Vadodara

વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં

છાણી તળાવમાં ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી છોડવામાં આવતા દુષિત વાતાવરણ

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

લાખો રૂપિયાના ખર્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્યુટીફિકેશન કરવામાં આવેલું છાણી તળાવ ફરી વિવાદમાં આવ્યું છે. તળાવમાં ડ્રેનેજના દૂષિત પાણી મોટી માત્રામાં ભળતા હોવાનો મોર્નિંગ વોકરોએ આક્ષેપ કર્યો છે તેમજ સુવેઝના પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય તેને તાત્કાલિક બંધ કરવા માંગણી કરી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણી તળાવનું લાખો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. જોકે હાલમાં આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ તળાવમાં ડ્રેનેજના પાણી મોટી માત્રામાં લીકેજ થતા હોવાનું મોર્નિંગ વોકરોએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત મોર્નિંગ વોકરોએ સુવેજના પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા છે. અડધા ઉપરાંત તળાવ હાલ ગંદા પાણીથી પ્રદૂષિત થયું છે અને લોકોના સ્વાસ્થ્યની સાથે ગ્રામ લોકોના પણ સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે.

મોર્નિંગ વોકર એ.કે.માછી એ જણાવ્યું હતું કે, જ્યારે છાણી ગામમાં અહીંયા એક તળાવ હતું બીજું કશું હતું નહીં, ત્યારથી અમે અહીંયા આવીએ છીએ અને આજે પણ આવીએ છીએ, પણ એ સમયે શું હતું કે, તળાવ એ રીતે જ હતું. અત્યારે હાલમાં બેસવાની વ્યવસ્થા ગાર્ડન બનાવવામાં આવ્યું છે. સરકારે સારું કામ કર્યું છે. ગ્રામજનોને સાંજે આવીને બેસવું હોય સિનિયર સિટીઝનને ચાલવું હોય તે માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પણ છેલ્લા છ મહિનાથી અહીંયા સુવેઝના પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થઈ રહ્યો છે. તળાવમાં ડ્રેનેજના પાણી મોટી માત્રામાં લીકેજ થતા વાતાવરણ પણ દૂષિતમય બની રહ્યું છ. જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે એવી છે. કોર્પોરેટરો અને વિનંતી છે કે તમે સારું કામ કર્યું પણ અહીંયા ધ્યાન આપો એ જરૂરી છે.

સ્થાનિક કમલેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, હંમેશા વિકાસની વાતો કરીએ છીએ, મોદી સાહેબના વિચારો દ્વારા ચાલીએ છીએ. પરંતુ અધિકારીઓ ભ્રષ્ટ હોય ત્યારે અમારે આંગળીઓ ઉઠાવવી પડે છે. છાણી તળાવમાં ખૂબ જ ગંદકી છે અને દૂષિત વાતાવરણ બન્યું છે. આ સુવેજનો એટલો બધો ગેસ ઉત્પન્ન થાય છે. જે હાની કરી શકે તેમ છે. આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. બાળકો રમવા આવે છે. અહીંયા લોકો કસરત કરવા માટે આવે છે, ચાલવા માટે આવે છે. પરંતુ આજે આરોગ્યને જ ચેડાં થતા હોય, ત્યારે અમારે લોકોએ બોલવું પડે છે. વિકાસની માત્ર વાતો થાય છે, પણ ખરેખર વિકાસ થતો નથી. અધિકારીઓ જે ભ્રષ્ટ છે. એમને પણ ખ્યાલ આવવો જોઈએ કે, વહેલી તકે આ નિરાકરણ લાવે કાઉન્સિલર હોય ધારાસભ્ય હોય કે પછી મેયર હોય આનું નિરાકરણ વહેલી તકે આવે એવી અમારી માંગણી છે.

Most Popular

To Top