SURAT

કોરોનાકાળમાં આવેલા કેન્દ્રીય બજેટમાં સુરતના ટેક્સટાઇલ ડાયમંડ અને જરી ઉદ્યોગને મોટી રાહતની અપેક્ષા

મોદી સરકાર-2 નું કોરોનાકાળ દરમિયાનનું આશાઓ અને અપેક્ષાઓ સાથેનું કેન્દ્રીય બજેટ આવતીકાલે રજુ થવા જઇ રહ્યુ છે. તેને લઇને સુરતના ટેક્સટાઇલ,ડાયમંડ અને જરી ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો પ્રોત્સાહન અને રાહતની મોટી અપેક્ષા રાખી રહ્યા છે. 2014 પછી નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યા તેમા સુરતના આ ઉદ્યોગો માટે કોઇ મોટી રાહતો જાહેર કરવામાં આવી નહતી. તેનાથી વિપરીત એક્સપોર્ટમાં ડ્યૂટી ડ્રો બેક અને ઇન્સેન્ટિવની રાહતો ઘટાડી દેવામાં આવી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ફિઆસ્વી, ફોગવા અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. જ્યારે હીરા ઝવેરાત ઉદ્યોગ માટે જીજેઇપીસી દ્વારા નાણામંત્રી અને વાણિજ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી છે.

ફિઆસ્વીના ચેરમેન ભરતગાંધીએ જણાવ્યું હતું કે વિવિંગ ઇન્ડસ્ટ્રીની મુખ્ય માંગ છે કે પોલિયેસ્ટર, નાયલોન અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન વિવિંગ ઉદ્યોગને વૈશ્વિકભાવે મળવા જોઇએ એટલુ જ નહીં ટેક્સટાઇલના રો- મટીરિયલ્સ યાર્ન પર એન્ટીડમ્પિંગ ડ્યૂટી લાગવી ન જોઇએ, વિયેતનામાથી ઇમ્પોર્ટ થતા ફેબ્રિક્સ પર 10 ટકા બેઝિક ડ્યૂટી લાગવી જોઇએ. ટેક્સટાઇલમાં જુદી-જુદી પાવર ટેરિફ પોલીસી ચાલી રહી છે. તેને બદલે એકજ નેશનલ પાવર ટેરિફ પોલીસી હોવી જોઇએ. વિવિંગ અને પ્રોસેસિંગ ક્ષેત્રે ઇમ્પોર્ટેડ મશીનરી અને સ્પેર પાર્ટસ ઉપરની ડ્યૂટી ઘટાડવી જોઇએ.વિવિંગ અને પ્રોસેસિંગ ક્ષેત્રે ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ હેઠળ 40 ટકા જેટલી કેપિટસ સબસીડી મળવી જોઇએ. અંતરરાષ્ટ્રીય બજારમાં ડિઝાઇન ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

ડોમેસ્ટિક એક્સપોર્ટરોને ડિઝાઇન ટ્રેન્ડની માહિતી મળી રહે તે માટે ભારતના મુખ્ય ટેક્સટાઇલ શહેરો સુરત, સેલમ,ભિવંડી,બેંગ્લૂરૂ અને તિરૂપુરમાં કોમન ડિઝાઇન સેન્ટર ઉભા કરવા જોઇએ. ભરત ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ટેક્નિકલ ટેક્સટાઇલ સુરત અને ભારત માટે સનરાઇઝ સેક્ટર બની રહ્યુ છે. અત્યારે તેનું વૈશ્વિક બજાર 82 બિલિયન યુ.એસ ડોલર છે. જેમાં ભારતનો હિસ્સો માત્ર 0.60 ટકા જેટલો છે. આઇટીટીએ જે ફિઆસ્વી દ્વારા દસ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યુ હતુ. તે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટેક્નિકલ ટેક્સટાઇલ, એન્ટિ માઇક્રો, હોસ્પિટલ ટેક્સટાઇલ અને જિયો ટેક્સટાઇલમાં સ્થાપિત થવા જોઇએ. સુરતના જરી ઉદ્યોગ દ્વારા રીયલ જરી અને ઇમિટેશન જરી પર પાંચ અને 12 ટકા જીએસટી દર લાગુ પડે છે તેને એક સમાન પાંચ ટકા ટકા દર લાગુ કરવા માંગ કરવામાં આવી છે. તે ઉપરાંત ઇમિટેશન જરીને એક્સપોર્ટ કરવા સરકાર પ્રોત્સાહન આપે તેવી માંગ પણ કરવામાં આવી છે. તથા સિલ્ક બોર્ડની જેમ જરીના રો મટીરિય્લસ માટે સરકાર રાહત આપે તેવી પણ રજૂઆત કરાઇ છે.

