Editorial

આઇપીએલમાં એકપણ ખેલાડીની બોલી નહીં લગાવીને બાંગ્લાદેશને સટિક જવાબ આપી દેવાયો છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025માં બાંગ્લાદેશનો કોઈ પણ ક્રિકેટર નહીં હોય. 2022 પછી આવું પહેલી વખત એવું બન્યું છે, જ્યાંરે બાંગ્લાદેશનો કોઈ પણ ક્રિકેટર આઈપીએલનો ભાગ નહીં બની શકે. આ વખતે 13 બાંગ્લાદેશી ખેલાડી હરાજી માટે ઉપલબ્ધ હતા પરંતુ તેમના પૈકી કોઈ પણ ખેલાડીના નામ પર બોલી લગાવવામાં આવી નથી. બાંગ્લાદેશ અને ભારતના સંબંધોમાં અવિશ્વાસનો માહોલ છે, ત્યારે બાંગ્લાદેશના ખેલાડીની બોલી ન લાગવાની સ્થિતિને કેટલાક લોકો બંને દેશો વચ્ચેના તણાવ સાથે પણ જોડી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર દક્ષિણપંથી વિચારધારા સાથે જોડાયેલા કેટલાક લોકો આ મામલાને મોદી સરકાર સાથે પણ જોડી રહ્યા છે. બીસીસીઆઈ કે આઈપીએલે બાંગ્લાદેશના ખેલાડીઓ પર બોલી ન લાગાવવા વિશે કોઈ પણ ટીપ્પણી કરી નથી. પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીએ આ મામલો કાર્યક્ષમતા સાથે જોડાયેલો હોવાનું કહ્યું છે. એક યુઝરે લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે જે થઈ રહ્યું છે, તેને લઈને આઈપીએલ ટીમોના માલિકો બાંગ્લાદેશના ખેલાડીઓની બોલી લગાવવાને લઈ સજાગ હતા.’ 2025માં આઈપીએલની હરાજી માટે 1574 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

તેમાંથી 574 ખિલાડીઓને 10 ટીમો દ્વારા શૉર્ટલિસ્ટ કરાયા હતા. આ 574 માંથી 208 ખિલાડી વિદેશી હતા. 2008માં મુંબઈમાં ચરમપંથી હુમલો થયો હતો અને ત્યાર પછી ભારત અને પાકિસ્તાનના રાજનૈતિક સબંધો સિવાય બીજા સબંધો પણ ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. આમાં ક્રિકેટ સાથે જોડાયેલા સબંધો પણ વણસી ગયા હતા. ત્યારથી જ બીસીસીઆઈએ પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલમાંથી બાકાત કરી દીધા હતા. 2025માં આઈપીએલની હરાજીમાં બાંગ્લાદેશના 13 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ખાલી બે રિશદ હુસૈન અને મુસ્તફિરઝુર રહેમાન શૉર્ટલિસ્ટ થયા હતા પરંતુ બંનેમાંથી કોઈની પણ બોલી લાગી ન હતી.

રિશદે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સારુ પ્રદર્શન કરી 14 વિકેટ લીધી હતી. પરંતુ મુસ્તફિઝુરની બોલી ન લાગી તે થોડું આશ્ચર્ય પમાડે છે. મુસ્તફિઝુરે આઈપીએલની સાત સિઝનમાં ભાગ લીધો છે અને અલગ-અલગ પાંચ ટીમો સાથે મૅચો રમી છે. છેલ્લી આઈપીએલમાં તેઓ ચેન્નઈ સુરરકિંગ્સ વતી બૉલિંગ કરતા તેમણે 9 મૅચમાં 14 વિકેટ લિધી હતી. તેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી પરંતુ કોઈએ બોલી ન લગાવી. બાંગ્લાદેશના શાકિબ-અલ-હસન લાંબા સમય સુધી આઈપીએલનો ભાગ રહ્યા હતા. ગત વર્ષે મિની ઑક્શનમાં કોઈએ તેમની બોલી ન લગાવી અને આ વર્ષે તો તેમને શૉર્ટલિસ્ટ પણ ન કરાયા. બાંગ્લાદેશના કોઈ પણ ખેલાડી આઈપીએલમાં જગ્યા ન બનાવી શક્યા પણ હરાજીમાં અફઘાનિસ્તાનના ખિલાડીઓની બોલબાલા રહી છે. હાલ ભારત અને બાંગ્લાદેશના સબંધમાં અવિશ્વાસ વ્યાપી ગયો છે.

ચટગાંવમાં ઇસ્કૉન મંદિરના ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને મંગળવારે રાજદ્રોહના કેસમાં જેલ મોકલવામાં આવ્યા છે. ત્યાર બાદ ભારતએ નિવેદનમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત બીજા લઘુમતિઓ પર આ દિવસોમાં હુમલાઓ વધ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થતા અત્યાચાર અને ઈસ્કોનના પૂર્વ વડા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં કોલકાતાની એક હોસ્પિટલે મોટી જાહેરાત કરી છે. હકિકતમાં, કોલકાતામાં માણિકતલ્લામાં સ્થિત જેએન રોય હોસ્પિટલે અનિશ્ચિત સમય માટે બાંગ્લાદેશી નાગરિકોની સારવાર બંધ કરી દીધી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને ભારતના અનાદર બદલ આ નિર્ણય લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવવા પાછળ જમાતે ઇસ્લામનો હાથ છે પરંતુ પડદા પાછળ પાકિસ્તાન પણ સક્રિય હતું અને પાકિસ્તાન તેના મલિન ઇરાદામાં સફળ પણ રહ્યું છે. જે બાંગ્લાદેશ પાકિસ્તાનનો સતત વિરોધ કરતું આવ્યું છે તેણે આ વખતે મોહંમદ અલી ઝીણાની જન્મ જંયતિ પણ ઉજવી છે તે પણ આશ્વર્ય પ્રમાણે તેવી બાબત છે. એટલું જ નહીં પાકિસ્તાને પણ બાંગ્લાદેશીઓ માટે વીઝા ફ્રી કરી નાંખ્યા છે અને બંને વચ્ચે 1971 બાદ સમુદ્ર વ્યવહાર પણ શરૂ થયો છે. કોઇ બે દેશ વચ્ચે સંબંધ સુધરે તેમાં ભારતને કોઇ વાંધો હોઇ ના શકે પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય તેનો જવાબ તો ભારતીયો આપશે જ. ભારતની એક પણ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલમાં બાંગ્લાદેશનો એક પણ ખેલાડી નહીં લીધો તે તેનું ઉદાહરણ છે.

Most Popular

To Top