પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ઈન્ટર્નલ પરીક્ષાની પુરવણી ગુમ થતા NSUIનો વિરોધ :
સ્ટુડન્ટ છેલ્લા બે દિવસથી યુનિવર્સિટીની બિલ્ડિંગના ધક્કા ખાતી હતી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં શિક્ષકોની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીને ઘણી હાલાકી વેઠવી પડી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ઈન્ટર્નલ પરીક્ષા લેવામાં આવી. વિદ્યાર્થિનીને તેના ઈકોનોમિક્સ સિવાય તમામ વિષયના માર્ક્સ તેમજ પુરવણી મળી ગયા હતા. પરંતુ ઈકોનોમિક્સના માર્ક્સ હજુ સુધી મળ્યા ન હતા. રજૂઆત કરવા પહોંચી. ત્યારે યુનિટ બિલ્ડિંગના સ્ટાફ તેમજ ઈકોનોમિક્સના મેડમ દ્વારા યોગ્ય જવાબ આપવામાં ના આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારી પુરવણી ખોવાઈ ગઈ હશે.
યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો NSUI ઉગ્ર આંદોલન કરશે
એમ.એસ.યુનિવર્સિટીમાં દિવાળી પહેલા 14 ઓક્ટોબરથી કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ઈન્ટર્નલ પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામ યુનિવર્સિટી દ્વારા હાલના સમયમાં જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના મેળવેલા ગુણ સાથે તેમને તેમની પુરવણી પણ આપી દેવામાં આવે છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના ઈકોનોમિક્સ સિવાય તમામ વિષયના માર્ક્સ તેમજ પુરવણી મળી ગયા હતા. પરંતુ ઈકોનોમિક્સના માર્ક્સ હજુ સુધી મળ્યા ન હતા. જેથી છેલ્લા બે દિવસથી યુનિવર્સિટીની બિલ્ડિંગના ધક્કા ખાતી હતી. ત્યારે ગુરુવારે યુનિટ બિલ્ડીંગના કોર્ડીનેટરને આ અંગેની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે યુનિટ બિલ્ડિંગના સ્ટાફ તેમજ ઈકોનોમિક્સના મેડમ દ્વારા યોગ્ય જવાબ આપવામાં ના આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારી પુરવણી ખોવાઈ ગઈ હશે. જેથી NSUI દ્વારા યુનિટ બિલ્ડીંગ ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. એનએસયુઆઈ ના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. કોમર્સના ડીન અને યુનિટ બિલ્ડીંગના કોર્ડીનેટર દ્વારા આવતીકાલ સુધીમાં પુરવણી શોધી આપવાની વાત કરવામાં આવી છે. જો આ અંગેનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો NSUI ઉગ્ર આંદોલન કરશે.