રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવિદાન સમારોહમાં સહભાગી થશે મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૩૦ને શનિવારે વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા શહેરના નાગરિકોને રૂ. ૬૧૬.૫૪ કરોડના વિવિધ ૭૭ કામોને ભેટ આપવાના છે. આ ઉપરાંત રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ વિશ્વ વિદ્યાલયના પદવિદાન સમારોહમાં પણ સહભાગી થશે.
પૂર્વનિર્ધારિત કાર્યક્રમો મુજબ મુખ્યમંત્રી અકોટા સ્થિત સયાજી નગરગૃહમાં ૨.૪૫ વાગ્યે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સમારોહમાં પહોંચશે. અહીં તેઓ રૂ. ૩૫૩.૬૪ કરોડના ૩૬ વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૨૬૨.૯૧ કરોડના ખર્ચથી નિર્માણ થનારા જનસુવિધાના ૪૧ કામોનું ખાતમુહૂર્ત કરશે.
આ વિકાસ કામોમાં સૌથી વધુ રૂ. ૧૭૬ કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને ૧૪૩.૭૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઇટ, હાઉસિંગ, માર્ગો, બિલ્ડિંગ, બ્રિજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામોની ભેટ પણ આપવાના છે. આ વિકાસ કામોથી વડોદરા શહેરના નાગરિકોની સુખસુવિધામાં વૃદ્ધિ થશે.
આ ઉપરાંત કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવિદાન સમારોહમાં સહભાગી થશે. આ સમારોહ આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં સાંજે ચાર વાગ્યાથી યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી વડોદરામાં કાર્યાન્વિત થયેલી ગતિશક્તિ યુનિવર્સિટીના આ વખતના પદવિદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૨૩૯ છાત્રોને પદવિ એનાયત થશે. તેમાંથી ૨ વિદ્યાર્થિની અને ૩ વિદ્યાર્થીને સુવર્ણ પદક એનાયત કરવામાં આવશે.
મેયર, સાંસદ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે ઉક્ત બન્ને કાર્યક્રમમાં જોડાશે.
૦૦૦
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને રૂ. ૬૧૬ કરોડના વિકાસ કામોની આપશે ભેટ
By
Posted on