અનેક બાળકોને આ કાટમાળના એંગલો વાગ્યાની ફરિયાદ વોર્ડ ત્રણમાં કરવામાં આવી છતાં તંત્ર નિંદ્રાધીન
તંત્રની નિષ્કાળજી ના કારણે કોઈ બાળક નો ભોગ લેવાશે
હરણી બોટ કાંડ બાદ બોટનો કાટમાળ નજીકના મેદાનમાં પાલિકા તંત્ર દ્વારા નાખી દેવામાં આવ્યો હોવાથી ક્રિકેટ અને રમત રમવા આવતા બાળકો વાગી જવાનો ડર વ્યાપક બન્યો છે. વોર્ડ નંબર ત્રણમાં અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ ઉકેલ નથી. તંત્રની આળસના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.
હરણી લેક ઝોનમાં આજવા વાઘોડિયા રોડની એક શાળા દ્વારા પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. અપૂરતા લાઈફ જેકેટ અને બિન અનુભવ ધરાવતા બોટચાલકના કારણે 12 નિર્દોષ બાળકોએ જાન ગુમાવ્યા હતા .સાથે બે શિક્ષિકાના પણ મૃત્યુ થયા હતા. દુર્ઘટના બાદ તળાવમાંથી અને તળાવની આસપાસથી લોખંડનો ભંગાર કાઢી નજીકના ખુલ્લા પ્લોટ માં તંત્ર દ્વારા નાખી દેવાયો હતો. જે પ્લોટમાં તંત્ર દ્વારા લોખંડનો કાટમાળ નાખવામાં આવ્યો છે ત્યાં જ નજીકમાં એક સ્કૂલ પણ આવેલી છે. આ સ્કૂલના બાળકો રિસેસ દરમિયાન આ મેદાનમાં રમતા હોય છે. સાથે સાથે આસપાસના રહેણાંક વિસ્તારમાંથી બાળકો ક્રિકેટ રમવા પણ આવતા હોય છે. કેટલાક બાળકોને આ કાટમાળની લોખંડની એંગ્લો વાગી ગઈ હોવાના બનાવ બન્યા છે . બાળકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચી હતી. ત્યારે સ્થાનિકોએ વોર્ડ નંબર ત્રણમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરીને આ ભંગારનો સામાન ક્રેપ યાર્ડમાં લઈ જવા બાબતે કહેવામાં આવ્યું છે છતાં પણ વોર્ડના અધિકારી ની આળસના કારણે હજી સુધી ખુલ્લા મેદાનમાંથી તંત્ર દ્વારા મુકેલો કાટમાળ ખસેડવામાં આવ્યો નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બે ત્રણ દિવસ અગાઉ કાટમાળ પાસે રમતા એક બાળકને ગંભીર ઈજા થઈ હતી. પરિણામે આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ નોબત આવી હતી. તંત્રની બેદરકારીના કારણે બોટકાંડ સર્જાયો હતો તે છતાં હજુ પણ આ કાટમાળને ખુલ્લા મેદાનમાં મૂકી રાખી શું તંત્ર કોઈ બોટ કાંડ જેવી મોટી હોનારત થાય એની તંત્ર શું રાહ જુએ છે?
હજુ કોઈ ચોર કે ભંગાર વાળાની નજર આ સામાન પર પડી નથી જેના કારણે હજી આ કાટમાળ હેમખેમ ખુલ્લા મેદાનમાં પડી રહ્યો છે. જો આ ચોરાઈ જાય તેની જવાબદારી કોની? સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણ ખુલ્લા મેદાનમાં મુકેલો કાટમાળ હટાવવા માંગ કરી છે.
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
By
Posted on