Vadodara

વડોદરા : અમદાવાદ તથા ગોધરા તરફથી આવતી બસો હવે અમિતનગરથી અવરજવર કરી શકશે

વડોદરા તારીખ 1
વડોદરા શહેરના સમા તળાવ પાસે આવેલા એબેક્સ સર્કલ પર નવીન ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. એસટી સહિતના વાહનો માટે આ રોડ પરથી પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હતી. જેના કારણે એસટી બસ એરપોર્ટ સર્કલ પાસેથી મુસાફરો ભરતી હોય ત્યાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતિ હતી. જેથી હવે સરકારી બસો માટે જાહેરનામામાં સુધારો કરાયો છે. હવે અમદાવાદ તથા ગોધરા તરફથી આવતી જીએસઆરટીસીની બસો ગોલ્ડન બ્રિજથી વાયા જુના જકાતનાકા થઈને અમિતનગર બ્રિજ નીચેથી અવર જવર કરી શકશે.

વડોદરા શહેરના સમા તળાવ (એબેક્સ) જંકશન પર નવીન ફ્લાય ઓવર બ્રીજની કામગીરી હાલ ચાલુ છે. 21 નવેમ્બરના રોજ પ્રસિધ્ધ થયેલા જાહેરનામા મુજબ તમામ પ્રકારના ભારદારી વાહનો, એસ ટી.બસ, શહેરી વિટકોસ બસો દુમાડ બ્રિજ નીચેથી ગોલ્ડન બ્રિજ થઈ, હરણી રોડ, ગદા સર્કલ, હરણી જુના જકાતનાકા સર્કલ, માણેકપાર્ક સર્કલ,અમિતનગર બ્રિજ થઇ જે તે તરફ જવાનું હોય છે. જ્યારે પરત જતી વખતે તેજ રૂટ પર અવર-જવર કરવાની રહે છે. જાહેરનામા મુજબ વડોદરા શહેરથી અમિતનગર, સમા થઇ, અમદાવાદ તરફ જતી આશરે 600 બસો તેમજ વડોદરા શહેરથી ગોધરા તરફ જતી આશરે 400 બસો મળી 1000 જેટલી બસો અમિતનગર બસ સ્ટેન્ડથી પેસેન્જર લઇ માણેકપાર્ક સર્કલ જતાં, તે માણેકપાર્ક સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવે છે. તદ્દઉપરાંત અમિતનગર સ્ટેન્ડના મુસાફરોએ ફરજીયાતપણે માણેકપાર્ક સર્કલ જવાની પરિસ્થિતી થતા અગાઉના જાહેરનામાંના રૂટમાં આંશીક સુધારો કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમ્યાન શહેરીજનોને અગવડ ન પડે અને ટ્રાફિક યોગ્ય રીતે ટ્રાફિકનું સંચાલન થાય તેવા હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તારીખ 2 ડિસેમ્બરથી બે વર્ષ સુધી અથવા એબેકસ સર્કલ પર નવીન બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સુધારા જાહેરનામુ અમલમાં રહેશે. GSRTC ના વાહનો દુમાડ બ્રિજથી સમા કેનાલ ત્રણ રસ્તા થઇ, એબેક્સ સર્કલ થઇ અમિતનગરબ્રિજ નીચેથી અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જ્યારે વૈકલ્પિક રૂટ પણ તૈયાર કરાયા છે. આવા વાહનો દુમાડ બ્રિજ, દેણા બ્રિજ નીચેથી જમણી બાજુ વળી, શહેરમાં પ્રવેશ કરી મોટનાથ મહાદેવ રોડ, ડમરૂ સર્કલ ગદા સર્કલ હરણી જૂના જકાતનાકા સર્કલથી જમણી બાજુ વળી, મેટ્રો હોસ્પિટલ રોડ ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી, અમિતનગર બ્રિજ નીચે થઇ અવર-જવર કરી કરશે. અમિતનગર બ્રિજ નીચેથી ઉર્મિ બ્રિજ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી,મેટ્રો હોસ્પિટલ રોડ, હરણી જુના જકાતનાકા સર્કલથી ડાબી બાજુ વળી ગદા સર્કલ ડમરૂ સર્કલ મોટનાથ મહાદેવ રોડ, દેણા બ્રિજ નીચેથી જે તે તરફ જઇ શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂટ ફક્ત GSRTCના વાહનો જ ઉપયોગ કરી શકશે બાકીના તમામ પ્રકારના ભારદારી વાહનો અમિતનગર બ્રિજ તરફથી આવે ત્યારે ઉપરોકત રૂટના બદલે માણેકપાર્ક સર્કલથી હરણી રોડ, હરણી જુના જકાતનાકા સર્કલ ગદા સર્કલ ગોલ્ડન બ્રિજ થઇ જે તે તરફ જઇ શકશે. બાકીના તમામ ડાયવર્ઝન જુના જાહેરનામા મુજબ જ રહેશે.

Most Popular

To Top