ચેમ્બરએ બજેટ પહેલા સરકાર સમક્ષ આ માંગણીઓ રજૂ કરી

  • લોકડાઉન પછી યાર્ન ઉત્પાદકો દ્વારા મોટા પ્રમાણમાં યાર્નના ભાવ વધારવામા આવ્યા છે. તેને નીચે લાવવાની જરૂર છે.
  • ભારતમાં ચાઇના વિરૂધ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. તેનો લાભ ભારતને જેટલો મળવો જોઇએ તેના કરતા વધુ લાભ વિયેતનામ અને બાંગ્લાદેશ લઇ રહ્યા છે
    -પાવરલૂમ ક્ષેત્ર માટે બજેટમાં આરએન્ડડી ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે સ્પેશલ ફંડ ફાળવવુ જોઇએ.
  • લેબર ફોર્સને સાચવવા માટે તેમના વસવાટ માટે સરકારની મદદથી કાયમ ક્વાટર્સ બનાવવાની જરૂર છે.
  • ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે ભારતમા ચીનથી મોટાપાયે ફેબ્રિક્સ આવી રહ્યુ છે. ટેક્સટાઇલમાં જુદા-જુદા રાજ્યો પાવર સબસીડી આપતા હોવાથી મોટો આર્થિક બોજો રાજ્ય પર આવે છે તે જોતા કેન્દ્ર સરકારે સ્પેશલ પાવર પોલિસી બનાવવી જોઇએ. જેથી પ્રોડક્ટ કોસ્ટ 50 ટકા સુધી ઘટાડી શકાય.
  • જીએફઆરઆરસીના ચેરમેન ગિરધર ગોપાલ મૂંદડાએ માંગ કરી હતી કે ભારત સરકાર ઝડપથી યુરોપિયન યુનિયન સાથે બ્રોડ બેઇઝ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ(બીટીઆઇએ) તરફ આગળ વધે તથા જે દેશોને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો છે. તેના પર પુન: વિચાર કરે અને ફાઇબર ન્યૂટ્રલ ટેક્સ પોલિસી લાવે.
  • ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે હબ બનાવવા માટે સ્મૃતિ ઇરાની સમક્ષ માંગણી કરી છે કે સુરતમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઘણી વિકસી છે પણ એસએમઇ સેકટરની કંપનીઓને સરકાર તરફથી વધુ સગવડો આપવાની જરૂર છે. સુરતથી ડાયમંડ એક્ષ્પોર્ટ થાય છે ત્યારે ગુડ્‌ઝ કરતા વધારે વેલ્યુ કસ્ટમ ડયુટીની લાગે છે. આથી સેમ્પલીંગ મોકલવા માટેની સગવડ ઉભી કરવાની જરૂર છે.
    -પાવરટેક્ષ સ્કીમ જે ૩૧ડિસેમ્બર, ર૦ર૦ના રોજ પુરી થઈ ગઈ છે તેને વધુ પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવે.
    -એ-ટફ સ્કિમની અંદર ઘણા સુક્ષ્મ ઉદ્યોગો સમયસર અરજી આપી શકયા ન હતા તો તેઓને પણ પાછલી અસરથી અરજી કરવાની છુટ આપવામાં આવે.
    -એ-ટફમાં એક બીજી સમસ્યા એ છે કે, બીલ ઓફ એન્ટ્રી અથવા કોમર્શીયલ ઈન્વોઈસની તારીખ, લોનની સેંકશનની તારીખથી જુની હોય તો તેની સબસીડી મંજુર થતી નથી. આ પોલીસી મેટરનો મુદો હોવાથી આ અંગે આપનું માર્ગદર્શન મળે.
  • ફાયનાન્સ અને કોમર્સ મિનિસ્ટ્રી જોડે કેટલાંક મુદાઓ જેવા કે, જી.એસ.ટી. લાગુ થવા પહેલા ઈ.પી.સી.જી. લાયસન્સ હોલ્ડર દ્વારા કાઉન્ટર વેલીંગ ડયુટી / સ્પેશ્યલ એડીશનલ ડયુટી જે ભરેલ છે તેની ક્રેડીટ મળે.
    -વિએતનામ અને બાંગ્લાદેશથી આયાત થતા સસ્તા કાપડ ઉપર બેઝીક કસ્ટમ ડયુટી વધારવી.
    -હાલમાં વોર્પ નીટીંગ ક્ષેત્રે કન્સેશનલ કસ્ટમ ડયુટીનો લાભ લઈ મશીનરી મંગાવનારાઓ ઉપર ડી.આર.આઈ. દ્વારા કડક પગલાં લેવાઈ રહયા છે, તેમા જેન્યુઈન ઉદ્યોગકારોને રાહત મળે.
    -છેલ્લા ર વર્ષથી ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી તકલીફમાં હોવાથી પોતાનું એક્ષ્પોર્ટ ઓબ્લીગેશન પુર્ણ કરી શકયા નથી. તેમના માટે ‘એમ્નેસ્ટી સ્કીમ’ અમલમાં આવે.
    -ટેક્ષ્ટાઈલના લઘુ ઉદ્યોગો સોલર પાવરનો ઉપયોગ કરી પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને એક કોમન સોલર પોલીસી ફોર ટેક્ષ્ટાઈલ બનાવવામાં આવે.
    -કેન્દ્ર સરકારે જાહેર કરેલી પી.એલ.આઈ.સ્કીમ તથા નેશનલ ટેકનીકલ ટેક્ષ્ટાઈલ મિશનની ગાઈડલાઈન્સ સત્વરે જાહેર કરવી તથા કેન્દ્ર સરકાર દ્વારા નવી જાહેર થનાર નેશનલ ટેક્ષ્ટાઈલ પોલીસીમાં ૩૦% કેપીટલ સબસીડી મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે.

