Editorial

અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો

દેશ આઝાદ થયો ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી દેશમાં જાતિ કે પછી સામાજિક રીતે પછાત વ્યક્તિને અનામતનો લાભ આપવામાં આવી રહ્યો છે. ભારતના બંધારણમાં અનામતની જોગવાઈ આર્થિક તેમજ સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગોને ન્યાય મળી શકે તે માટે કરવામાં આવી હતી. પરંતુ અનામતની જોગવાઈનો કેટલાક લેભાગુઓ દ્વારા ગેરલાભ પણ લેવામાં આવે છે. અનામતનો લાભ લેવા માટે જાતિ બદલી નાખવી, અટકો બદલી નાખવીથી માંડીને આવકના ખોટા પુરાવા મુકવા સુધીના તો અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં પકડાઈ ચૂક્યા છે પરંતુ અનામતનો લાભ લેવા માટે ધર્મ પરિવર્તન કરી નાખવામાં આવે તેવા કિસ્સાઓ પણ બની રહ્યા છે.

ઘણી વખત વિકલાંગતા દર્શાવીને પણ અનામતનો ગેરલાભ લેવામાં આવે છે. તાજેતરમાં એક આઈએએસનો પણ આવો કિસ્સો પકડાયો હતો અને તેની પર સજાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ખોટી રીતે અનામતનો લાભ લેનારાઓ પૈકી ખૂબ ઓછી વ્યક્તિઓ છે કે જે પકડાય છે. જોકે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અનામતનો લાભ લેવા માટે કરાયેલા ધર્મપરિવર્તન મામલે આપેલો ચુકાદો એક સીમાચિન્હ છે.

આ ઘટના એવી છે કે એક મહિલા દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવામાં આવ્યો હતો અને બાદમાં નોકરીમાં અનામતનો લાભ લેવા માટે તેના દ્વારા હિન્દુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં મદ્રાસ હાઈકોર્ટે તેના દાવાને કાઢી નાખવામાં આવ્યો હતો. જેની સામે આ મહિલાના એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર તેમજ મહિલા તરફે એડવોકેટ્સ દ્વારા દલીલો કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં તા.26મી નવેમ્બરના રોજ આ મહિલા હિન્દુ હોવાનો દાવો નકારી કાઢવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ આર મહાદેવને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. બેન્ચે કહ્યું, “કોઈ વ્યક્તિએ ત્યારે જ ધર્મ સ્વીકારવો જોઈએ જ્યારે તે તે ધર્મના મૂલ્યો, વિચારો અને માન્યતાઓથી પ્રેરિત હોય.” માત્ર અનામતનો લાભ લેવા માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન બંધારણ સાથે વિશ્વાસઘાત છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમારી સમક્ષ મૂકવામાં આવેલા પુરાવાના આધારે, બેન્ચે કહ્યું કે અરજદારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને તે નિયમિતપણે ચર્ચમાં જાય છે, એટલે કે તે ધર્મનું પાલન પણ કરી રહી છે, પરંતુ બીજી તરફ તે દાવો કરી રહી છે. કે તે હિંદુ છે તે બે દાવા કરી રહી છે. બાપ્તિસ્મા પછી હિન્દુ હોવાનો દાવો કરી શકાય નહીં.  સુપ્રીમ કોર્ટે એ ટિપ્પણીઓ પણ કરી હતી કે જ્યારે ખરેખર તમને વિશ્વાસ હોય ત્યારે જ ધર્મપરિવર્તન કરો, જો ધર્મ પરિવર્તનનો ઉદ્દેશ્ય અનામતનો લાભ લેવાનો હોય, પરંતુ વ્યક્તિને તે ધર્મમાં વિશ્વાસ ન હોય તો તેને મંજૂરી આપી શકાય નહીં. આવી સ્થિતિમાં તેનાથી અનામત નીતિ અને સામાજિક પ્રકૃતિને જ નુકસાન થાય તેમ છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ખૂબ જ મહત્વનો છે.

દેશમાં અનેક વખત અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવામાં આવે છે પરંતુ તેનાથી મૂળ અનામતના ઉદ્દેશને નુકસાન થાય છે. જોકે, અનામતની અન્ય જે જોગવાઈઓ છે તેમાં પણ સંશોધન જરૂરી છે. ઓબીસી કે પછી ઈડબલ્યુએસમાં અનેક કિસ્સાઓમાં આવકના ખોટા પુરાવાઓ મુકીને અનામતનો લાભ લેવામાં આવે છે. આદિવાસી જેવી અટકો અપનાવીને પણ અનામતનો લાભ લેવામાં આવે છે. કેટલાક લોકો દ્વારા દલિતો જેવી અટકો અપનાવીને પણ અ્નામતનો લાભ લેવામાં આવે છે. અનામતના મામલે વિવિધ જોગવાઈઓમાં સરકારે સઘન સંશોધન કરીને તપાસ કરવી જરૂરી છે. જો તેમ થશે તો જ અનામતનો મૂળ હેતુ સચવાશે તે નક્કી છે.

Most Popular

To Top