Charotar

ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ… 


 
ડાયાબિટીસના દર્દીઓની ચકાસણી અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ, ટ્રેનીંગ અને લર્નિંગની સુવિધા
 
ચાંગા: ચાંગા સ્થિત ચારુસેટ યુનીવર્સીટીમાં અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી (ARIP)માં  કોમ્યુનિટી ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા ડાયાબિટીક પગ અને તેને સંબંધિત સમસ્યાઓની તપાસ કરવા માટે રૂ. 4.20 લાખના ખર્ચે ડાયાબિટીક ઓટોલેબ શરુ કરવામાં આવી છે.  સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ડાયાબિટીક ઓટોલેબ ધરાવતી એકમાત્ર સંસ્થા ARIP કોલેજ છે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાતમાં સૌપ્રથમ વાર ચારુસેટમાં ડાયાબિટીસના દર્દીઓ માટે અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ, ટ્રેનીંગ અને લર્નિંગના હેતુસર આ લેબ શરુ કરવામાં આવી છે.  
આ લેબ વિશે માહિતી આપતા ARIP ના પ્રિન્સીપાલ ડો. ધ્રુવ દવે, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માનસી ભડીયાદ્રા અને ડો. શિપ્રા શાહે જણાવ્યું હતું કે ડાયાબીટીસ સાઈલેન્ટ રોગ છે જેના લક્ષણો તરત દેખાતા નથી.  પગની તકલીફ થવી કોમન છે, પણ ડાયાબીટીસ થાય તો પગની ઘણીબધી તકલીફ થાય છે. પગની નસનું સુકાઈ જવું પણ એક તકલીફ છે. ડાયાબીટીસ થાય તો પગની નસ સુકાઈ જાય છે અને પગ કાળો પડી જાય છે અને મોટાભાગના લોકોનું ચેતાતંત્ર પણ ધીમું પડી જાય છે. પગમાં ઘણા લોકોને તકલીફ વધે તો પગનો અંગુઠો કે પગ કપાવવો પડતો હોય છે.  આ બાબતમાં અગાઉથી ચકાસણી કરવી જરૂરી છે જેથી રોગને આગળ વધતો અટકાવી શકાય છે. તેની ચકાસણી આ  ડાયાબિટીક ઓટોલેબ દ્વારા  થશે. વર્લ્ડ ડાયાબીટીસ ફેડરેશનના જણાવ્યા મુજબ એક અંદાજ પ્રમાણે 4 કરોડ નાગરિકોને ડાયાબીટીસ છે જેમાં 8 થી 10 ટકા ગુજરાતના છે.
આ ડાયાબિટીક ઓટોલેબ વિવિધ પ્રકારના સ્ક્રીનીંગ કરવામાં સક્ષમ છે જેમાં (1) એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ, ટો બ્રેકિયલ ઇન્ડેક્સ, વેલોસીટી વેવફોર્મ એનાલીસીસનો ઉપયોગ કરીને વાસ્ક્યુલર ખામીઓ શોધી કાઢે છે. (2) વાઇબ્રેશન પર્સેપ્શન થ્રેશોલ્ડ (વીપીટી) – બાયોથેસીયોમેટ્રી 10 ગ્રામ મોનોફિલામેન્ટથી સંવેદન ઉણપ જાણી શકાય છે. (3) એડવાન્સ ઇલેક્ટ્રોનિક સેન્સર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પગનાં તળિયાંને લગતા દબાણનું સ્ક્રીનીંગ કરે છે. (4) પગમાં થતી બળતરાના મૂલ્યાંકન માટે પગના તાપમાનનું નોન-કોન્ટેક્ટ મેઝરમેન્ટ લે છે.
તાજેતરમાં અદ્યતન ડાયાબીટિક ઓટોલેબ સિસ્ટમનો ઉપયોગ કરીને ડાયાબિટીસ ધરાવતા સ્ટાફ મેમ્બર્સ  માટે સ્પેશીયલ  ફૂટ ઇવેલ્યુએશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓની ચકાસણી શરુ કરવામાં આવી છે.

Most Popular

To Top