છાપરા બહાર વૃદ્ધા સુતા હતા તે સમયે બે અજાણ્યા લૂંટારૂ ત્રાટક્યા
(પ્રતિનિધિ) આણંદ તા.2
નડિયાદના ચકલાસી ગામમાં છાપરા બહાર સુઇ રહેલા વૃદ્ધાએ પહેરેલા 1.70 લાખના દાગીનાની બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂઓએ દાગીના ખેંચતા વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધ્યો હતો.
નડિયાદના દેવકાપુરામાં રહેતા જાનાબહેન સોડાભાઈ જોગરાણા છેલ્લા કેટલાક સમયથી તેમના ભાણીયા રાહુલ લાલાભાઈ મીર સાથે રહે છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે. દરમિયાનમાં 30મી નવેમ્બરની રાત્રે જાનાબહેન છાપરાની બહાર ખાટલામાં સુતા હતાં. પરંતુ મોડી રાતના એકાએક કોઇ શખ્સે તેમનું મોંઢુ દબાવી દેતા તેઓ જાગી ગયાં હતાં. તેમણે જોયું તો બે અજાણ્યા શખ્સો હતાં. જેમાં એક શખ્સે મોઢું દબાવી દીધું હતું અને બીજાએ કાનમાં પહેરેલા દાગીના ખેંચીને કાઢવા લાગ્યો હતો. જેના કારણે કાનમાં ગંભીર ઇજા પહોંચતા લોહી નિકળવા લાગ્યો હતો. આ શખ્સોએ દાગીના ખેંચી ભાગી ગયાં હતાં. બાદમાં વ્હેલી સવારે જાનાબહેને રાહુલને વાત કરતાં તેઓએ અન્ય પરિવારજનોને જાણ કરી હતી અને જાનાબહેનને તાત્કાલિક સારવાર માટે ચકલાસી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં.
આ અંગે જાનાબહેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મજબૂત બાંધાનો અને એક પાતળા બાંધાનો હતો. આ બન્નેએ મોઢા પર રૂમાલ બાંધેલા હતા. જેથી ચહેરો સ્પષ્ટ જોઇ શકાયો નહતો. જેઓ સોનાના વેડલા 6, સોનાની પોખવાની 2, કાનમાં પહેરવાના સોનાના કોકરવા મળી કુલ રૂ.1.70 લાખના દાગીના લૂંટી ભાગી ગયાં હતાં. આ અંગે ચકલાસી પોલીસે બે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.