રહ્યો છે તેવો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે ટ્રી હાઉસ હાઈ સ્કૂલના મેનેજમેન્ટને નોટિસ આપી આગામી 30 દિવસમાં આ અંગે યોગ્ય ખુલાસો કરવાની તાકીદ કરી છે.