વડોદરા મહાનગરપાલિકાની તમામ શાખાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મંગળ બજાર, ન્યાય મંદિર, સાયકલ બજાર તથા આસપાસ વિસ્તારોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા દિવસથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરી છે . જેના ભાગરૂપે આજે સતત સાતમા દિવસે પણ પાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત બંદોબસ્ત સાથે વડોદરા શહેરના મંગળ બજાર, ન્યાય મંદિર, સાયકલ બજાર તેમજ આસપાસના વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં રોડ સાઇડ અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં તાલુકાની દબાણ શાખાની ટીમ, જવાબદાર વિભાગના અધિકારીઓ તથા પોલીસનો સ્ટાફ જોડાયો હતો. સાયકલ બજારમાં દબાણ દૂર કરવાની આ કાર્યવાહીમાં દબાણ શાખાએ કેટલીક સાયકલો પણ જપ્ત કરી હતી. ત્યારબાદ દબાણ શાખાની કાર્યવાહી અંગે શાખાના અધિકારી રાજેશ મેકવાને જણાવ્યું હતું કે વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં મંગળ બજાર પાસેથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વોર્ડ ઓફિસર ,ટીડીઓ, કોમર્શિયલ માર્કેટ શાખા સહિત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરી રહી છે.