હીરા ઝવેરાત ઉદ્યોગ માટે જીજેઇપીસીએ નાણામંત્રી સમક્ષ આ રજૂઆતો કરી
કોરોનાકાળમાં મંદીથી પીડાઈ રહેલા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને બજેટમાં બુસ્ટર ડોઝ આપવા માટે જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ અને વાઇસ ચેરમેન વિપુલ શાહે ઇન્ડસ્ટ્રીને વેગ મળે તે માટે કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામનને પ્રી-બજેટ ભલામણો મોકલી છે. સાથે સાથે બજેટ પહેલા સરકારે લીધેલા પગલાઓની પ્રશંસા કરી છે. રિપેમેન્ટ ઓૅફ એક્સપોર્ટ ક્રેડિટની મુદ્દત 15 માસ અને ગોલ્ડ લોનની મુદ્દત 6 મહીના કરવાના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. નાણામંત્રી સમક્ષ જે માંગણીઓ કરવામાં આવી તેમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 7.5 ટકાથી ઘટાડી 2.5 ટકા કરવી. પ્રેસિયસ મેટલ્સ ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડી 4 ટકા કરવી.

ઓનલાઇન હીરાના પ્રદર્શનમાં થતી હરાજીમાં 2 ટકા લેવીની વસૂલાત મામલે સ્પષ્ટતા, મુંબઇના સ્પેશલ નોટિફાઇડ ઝોનમાં રફ ડાયમંડના વેચાણ સામે ટેક્સેસનમાં છૂટને લગતી સ્પષ્ટતા, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં ઇ-કોમર્સને પ્રોત્સાહન, સીએફસી સેન્ટરની સ્કીમ પાંચ વર્ષ લંબાવવી જોઇએ અને ટફ સ્કીમનો લાભ આ સેક્ટરને પણ મળવો જોઇએ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને આઇટીસ રિફંડ સમયસર મળવો જોઇએ તેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા ઓનલાઇન વેપાર પર વસુલવામાં આવતી 2 ટકા લેવીમાથી હીરા ઉદ્યોગને બાકાત રાખવા માંગ કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top