પુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં મહેસાણા જિલ્લાના બસ કંડક્ટર સહિત બે લોકો ઠગાયા
વડોદરા તા. 6
મહેસાણાના બસ કંડકટર અને અન્ય વ્યક્તિને કેનેડાના સ્ટુડન્ટ વિઝા બનાવી આપવાનું કહીને વડોદરાની મહિલા એજન્ટ અને આણંદ ના શખ્સ દ્વારા રૂ.16.24 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. વારંવાર કહેવા છતાં વિઝા ન બનાવી આપી તથા રૂપિયા પરત નહીં આપીને તેમની સાથે છેતરપિંડી હાજરી હતી. જેથી બસ કંડક્ટરે બંને ઠગ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
મૂળ મહેસાણા જિલ્લામાં રહેતા કનુજી રાજાજી પરમાર કડી બસ સ્ટેશન ખાતે કંડક્ટર તરીકે નોકરી કરે છે. તેમના પુત્ર દિરપાલસિંહને વધુ અભ્યાસ માટે કેનેડા જવું હતું. જેથી તેઓ પુત્રના સ્ટુડન્ટ વિઝા કઢાવવા માટે એજન્ટની શોધ કરી રહ્યા હતા. જેના માટે તેઓએ પોતાના ભત્રીજા ધવલભાઇને સ્ટુડંટ વિઝા કઢાવવા બાબતે વાત કરી હતી. ત્યારે તેણે મિત્ર દિલીપ શંકર પટેલના ઓળખીતા વિઝાનુ કામ કરતા હોવાનું કહેતા પુત્ર દીરપાલસિંહ અને ભત્રીજા ધવલને આણંદ ખાતે દિલીપભાઈના ઘરે મળવા માટે મોકલ્યા હતા. તેમની સાથે વાત થતા તેઓએ વડોદરાના સમા વિસ્તારમાં અભિલાષા ચોકડી પાસે ગુણાતીત રેસીડેન્સીમાં રહેતા તેમની માનેલા બેન સંગીતાબેન ઓઝડપાયા વિઝા કાઢી આપવાનું કામ કરે છે. તેમની સાથે ઓળખાણ કરાવ્યા બાદ તેઓ વિઝાનું કામ 100 ટકા કરાવી આપશે તેમ કહ્યું હતું. જેથી બસ ડ્રાઇવર પોતાની પત્ની સાથે સંગીતાબેનને મળવા વડોદરા ખાતે તેમના ઘરે ગયા હતા. જ્યાં સંગીતાબેન સાથે સ્ટુન્ડ વિઝાની તમામ વાતચીત કરી પુત્રના તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરાવ્યા બાદ કેનેડા સ્ટુડન્ટ વિઝા કાઢવાનો ખર્ચ રૂ. 15 લાખ થશે. કેનેડાના સ્ટુડન્ટ વિઝા માત્ર છ મહિનામાં આવી જશે તેમ જણાવ્યુ હતું. જેથી તેમને સંગીતાબેન ઉપર વિશ્વાસ આવી જતા તેમના તથા તેમના પુત્રના બેંક ખાતામાથી ઓનલાઇન મારફતે રૂ.10.24 લાખ તથા રોકડા 5 લાખ મળી રૂ.15.24 લાખ મહિલાને આપ્યા હતા. પરંતુ સંગીતાએ પુત્રના સ્ટુડન્ટ વિઝા માટેની કોઈ પ્રોસેસ કરી ન હતી. જેથી મહિલાને વારંવાર વિઝા બાબતે કહેવા છતાં તેણે ખોટા વાયદા આપતી હતી અને રૂપિયા પણ પરત કરતી ન હતી. જેથી કનુજી પરમાર દિલીપભાઈ ને વિઝા નહીં કાઢી આપવા બાબતે વાત કરી હતી ત્યારે તેઓએ જો સંગીતાબેન રૂપિયા નહીં આપે તો હું તમને રૂપિયા ચૂકવી દઈશ તેઓ વાયદો આપ્યો હતો. સંગીતાના સમા વિસ્તારમાં આવેલા મકાનમાં તપાસ કરતા તેણી મકાનને લોક મારીને ફરાર થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું છે. આમ કેનેડાના સ્ટુડન્ટ વિઝા કઢાવી આપવાના બહાને દિલીપ તથા સંગીતાએ ભેગા મળી બસ કંડક્ટર ના રૂપિયા 15.24 લાખ તેમજ સદનામલિંગ જસબીરસિંહ ગાવરીયાના રૂ.1 લાખ મળી 16.24 લાખ પડાવી લીધા હતા. રૂપિયાની વારંવાર માંગણી કરી હોવા છતાં તેઓ પરત આપતા નથી અને વિઝા પણ બનાવી આપતા ન હોય જેથી સંગીતા અને દિલીપ વિરુદ્ધ બસ કંડક્ટરે ઠગાઈની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.