વડોદરા તા.6
વડોદરા શહેરમાં તાજેતરમાં ડિજિટલ એરેસ્ટ નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ અંધેરી ઈસ્ટ પોલીસ સ્ટેશનમાંથી સબ ઇન્સ્પેક્ટર વાત કરું છું, મની લોન્ડરિંગનો 900 થી 1000 કરોડનો ફ્રોડ થયો છે.જેમાં તમારું નામ બહાર આવ્યું છે, તેમ કહી વૃદ્ધ મહિલાને તમારે એરેસ્ટ ના થવું હોય તો ફંડ ચેક કરાવવું પડશે. તમે ડરશો નહીં તમારા રૂપિયા તમને પેનલ્ટી સાથે પરત મળશે એમ કહીને વૃદ્ધા પાસેથી ટુકડે ટુકડે કરીને રૂપિયા 60.35 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જે રૂપિયા આજ દિન સુધી તેમને પરત નહીં મળતા વૃદ્ધાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગો વિરુદ્ધ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા નિલા હેમેંદ્ર ઠક્કરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત 22 ઓક્ટોબર ના રોજ મને એક અજાણ્યા મોબાઇલ નંબર પ૨થી ફોન આવ્યો હતો. જેમાં તેણે મને પોતાનું નામ રોહન શર્મા છે અને હું અંધેરી ઇસ્ટ પોલીસ સ્ટેશનમાથી સબ-ઇસ્પેક્ટર વાત કરું છુ એમ કહ્યું હતું. રવિશંકર નામના વ્યક્તિએ મની લોડરિંગ માટેનો 900 થી 1000 કરોડનો ફ્રોડ કર્યો છે અને એક એસબીઆઈ બેંકમા બેંક એકાઉન્ટ ખોલાવ્યુ છે. બાદમાં મને તે ખાતા નંબર લખાવ્યો હતો અને જણાવ્યું હતું કે તે એકાઉન્ટ ફ્રોડનુ છે જેમા ફ્રોડના રુપિયા 7 કરોડ ઉપાડયા છે અને અમે તેને 7 ઓગસ્ટ ના રોજ પકડયો છે. જેને પકડતા તમારા વિશેની માહિતી મળી છે. બાદમાં મને પુછયુ કે તમે રવિશંકર ને ઓળખો છો? તમે કોઈ બેંકમા ખાતુ ખોલાવેલ છે ? તમે તમારા આધારકાર્ડની માહિતી તેઓને આપી છે? જેથી મે તેઓને કહ્યું કે કોઈ માહીતી આપી નથી કે મારું કોઇ એકાઉંટ મુંબઈ ખાતે નથી. ત્યારબાદ તેઓએ જણાવ્યુ કે, તમારો મેલ હુ ટ્રાન્સફર કરું છું. જે કેસ ED Departmentમાથી વિક્રમસિંહ રાજપુત હેન્ડલ કરે છે. 22 ઓક્ટોબરના રોજ વોટ્સએપ પર હાઈ મેસેજ બાદ વિડીયો કોલ આવ્યો હતો. જેમા સામાવાળાનો ફેસ મને દેખાતો ન હતો અને જેનુ નામ વિક્રમસિંહ રાજપુત જણાવી મને પુછયુ હતું કે, તમે મની લોન્ડરિંગ વિશે જાણો છો? તમારી પાસે કોઈ એવિડંશ છે કે તમે આ એકાઉટ વિશે કે કેસ વિશે જાણતા નથી. તમે પુરાવાઓ આપી પુરાવા વગર અમે તમને નિર્દોશ સાબિત ન કરી શકીએ અને તમારે દર એક કલાકે Everything is ok લખવાનુ રહેશે અને સવારે ઉઠીને પણ મેસેજ કરવાનો રહેશે.
23 ઓક્ટોબરના રોજ વિક્રમસિંહ જણાવ્યું હતું કે તમારે એવિડંસ માટે પ્રોસીક્યુટર આસિસ્ટંટ ડીરેક્ટર નિરજકુમાર સાથે વાત કરવી પડશે. જેથી મને એક મોબાઇલ નંબર મોકલ્યો હતો. જેથી મે નિરજકુમારને મેસેજ કરતા બાદ વિડીઓ કોલ કર્યો હતો પણ સ્ક્રીન ઓફ રાખી હતી. જેમા મને એવિડન્સ આપવા માટે જણાવી મને એરેસ્ટ વોરંટ પણ બતાવ્યુ હતું. જેથી મને કહ્યું કે જો તમારે એરેસ્ટ ન થવું હોઈ તો એક ફંડ્સ ચેકિંગ કરવું પડશે અને તમારે ડરવાની જરૂર નથી તમારા રૂપિયા તમને પેનલ્ટી સાથે પરત મળશે. ત્યારબાદ મારી પાસેથી રોકડા તથા ચેકથી રૂપિયા 60.35 લાખ પડાવી લીધા હતા. પરંતુ આજદિન સુધી રૂપિયા પરત નહીં મળતા સાયબર ક્રાઇમ પોલીસની મદદ મેળવી છે. પોલીસ દ્વારા ભેજાબાજોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.