માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે પ્રજાના પૈસાનો વેડફાટ :
મુખ્યમંત્રીની ટકોર બાદ પણ સ્માર્ટ અધિકારીઓ માનવા તૈયાર નથી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
રાજ્યના મુખ્યમંત્રીની ટકોર બાદ પણ કોર્પોરેશનના અધિકારીઓ કોઈનું માનવા તૈયાર નથી અને માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે કામગીરી કરતા હોવાનું છાશવારે સામે આવ્યું છે. તેવામાં ફરી એક વખત એક વર્ષ પૂર્વે જ બનાવેલો રોડ ડ્રેનેજની કામગીરી માટે ખોદી નાખવામાં આવ્યો છે. જેથી પ્રજાના પૈસાનો વેડફાટ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ પર એક વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો નવો રોડ ડ્રેનેજના કામ માટે કોર્પોરેશને ખોદી નાંખ્યો છે. અગાઉ પણ ઘણી વખત આ પ્રકારે કામગીરી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી કે, રોડ બની ગયા પછી ડ્રેનેજ અને પાણીના કામો કરાય છે. જેના કારણે નવો બનાવેલો રોડ ખોદી નંખાય છે. એટલે, રોડ બનાવતાં પહેલા આ બધા કામો પુરા કરી લેવા જોઈએ. જેથી ખોટો ખર્ચ ના થાય, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ કોઈનું માનવા તૈયાર નથી. તેઓ પોતાની મરજી મુજબ જ કામ કરતાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
અગાઉ અનેકવાર નવા રોડ ખોદી નાંખી ઈજારદાર દ્વારા અપાતી પાંચ વર્ષની વોરંટી પણ સમાપ્ત કરી દેવાય છે. ત્યારે, હવે વારસિયા રીંગ રોડ પર એક વર્ષ પહેલા જ બનાવેલો નવો નક્કોર રોડ ડ્રેનેજના કામ માટે તોડી નાંખ્યો છે. બીજી તરફ આ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. રોડ બનાવાય છે અને ખોદીને ફરી રોડ બનાવાય છે. જેના કારણે લોકોના મકાનોના લેવલ કરતા રોડનું લેવલ વધી જાય છે. જેથી લોકોના ઘરોમાં વરસાદી માહોલમાં વરસાદી પાણી પ્રવેશી જતા હોય છે. જોકે આ બાબતે આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવતા લોકો અનેક વખત મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. હાલમાં પણ આ કામગીરીના કારણે એક તરફી રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.