વડોદરા તારીખ 27
ભરૂચ અંકલેશ્વર વચ્ચે દોડતી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી પડેલા ટ્રોલી બેગમાંથી એક લાખ ઉપરાંતનો 10.040 કિલોગ્રામ ગાંજો વડોદરા રેલવે એસઓજીની ટીમે જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજો ભરેલુ બેગ મૂકી જનારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.
પશ્ચિમ રેલ્વેમાં દોડતી ટ્રેનોમાં અવારનવાર નસીલા પદાર્થો ની હેરાફેરી થતી રહેતી હોય છે. રેલ્વે પોલીસ અધિક્ષક દ્વારા વડોદરા એસઓજી ને ટ્રેનોમાં ચાલતી ગાંજો ડ્રગ્સ સહિતના નસીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સૂચના આપી હતી. જેને લઈને વડોદરા ની ટીમ સુરતથી હાવડા – અમદાવાદ ટ્રેનમાં પેટ્રોલિંગમાં ફરતા હતા. દરમિયાન અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ અંકલેશ્વર-ભરૂચ વચ્ચે જનરલ-રીઝર્વેશન કોચ વચ્ચેના કોરીડોરમાં એક ટ્રોલીબેગ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ દ્વારા શંકાસ્પદ બેગમાં તેને તપાસ કરતા ગાંજો પેક કરેલા પાંચ બંડલ મળી આવ્યા હતા. પોલીસે એક લાખ ઉપરાંતનો 10 કિલો 40 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને કરી ગાંજાની હેરાફેરી કરનાર કેરિયરને વોન્ટેડ જાહેર કર્યો હતો.